Connect Gujarat
Featured

વડોદરા : બર્ડ ફ્લુ બાદ પક્ષીઓના જીવન સામેનું વધુ એક જોખમ, જુઓ વન વિભાગે લોકોને કેવી કરી અપીલ..!

વડોદરા : બર્ડ ફ્લુ બાદ પક્ષીઓના જીવન સામેનું વધુ એક જોખમ, જુઓ વન વિભાગે લોકોને કેવી કરી અપીલ..!
X

માનવીઓ માટે જીવલેણ બનેલા કોરોનાની સાથે હવે પક્ષીઓ માટે બર્ડ ફ્લુ નામનો રોગ જોખમરૂપ બન્યો છે, ત્યારે હવે ગગનમાં વિહરતા પક્ષીઓ માટે પતંગની દોરી પણ જોખમરૂપ પુરવાર થઇ રહી છે. ઉત્તરાયણ પર્વે આકાશમાં દોરીથી ઘવાતા પક્ષીઓને બચાવવા વડોદરા જિલ્લા વન વિભાગનું વન્ય જીવ બચાવ કેન્દ્ર સજ્જ થઇ ગયું છે.

આગામી તા.14 જાન્યુઆરીએ ઉજવાતા ઉત્તરાયણ પર્વનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે, ત્યારે પતંગ અને દોરી માંજતા બજારો સહિત ઉત્તરાયણમાં વેચાતી વિવિધ ચીજવસ્તુઓના બજારો પણ સજ્જ થઇ ગયા છે. વડોદરાના આકાશમાં પતંગો ઉડવાની પણ શરૂઆત થઇ ગઇ છે. પરિણામે ઉત્તરાયણનો માહોલ પણ તેની ચરમસીમાએ પહોંચી ચુક્યો છે, ત્યારે પ્રતિવર્ષ ઉત્તરાયણના 2 દિવસ દરમિયાન મોટી સંખ્યામાં કબુતર, સમડી, કાગડો, કાબર, ઘુવડ સહિતના પક્ષીઓનું પતંગ-દોરીથી ઇજાના કારણે મૃત્યુ થતું હોય છે. જોકે, મોટી સંખ્યામાં ઘવાતા પક્ષીઓની સારવાર કરી જીવદયા સંસ્થાઓ દ્વારા બચાવી પણ લેવામાં આવે છે. ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી વડોદરા જિલ્લા વનવિભાગના વન્ય જીવ બચાવ કેન્દ્ર દ્વારા પ્રતિવર્ષ મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાં 50 જેટલા સારવાર કેન્દ્રો શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ વનવિભાગ દ્વારા 24 કલાક સારવાર હેલ્પલાઈન નંબરની પણ જાહેરાત પણ કરવામાં આવી છે.

વડોદરા વનવિભાગના આર.એફ.ઓ. નિધિ દવેએ નગરજનોને અપીલ કરતા જણાવ્યું હતું કે, જ્યાં પણ ઘવાયેલા પક્ષીઓ દેખાય તો તાત્કાલિક વનવિભાગ દ્વારા જાહેર કરાયેલા હેલ્પલાઈન નંબર ઉપર સંપર્ક કરવો. ઉપરાંત વહેલી સવારે અને સાંજે જ્યારે પક્ષીઓનો ગગનમાં વિહર કરવાનો સમય હોય તે દરમ્યાન પતંગ નહીં ચગાવવા માટે પણ લોકોએ અપીલ કરી હતી. તો સાથે જ બર્ડ ફ્લુના પગલે કોઈપણ વ્યક્તિને પક્ષી મૃત હાલતમાં જણાઇ આવે તો તેને અડકવાનો પ્રયાસ કરવો નહિં. ઉપરાંત વનવિભાગ અથવા પશુ ચિકીત્સકને તાત્કાલિક જાણ કરવા અંગે જણાવ્યું છે.

Next Story