Connect Gujarat
Featured

રાજયમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીનો જંગ, જુઓ ભાજપ કેમ કરે છે તમામ બેઠકો જીતવાનો દાવો

રાજયમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીનો જંગ, જુઓ ભાજપ કેમ કરે છે તમામ બેઠકો જીતવાનો દાવો
X

ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનાના અંતિમ સપ્તાહમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચુંટણીઓ યોજાવા જઇ રહી છે ત્યારે ભાજપ મજબુત સ્થિતિમાં દેખાઇ રહયું છે. પેજ કમિટીના માઇક્રો પ્લાનિંગ સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ તમામ બેઠકો જીતવાનો દાવો કરી રહયાં છે. બીજી તરફ કોંગ્રેસ હજી નિરસ અને નિષ્ક્રીય જણાય રહયું છે...

ગુજરાતમાં 21મી ફેબ્રુઆરીના રોજ મહાનગર પાલિકાઓમાં તેમજ 28 ફેબ્રુઆરીના રોજ પંચાયતો તથા નગરપાલિકાઓમાં ચુંટણી યોજવા જઇ રહી છે. ભાજપે લગભગ છ મહિના ઉપરાંતથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીની તૈયારીઓ આદરી દીધી હતી. ભાજપના નવા વરાયેલા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે હોદો સંભાળતાની સાથે પેજ કમિટીની રચનાઓ પર ભાર મુકયો છે. 6 કરોડની વસતી ધરાવતાં ગુજરાત રાજયમાં 16 લાખ જેટલી પેજ કમિટી બનશે તેવો દાવો ભાજપના પ્રદેશ અધ્યક્ષ કરી રહયાં છે. વડોદરા, સુરત અને ભરૂચમાં પણ તમામ બેઠકો જીતવાના દાવા થઇ રહયાં છે. ભરૂચમાં ઓપરેશન લોટસના ભાગરૂપે કોંગ્રેસનો ગઢ ગણાતાં ઝાડેશ્વર ગામમાં મોટી ઉલેટફેર થઇ છે. ભરૂચ તાલુકા પંચાયતના પુર્વ ઉપ પ્રમુખ અને કોંગ્રેસનો પાટીદાર ચહેરો ગણાતાં કૌશિક પટેલ તેમના સમર્થકો સાથે કોંગ્રેસનો હાથ છોડી ભાજપના ભગવા રંગથી રંગાઇ ગયાં છે. આ ઉલેટફેર બાદ ભાજપના જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ ભરૂચમાં તમામ બેઠકો જીતીશું તેવો આશાવાદ વ્યકત કર્યો છે...


એક તરફ ભાજપે ઉમેદવારો નકકી કરવા માટે મહાનગરપાલિકાઓમાં નિરિક્ષકો મોકલી આપ્યાં છે. છ મહાનગરપાલિકાઓમાં થનારી ચુંટણી માટે ઉમેદવારો નકકી કરવા માટે ભાજપના ત્રણ નિરિક્ષકોની ટીમ સેન્સ લઇ રહી છે. દરેક વોર્ડ દીઠ ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારોની યાદી ફાઇનલ કરી ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે. રાજયમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની પેટા ચુંટણીમાં હાર બાદ કોંગ્રેસ બેકફુટ પર આવી ચુકી છે. ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો રાજયસભાના સાંસદ અહમદ પટેલની ખોટ કોંગ્રેસને જરૂર વર્તાશે. અહમદ પટેલના નિધન બાદ અનેક કોંગ્રેસીઓ હવે ભાજપની કંઠી ધારણ કરી રહયાં છે. બીજી તરફ બીટીપીના છોટુભાઇ વસાવાએ એઆઇએમઆઇએમ માટે દરવાજા ખોલતાં નારાજ થયેલો આદિવાસી સમાજ પણ ભાજપ તરફ વળ્યો છે. આવા સંજોગોમાં ભાજપ મજબુત બની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઉભરી આવશે તો બીજી તરફ આ ચુંટણી કોંગ્રેસ માટે લીટમસ ટેસ્ટ બની રહેશે. કુશળ સંગઠન અને રણનિતિના અભાવે કોંગ્રેસ પછડાટ ખાય તેવા પ્રબળ સંજોગો છે. ગત ચુંટણીમાં ગ્રામ્ય વિસ્તારના મતદારો કોંગ્રેસની સાથે અને શહેરી વિસ્તારના મતદારો ભાજપની સાથે રહયાં હતાં પણ આ વખતે મતદારોનો કેવો મિજાજ છે તે તો મતગણતરી બાદ જ ખબર પડશે....

Next Story