Connect Gujarat
ગુજરાત

“મોતની કેનાલ” : વડોદરામાં બાઇક સાથે 3 યુવાનો નર્મદા કેનાલમાં ખાબક્યા

“મોતની કેનાલ” : વડોદરામાં બાઇક સાથે 3 યુવાનો નર્મદા કેનાલમાં ખાબક્યા
X

વડોદરા અને આણંદ જીલ્લામાં યુવાનોના કેનાલમાં ડૂબી જવાના બે અલગ અલગ બનાવો બન્યા હતા, જેમાં બાઇક સવાર 3 યુવાનો વડોદરાના શેરખી ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં ખાબક્યા હતા, જ્યારે આણંદના બોરીયાવી ગામ નજીક મહી કેનાલમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.

આણંદ જિલ્લાના કોસિન્દ્રા ગામાના ત્રણ યુવાનો વડોદરા ખાતે નોકરી જવા નીકળ્યા હતા, તે દરમ્યાન શેરખી ગામેથી પસાર થતી નર્મદા કેનાલ નજીક બાઇક ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના પગલે ત્રણેય યુવાનો બાઇક સાથે સીધા નર્મદા કેનાલમાં ખાબક્યા હતા. જે દ્રશ્યો જોતાં દોડી ગયેલા સ્થાનિકોએ એક યુવાનને બચાવી લીધો હતો, જ્યારે બે યુવાનોની વડોદરા ફાયર વિભાગ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. બન્ને યુવાનો સાથે બાઇક પણ પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. જોકે ફાયર વિભાગના જવાનોએ દોરડા વડે બાઇકને બાંધી બહાર કાઢી હતી. ઉપરાંત 2 કિ.મી. સુધી ફાયર વિભાગની ટીમે બન્ને યુવાનોની શોધખોળ કરવા છતાં બન્ને યુવાનોની ભાળ મળી ન હતી. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

તો કેનાલમાં ડૂબી જવાનો અન્ય એક બનાવ આણંદ જિલ્લામાં બનવા પામ્યો હતો. જેમાં સામારખાથી બોરીયાવી તરફ જતી મહી કેનાલમાંથી કંજરી ગામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, મૃતક કંજરી ગામનો યુવાન સરકારી કર્મચારી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે કોઈ અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. હાલ તો સમગ્ર મામલે આણંદ ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Next Story