Connect Gujarat

વડોદરા : ડભોઇ પાસે નર્મદા કેનાલમાંથી કાર મળી, અંદર હતાં ચાર મૃતદેહો, જુઓ શું છે ઘટના

વડોદરા : ડભોઇ પાસે નર્મદા કેનાલમાંથી કાર મળી, અંદર હતાં ચાર મૃતદેહો, જુઓ શું છે ઘટના
X

વડોદરાના નવાપુરાના વણકરવાસમાં રહેતાં અને છ દિવસથી લાપત્તા બનેલા પરમાર પરિવારના ચાર સભ્યોના મૃતદેહ ડભોઇ નજીક નર્મદા કેનાલમાંથી મળી આવ્યાં છે. કાર કેનાલમાં ખાબકયાં બાદ તમામના મૃત્યુ થયું હોવાની શકયતા જોવામાં આવી રહી છે. મૃતક કલ્પેશની પત્ની લાપતા હોવાથી તેની શોધખોળ ચાલી રહી છે.

વડોદરાના નવાપુરા વણકરવાસમાં રહેતાં કલ્પેશ પરમાર તેમની માતા અને પત્ની તેમજ બે બાળકો સાથે કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે ગયાં હતાં. તારીખ પહેલી માર્ચથી પરિવારના પાંચેય સભ્યો તેમની કાર સાથે લાપત્તા બની ગયાં હતાં. કલ્પેશ પરમાર તથા તેમનો પરિવાર સલામત રીતે પરત આવે તે માટે શોધખોળની સાથે પ્રાર્થનાઓ અને દુઆનો દોર ચાલ્યો હતો. પોલીસ વિવિધ ટેકનીકથી ગુમ થયેલાં પરિવારની શોધખોળ ચલાવી રહી હતી જયારે પરમાર પરિવાર બાધા-આખડીઓ રાખી તમામની ક્ષેમકુશળતા માટે પ્રાર્થના કરી રહયો હતો પણ ગુરૂવારના રોજ તમામ અટકળોનો અંત આવ્યો હતો. પરમાર પરિવાર માટે એવા સમાચાર આવ્યાં હતાં કે તેમના માથે આભ તુટી પડયું હતું. ડભોઇ પાસે આવેલા તેન તળાવ ગામ પાસેથી નર્મદા કેનાલ પસાર થાય છે.

કેનાલમાં કાર ડુબેલી હાલતમાં જોતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ તથા તરવેયાઓની ટીમ સ્થળ પર પહોંચી હતી. ક્રેઇનની મદદથી કારને બહાર કાઢવામાં આવતાં તેમાં બે બાળકો સહિત ચાર મૃતદેહ મળી આવ્યાં હતાં. આ કાર વડોદરાના લાપત્તા બનેલા કલ્પેશ પરમારની હોવાનું બહાર આવ્યું હતું. પ્રાથમિક તબકકે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઇને પરત ફરી રહેલા પરિવારની કાર કેનાલમાં ખાબકી હતી અને તેમાંથી બહાર નીકળી નહિ શકતાં પાંચેય લોકોના મોત થયાં હોવાની શકયતાઓ જોવામાં આવી રહી છે. કલ્પેશ તથા તેનો પરિવાર હેમખેમ મળવાના બદલે તેમના મૃતદેહ મળી આવતાં વાતાવરણ ગમગીન બની ગયું હતું. કેનાલમાંથી મળેલી કારમાંથી કલ્પેશની પત્ની મળી ન હોવાથી તરવૈયાઓ કેનાલમાં શોધખોળ ચલાવી રહ્યા છે.

Next Story
Share it