સ્પેનના સેન્ટ્રલ પ્રોવિન્સ ટોલેડોમાં બુધવારે સવારે એક મોટો રેલ અકસ્માત સર્જાયો હતો. બે હાઈ-સ્પીડ ટ્રેન સામસામે અથડાતા આશરે 39 લોકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ભયાનક દુર્ઘટના બાદ મેડ્રિડને સિઉદાત રિયાલ અને અંદાલુકિયા પ્રદેશ સાથે જોડતી તમામ રેલ સેવાઓ તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવામાં આવી છે.
સ્થાનિક સમય મુજબ સવારે 9 વાગ્યાની આસપાસ રેનફે અને ઈરિયો કંપનીની બે હાઈ-સ્પીડ ટ્રેન વચ્ચે આ ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો બધો ભયાનક હતો કે ઈરિયો ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઊથલી પડ્યા હતા અને ઊંડી ખાઈમાં ખાબક્યા હતા.
ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં એમ્બ્યુલન્સ અને ઈમરજન્સી મેડિકલ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્તોની સંખ્યા હજુ સ્પષ્ટ થઈ નથી, પરંતુ નજીકના ઉર્દા શહેરના મેયરે જણાવ્યું કે ઈમરજન્સી સેવાઓની સૂચના બાદ ઈજાગ્રસ્તોને આશ્રય અને પ્રાથમિક સારવાર આપવા માટે એક સ્થાનિક સ્પોર્ટ્સ હોલ તૈયાર કરવામાં આવ્યો છે.
સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે આ ગંભીર રેલ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે તેઓ સતત પરિવહન મંત્રાલય અને સંબંધિત અધિકારીઓના સંપર્કમાં છે.
