રાજયમાં સૌથી વધુ પરિણામ રાજકોટનું 84.69 ટકા સૌથી ઓછું છોટાઉદેપુરનું 32.64 ટકા

0
98

ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજયમાં 84.69 ટકા પરિણામ સાથે રાજકોટ જિલ્લો અવ્વલ રહયો હતો જયારે છોટાઉદેપુર જિલ્લાનું સૌથી ઓછું 32.64 ટકા પરિણામ આવ્યું છે. 

કોરોના વાયરસના કહેર વચ્ચે રાજયમાં ધોરણ -10 અને 12ની બોર્ડ પરીક્ષા લેવામાં આવી હતી. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ રવિવારના રોજ વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજયનું પરિણામ 71.34 ટકા આવ્યું છે. રાજયમાં 84.69 ટકા પરિણામ સાથે રાજકોટ જિલ્લો પ્રથમ નંબરે રહયો હતો જયારે છોટાઉદેપુર જિલ્લો 32.64 ટકા પરિણામ સાથે રાજયમાં સૌથી નીચલા સ્થાને રહયો હતો. ભરૂચ જિલ્લાનું પરિણામ 63.14 ટકા આવ્યું છે.  ધોરણ 12 સાયન્સમાં 1,16,643 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાં 83,111 વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે 33,532 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. વિષયવાર પરિણામ જોવામાં આવે તો ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉર્દુ અને અરેબિક વિષય નું પરિણામ 100 ટકા આવ્યું છે. ફિઝિક્સનું 72.48 ટકા, કેમેસ્ટ્રીનું 72.36 ટકા અને બાયોલોજીનું 85.99% પરિણામ આવ્યું છે. અંગ્રેજીનું પરિણામ 98 ટકા આવ્યું છે. ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે પરિણામ જાહેર કરી દીધું છે અને વિદ્યાર્થીઓને માર્કશીટ તથા અન્ય પ્રમાણપત્રોનું વિતરણ ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here