Connect Gujarat
Featured

વડોદરા : દુકાનોમાં ખરીદીમાં 70 ટકાનો થયો ઘટાડો, વેપારીઓ મારે છે માખીઓ

વડોદરા : દુકાનોમાં ખરીદીમાં 70 ટકાનો થયો ઘટાડો, વેપારીઓ મારે છે માખીઓ
X

વડોદરાના બજારોમાં પણ હવે કોરોના વાયરસની અસર જોવા મળી રહી છે. કપડા,વાસણ, સોના-ચાંદી સહિતના બજારોમાં ઘરાકીમાં 70 ટકાનો ઘટાડો થતાં વેપારીઓને દુકાનોમાં માખીઓ મારવાનો વારો આવ્યો છે.

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. હોળી બાદ લગ્નસરાની સીઝન શરૂ થતી હોય છે અને વડોદરાના બજારોમાં ભારે ચહલપહલ જોવા મળતી હોય છે પણ હાલ કોરોના વાયરસના કારણે વડોદરાના બજારો સુમસાન જોવા મળી રહયાં છે. ઘરાકીમાં 70 ટકા જેટલો ઘટાડો જોવા મળી રહયો છે. મંગળ બજારમાં આવેલ લક્ષ્મી હોલના માલિક અમીતભાઇ શાહે જણાવ્યું હતું કે, હોળી બાદ લગ્નસરાની મોસમ શરૂ થઇ જાય છે. જે વૈશાખી પુનમ સુધી ચાલુ રહે છે પરંતુ આ વર્ષે ના છૂટકે લગ્ન સહિત શુભ પ્રસંગો લઇને બેઠેલા લોકો ખરીદી કરવા માટે આવી રહ્યા છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વેપાર થતો નથી એનુ અમને દુખ છે પણ કોરોના વાયરસથી કોઇનું મોત ન થયું જોઇએ. વાસણના વેપારી જય મહાકાળી વાસણ ભંડારના જગદીશભાઇએ જણાવ્યું હતું કે, લગ્નસરાની મોસમ હોવા છતાં બજારમાં ઘરાકી નથી શ્રીજી જ્વેલર્સના માલિક સંજય ઠક્કરે જણાવ્યું હતું કે, હોળી બાદ તુરતજ સોના-ચાંદીના બજારમાં ઘરાકી નીકળતી હોય છે. હાલમાં લગ્નસરાની મોસમ ચાલી રહી છે. પરંતુ, સોના-ચાંદીના બજારમાં કોઇ ઘરાકી નથી. જે ઘરાકી છે તે જુનું સોનું આપીને નવું લેનાર ઘરાકોની છે. એક સમયે હોળી પછી વડોદરાના બજારોમાં કીડીયારૂ ઉભરાતું હોય છે ત્યાં આ વર્ષે બજારોમાં નીરવ શાંતિ જોવા મળી રહી છે. કોરોના વાયરસના કારણે વેપારીઓની માઠી દશા બેઠી છે.

Next Story