Connect Gujarat
Featured

ઉત્તરાખંડ : ચમોલીમાં આફતથી અત્યારસુધીમાં 14 ના મોત, 170 ગુમ, બચાવ કાર્ય યથાવત

ઉત્તરાખંડ : ચમોલીમાં આફતથી અત્યારસુધીમાં 14 ના મોત, 170 ગુમ, બચાવ કાર્ય યથાવત
X

ઉત્તરાખંડના ચમોલીમાં બનેલ ગ્લેશિયરની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 14 લાશ મળી આવી છે. વિનાશના કારણે લગભગ 170 લોકો ગુમ થયા છે. બચાવ કામગીરીમાં સેના, એરફોર્સ. આઇટીબીપી, એનડીઆરએફ, એસડીઆરએફ અને પોલીસ કર્મચારી જોતરાયા છે. લોકોને કાટમાળમાંથી ખેંચવામાં આવી રહ્યા છે.

ઉત્તરાખંડના ચમોલીમાં હિમનદી તૂટવાના કારણે સર્જાયેલી તબાહીમાં અત્યાર સુધીમાં 14 મૃતદેહો મળી આવ્યા છે. જોકે, હજી પણ ઘણા લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે. વિનાશ બાદ લગભગ 170 લોકો ગુમ થયા છે. આ અકસ્માતમાં તપોવનનો પાવર પ્રોજેક્ટ નાશ પામ્યો છે. ગઈકાલે આઇટીબીપીએ ટનલમાં ફસાયેલા 12 લોકોને બહાર કાઢ્યા હતા. જ્યારે લગભગ 30 લોકો હજી પણ બીજી ટનલમાં ફસાયેલા હોવાની આશંકા છે. હાલમાં બચાવ કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે.

રેણી ગામમાં 100 થી વધુ લોકો ગુમ

ચમોલી જિલ્લામાં રાતોરાત રાહત અને બચાવ કામગીરી ચાલુ રહી હતી. આઇટીબીપી, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સતત બચાવ કાર્યમાં રોકાયેલા છે. ટૂંક સમયમાં વાયુસેના પણ રાહત કાર્યમાં લાગી જશે. રેણી ગામના લોકોએ સૌથી વધુ મુશ્કેલી સહન કરી છે. અહીં 100 થી વધુ લોકો ગુમ થયાના અહેવાલ છે. ચમોલી પોલીસે પણ ટ્વીટ કરીને લોકોને જાગ્રત રહેવા જણાવ્યું છે.

ઋષિ ગંગા પાવર પ્રોજેક્ટ તબાહ

સૌ પ્રથમ, રેણી ગામ નજીક ઋષિ ગંગા પાવર પ્રોજેક્ટમાં પૂરે કહેર વરસાવ્યો. ઋષિ ગંગા પાવર પ્રોજેક્ટને તહસ નહસ કરી દીધો. ઋષિ ગંગા પાવર પ્રોજેક્ટ 2005 માં બનાવવામાં આવ્યો હતો. આ પાવર પ્રોજેક્ટ 13 મેગાવોટથી વધુની ક્ષમતાનો ખાનગી પ્રોજેક્ટ છે. આ પાવર પ્રોજેક્ટને લઈને પણ ઘણા વિવાદો થયા છે, જોકે અહીં વીજ ઉત્પાદન શરૂ થયું હતું. આ પ્રોજેક્ટમાં આશરે 35 લોકોએ કામ કરી રહ્યા હતા, જેમાં ચાર પોલીસકર્મીઓની ડયુટી હતી. બે રજા પર હતા અને બે ગુમ છે. લગભગ 30 લોકો હજી લાપતા છે.

એનટીપીસીનો તપોવન પાવર પ્રોજેક્ટ પણ નાશ પામ્યો

એનટીપીસીના સરકારી કંપનીના તપોવન પાવર પ્રોજેક્ટે 2006 માં બાંધકામ શરૂ કર્યું હતું અને તેનું 70 ટકાથી વધુ કામ પૂર્ણ થયું હતું. આ પ્રોજેક્ટ આ વર્ષે પૂર્ણ થવાની અપેક્ષા હતી, પરંતુ પાવર પ્રોજેક્ટને ભારે તબાહીને કારણે હાલાકી વેઠવી પડી છે. આ પ્રોજેક્ટ પર કામ કરતા 148 લોકો હજી ગુમ છે. ઋષિ ગંગા અને તપોવન પાવર પ્રોજેક્ટ ઉપરાંત રૈની ગામ, લતા ગામ અને માલારી વિસ્તારમાં રસ્તાઓ ધોવાઈ ગયા હતા. તેમજ બીઆરઓનો એક બ્રિજ પણ ધોવાઈ ગયો હતો.

કેટલા રૂપિયાની વળતરની જાહેરાત કરવામાં આવી?

વિનાશના સમાચાર આવતાની સાથે જ વહીવટી તંત્ર સક્રિય થઈ ગયું હતું. વડા પ્રધાન, ગૃહ પ્રધાન અને મુખ્ય પ્રધાનને ચારે બાજુથી દિશા નિર્દેશો મળવા લાગ્યા. પીએમ મોદીએ વડા પ્રધાનના રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી બે લાખ અને ગંભીર રીતે ઘાયલ લોકોને 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. જ્યારે ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે.

યુપીના બિજનોરમાં એલર્ટ જારી કરાયું

આ સમયે બચાવ કામગીરીમાં સેના, એરફોર્સ. આઇટીબીપી, એનડીઆરએફ, એસડીઆરએફ અને પોલીસ કર્મચારી જોડાયેલા છે. ઉત્તરાખંડના જોશીમઠમાં, ગ્લેશિયર તૂટવાના કારણે ધૌલીગંગા નદીમાં પૂર આવ્યું હતું, જે અલકનંદામાં મળીને ગંગા નદી તરીકે હરિદ્વાર જાય છે. એટલા માટે સાવચેતીના પગલા તરીકે યુપીના બિજનોરમાં ચેતવણી જારી કરવામાં આવી હતી.

Next Story