Connect Gujarat
Featured

તાપી : વ્યારા ખાતે શરૂ કરાયું “ટ્રાઇબલ ફૂડ કોર્ટ”, આપ પણ માણિ શકો છો આદિવાસી પરંપરાગત વાનગીઓનો સ્વાદ

તાપી : વ્યારા ખાતે શરૂ કરાયું “ટ્રાઇબલ ફૂડ કોર્ટ”, આપ પણ માણિ શકો છો આદિવાસી પરંપરાગત વાનગીઓનો સ્વાદ
X

તાપી જિલ્લા વન વિભાગ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આદિવાસી લોકોને રોજગારી મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અન્ય લોકો પણ આદિવાસી પરંપરાગત વાનગીઓ આરોગી શકે તે માટે વ્યારા ખાતે નાહરી ભોજનાલયની શરૂઆત કરવામાં આવી છે. જ્યાં લોકો સ્વાસ્થ્યવર્ધક આદિવાસી પરંપરાગત ભોજન આરોગી આનંદની લાગણી અનુભવી રહ્યા છે.

છેલ્લા ઘણા સમયથી તાપી જિલ્લાના વન વિભાગ દ્વારા આદિવાસીઓની પરંપરાગત કળાઓ અને તેઓના ખોરાકથી લોકો પરિચિત થાય તે માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. હાલમાં વન વિભાગ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા વ્યારા ખાતે 3 જેટલા નાહરી કેન્દ્રની શરૂઆત કરવામાં આવી રહી છે. આ માટે ખાસ આદિવાસી મહિલાઓને ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે. જોકે આ ભોજનાલયમાં પરંપરાગત વાનગીઓમાં નવીનતા સાથે આધુનિકતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

તાપી જિલ્લાના આદિવાસીઓની પરંપરાગત વાનગીઓ નાગલીના રોટલા, કોઢાની ભાજી, સરગવાના સિંગનો સૂપ, ડાંગી થાળી અને અન્ય ઘણી વાનગીઓનો સમાવેશ થાય છે. જોકે નાગલીને અલગ અલગ રીતે આધુનિક ઢબે પણ બનાવવામાં આવતા સ્થાનિક મહિલાઓને વિશેષ તાલીમ પણ આપવામાં આવી રહી છે. આ વિસ્તારની આદિવાસી મહિલાઓ પગભર બને તે ઉદેશ્યને ધ્યાનમાં રાખી આદિવાસી વિસ્તારની વિવિધ વાનગીઓનો લુપ્ત લોકો ઉઠાવી શકે તે માટે વ્યારા ખાતે રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવ્યું છે. જેને આરોગીને અહીં આવતા સ્વાદના રસિયાઓ આ વાનગીઓના વખાણ કરતા થાકતા નથી.

જોકે, આદિવાસી મહિલાઓને પગભર બનાવાની સાથોસાથ લોકો આદિવાસી પરંપરાગત વિવિધ વાનગીઓનો સ્વાદ માણિ શકે તે ઉદેશ્યથી સરકારની માર્ગદર્શિકા મુજબ વ્યારા વન વિભાગે ટ્રાઇબલ ફૂડ કોર્ટ શરૂ કર્યું છે. જેમાં બહેનોને વિશેષ તાલીમ આપી પરંપરાગત ભોજનની સાથે આધુનિકતાનું મિશ્રણ કરીને આદિવાસીઓ દ્વારા બનાવાતી રસોઈ અહી આવતા લોકોને પીરસવામાં આવી રહી છે.

Next Story