Connect Gujarat
Featured

આજે સુભાષચંદ્ર બોઝ જયંતિ; જાણો નેતાજીએ જીવન કેવી રીતે વિતાવ્યું

આજે સુભાષચંદ્ર બોઝ જયંતિ; જાણો નેતાજીએ જીવન કેવી રીતે વિતાવ્યું
X

જો આપણે એક સ્વાતંત્ર્ય સેનાનીનો વિચાર કરીએ જે બહાદુર સૈનિક, બહાદુર યોદ્ધા, મહાન સેનાપતિ, કુશળ રાજકારણી પણ હોય ત્યારે આપણને નેતાજી સુભાષચંદ્ર બોઝનો ચહેરો સૌથી પહેલા આવે છે. તેમના વ્યક્તિત્વના વખાણમાં કંઈ પણ કહેવામાં આવે તે ઓછું જ પડે છે. નેતાજીએ ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત શું નથી કર્યું.! નેતાજી સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ સૈન્યની રચનાથી માંડીને દરેક ભારતીયને સ્વતંત્રતાના મહત્વ સમજાવવા સુધીનું બધુ જ કાર્ય કર્યા છે. તો ચાલો આજે તમને નેતાજીના જીવન વિશે કેટલીક ખાસ વાતો જણાવીએ.

નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાના કટક ગામમાં એક સમૃદ્ધ બંગાળી પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાવતી દેવી હતું, જેમને કુલ 14 બાળકો હતા. તેમાંથી 8 પુત્રો અને 6 પુત્રી હતી. નેતાજી નવમા સંતાન અને પાંચમા પુત્ર હતા. તેમણે પ્રારંભિક શિક્ષણ કટકની રેવન્સો કોલેજીએટ સ્કૂલમાંથી કર્યું, ત્યારબાદ નેતાજીએ વર્ષ 1913માં કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાં પ્રવેશ મેળવ્યો, ત્યારબાદ 1915માં તેમણે પ્રથમ ક્રમાંકે ઇન્ટરમિડીએટની પરીક્ષા પાસ કરી. ત્યારબાદ સુભાષચંદ્ર બોઝના માતાપિતાએ તેમને ભારતીય સિવિલ સર્વિસ માટે ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટી મોકલ્યા હતા.

બ્રિટીશ યુગમાં તો કોઈ ભારતીયોએ આ પરીક્ષામાં ભાગ લેવો તો દૂર પણ આ પરીક્ષા પાસ કરવી પણ મુશ્કેલ હતી. આમ હોવા છતાં નેતાજી ભારતીય સિવિલ સર્વિસ પરીક્ષામાં ચોથા ક્રમે આવ્યા. 1921માં ભારતમાં રાજકીય પ્રવૃત્તિઓ વધવા લાગી. આ સમાચાર મળતા જ નેતાજીએ ભારતીય વહીવટી સેવા મધ્યમાં છોડી અને ભારત પરત ફર્યા અને પછીથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા. જ્યાં મહાત્મા ગાંધી ઉદાર પક્ષનું નેતૃત્વ કરતાં હતા, ત્યારે સુભાષચંદ્ર બોઝ ઉત્સાહી ક્રાંતિકારી પક્ષને પ્રિય હતા. તેથી નેતાજી ગાંધીજીના મંતવ્ય સાથે સહમત ન હતા. જો કે, બંનેનું ભારતને આઝાદ કરવાનું એક માત્ર અને માત્ર લક્ષ્ય હતું.

1938માં નેતાજી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટાયા. ત્યારબાદ તેમણે રાષ્ટ્રીય યોજના પંચની રચના કરી. 1939ના કોંગ્રેસ અધિવેશનમાં નેતાજી સુભાષચંદ્ર બોઝે ગાંધીજીનું સમર્થન લઈ ઊભા રહેલા પટ્ટભી સીતારમૈયા પર વિજય મેળવ્યો. આ સમયે ગાંધીજી અને નેતાજી વચ્ચે મતભેદ વધી ગયો. ત્યારબાદ નેતાજીએ ખુદ કોંગ્રેસ છોડી દીધી. આના વચ્ચે બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ અને નેતાજીએ અંગ્રેજો સામે તેમનો વિરોધ વધુ તીવ્ર બનાવ્યો. ત્યારબાદ તેમને તેમના જ મકાનમાં નજરકેદ કરવામાં આવ્યા હતા. જો કે, તેઓ જર્મની ભાગી ગયા હતા જ્યાં તેમણે વિશ્વ યુદ્ધને ખૂબ નજીકથી જોયું.

નેતાજી સુભાષચંદ્ર બોઝે તેમના સેક્રેટરી અને ઓસ્ટ્રેલિયન યુવતી એમિલી સાથે 1937માં લગ્ન કર્યા. બંનેની એક પુત્રી અનિતા હતી અને હાલમાં તેઓ તેમના પરિવાર સાથે જર્મનીમાં રહે છે. નેતાજીએ 21 ઓક્ટોબર 1943માં ભારતને અંગ્રેજોથી મુક્ત કરવા માટે 'આઝાદ હિન્દ સરકાર'ની સ્થાપના કરીને 'આઝાદ હિન્દ ફૌજ' ની રચના કરી. સુભાષચંદ્ર બોઝ તેની સેના સાથે 4 જુલાઈ 1944ના રોજ બર્મા (હાલના મ્યાનમાર) પહોંચ્યા. અહીં તેમણે ‘તુમ મુજે ખૂન દો, મે તુમ્હે આઝાદી દૂંગા’ સૂત્ર આપ્યું હતું. પરંતુ 18 ઓગષ્ટ 1945ના રોજ સુભાષચંદ્ર બોઝે વિશ્વને કાયમ માટે વિદાય આપી હતી. હકીકતો સૂચવે છે કે સુભાષચંદ્ર બોઝ 18 ઓગષ્ટ 1945ના રોજ એક વિમાનમાં મંચુરિયા જઈ રહ્યા હતા, પરંતુ તે પછી તેઓ અચાનક ક્યાંક ગાયબ થઈ ગયા અને આજ સુધી તેમનું મૃત્યુ એક વણઉકેલાયેલ રહસ્ય છે.

Next Story