Connect Gujarat
ગુજરાત

વડોદરાઃ લૂંટના ઈરાદે ઉદ્યોગપતિના પત્નીની ચાકૂના ઘા મારી હત્યા

વડોદરાઃ લૂંટના ઈરાદે ઉદ્યોગપતિના પત્નીની ચાકૂના ઘા મારી હત્યા
X

રહસ્યમય લૂંટ વીથ મર્ડરની બનેલી આ ઘટનાએ વિસ્તારમાં ભારે ચકચાર જગાવી

વડોદરાના તરસાલી-સુશેન રોડ ઉપર આવેલી આનંદ પાર્ક સોસાયટીમાં રહેતા ઉદ્યોગપતિની પત્નીને અજાણ્યા શખ્સોએ ગળામાં ચાકૂના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. બાદમાં લૂંટ ચલાવી ફરાર થઇ જતાં રહસ્યમય લૂંટ વીથ મર્ડરની બનેલી આ ઘટનાએ વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી.

પ્રાપ્ત વિગતો અુસાર તરસાલી-સુશેન રોડ 382, આનંદ પાર્ક સોસાયટીમાં રહેતા અને મકરપુરા જી.આઇ.ડી.સી.માં વેન્ટીલેશનના પંખા બનાવતા પ્રતિકભાઇ પંચાલની પત્ની કુંજલબહેન આજે સવારે ઘરમાં એકલા હતા. તે દરમિયાન કોઇ અજાણ્યા શખ્સો ઘરમાં ઘૂસી ગયા હતા. અને તેઓના ગળાના ચાકૂના ઘા મારી મોતને ઘાટ ઉતારી લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.

સ્થાનિક અને પોલીસ સુત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે નિત્યક્રમ મુજબ કુંજલબહેનના પતિ તથા ઘરના અન્ય સભ્યો વહેલી સવારે ફેક્ટરી ઉપર ચાલ્યા હતા. મોડી સવારે 8 વાગે કુંજલબહેન તેમના અઢી વર્ષના પુત્રને પ્લે-સેન્ટરમાં મૂકીને ઘરે આવ્યા હતા. ઘરે આવ્યા બાદ તેઓ ઘરના કામકાજમાં લાગી ગયા હતા.

દરમિયાન કોઇ અજાણ્યા શખ્સો ઘરમાં ઘૂસી ગયા હતા. અને કપડાં ધોઇ રહેલા કુંજલબહેન ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. પાછળથી હુમલો થતાંજ કુંજલબહેન હુમલાખોરોનો પ્રતિકાર કરી અન્ય રૂમમાં દોડી આવ્યા હતા. પરંતુ, કુંજલબેહનને ટાર્ગેટ બનાવીને આવેલા હુમલાખોરોએ ઘરના બેડરૂમમાં પકડીને તેઓના ગળામાં ચાકૂના ઘા મારી મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયા હતા.

મળેલી માહિતી પ્રમાણે સવારે પ્લે-સેન્ટરમાં મૂકી આવેલા કુંજલબહેન 11 વાગે પુત્રને લેવા ન જતાં, પ્લેસેન્ટરના સ્ટાફ દ્વારા તેઓના ફોન ઉપર સંપર્ક કર્યો હતો. પરંતુ, ફોન બંધ બતાવતો હતો. આથી પ્લેસેન્ટરના સ્ટાફ દ્વારા કુંજલબહેનના ફેમિલીનો સંપર્ક કર્યો હતો. ફેમિલીના સભ્ય ઘરે તપાસ કરવા માટે જતાં તેઓએ કુંજલબહનને લોહીમાં લથપથ જોતા ચોંકી ઉઠ્યા હતા.

26 વર્ષિય કુંજલબહેનને મોતને ઘાટ ઉતારનાર હુમલાખોરો ઘરમાંથી અન્ય મુદ્દામાલ લૂંટી ગયા હોવાની કોઇ વિગત સામે આવી નથી. જોકે, કુંજલબહેનના વડસાસુએ હુમલાખોરો કુંજલબહેનના ગળામાંથી સોનાની ચેઇન લૂંટી ગયા હોવાનું પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

Next Story