Connect Gujarat
Featured

વડોદરા : સયાજી હોસ્પિટલના કોવીડ વિભાગમાં દિવાળીની ઉજવણી કરાઇ, નર્સોએ સાડી પહેરી દીપ પ્રગટાવ્યા

વડોદરા : સયાજી હોસ્પિટલના કોવીડ વિભાગમાં દિવાળીની ઉજવણી કરાઇ, નર્સોએ સાડી પહેરી દીપ પ્રગટાવ્યા
X

કોરોનાના દર્દીઓ હોસ્પિટલમાં પરિવારજનો અને પરિવારથી દૂર રહી સારવાર મેળવતા હોય છે. તેઓ દિવાળીના તહેવારનો આનંદ હોસ્પિટલમાં રહીને માણી શકે એ માટે સયાજી હોસ્પિટલના કોવિડ વિભાગમાં અનોખું આયોજન કરવામાં આવ્યું હતું.

વડોદરા શહેરમાં આવેલ સયાજી હોસ્પિટલમાં દર્દીઓને ઘરમાં દિવાળી ઉજવાતી હોવાનો અહેસાસ કરાવવા નર્સ બહેનો એ સલામતીની તકેદારીઓ પાળી અને ભારતીય પરંપરા પ્રમાણે સાડી પહેરી કોરોના વોર્ડમાં દીપ પ્રગટાવ્યા હતા. કોરોનાની મહામારી સામે અમે હાર સ્વીકારતા નથીની ભાવના સાથે સયાજી હોસ્પિટલના કોરોના વોર્ડમાં આરોગ્યના કર્મયોગીઓ એ કોવિડ પીડિતો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

કોવીડ સ્ટાફ છેલ્લા 6 મહિનાથી રાત દિવસ એક કરીને કોરોનાના રોગીઓને રોગમુક્ત કરવાની ફરજ બજાવી રહ્યો છે.આ દરમિયાન આવેલા તમામ તહેવારો, પર્વો અને ઉત્સવો તેમણે લગભગ દવાખાનામાં, દર્દીઓની સાથે જ ઉજવ્યા છે. કર્મ એજ ધર્મ સેવાની પરંપરા પાળવા તબીબોએ અને અન્ય આરોગ્ય કર્મચારીઓએ પર્વની રજાઓનો અને વેકેશનનો ભોગ આપ્યો છે. પ્રકાશનો અને હિન્દુ સમાજનો સૌથી મોટો પર્વ દિવાળી પણ દર્દીઓ સાથે ઉજવી દર્દીઓના મનોબળને વધુ મક્કમતા આપી છે.

નર્સિંગ સ્ટાફને લાગ્યું કે રોજિંદા ગણવેશમાં જ આ ઉજવણીમાં જોડાઈશું તો દર્દીઓ ને દવાખાનાના વાતાવરણમાં થી મુક્તિનો અનુભવ નહિ થાય તેથી ભારતીય પરંપરા અનુસાર સાડી પહેરી નર્સિંગ સ્ટાફે ઉજાશના દીપ પ્રગટાવી દિવાળીના તહેવારની ઉજવણી કરી હતી. વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી. એ જણાવ્યું કે, નર્સ બહેનોએ કોવિડ વિષયક તમામ સાવચેતીઓ પાળી અને તકેદારી લઈને ભારતીય પરંપરા અનુસરીને સાડીમાં જ ઉજવણીમાં જોડાવાનો નિર્ણય લીધો, પરિણામે દિવડાના ઝગમગાટ સાથે ઉત્સવમાં અનેરી રંગ સભરતા ઉમેરાઈ અને દર્દીઓ ઘર જેવા જ ઉત્સાહ સાથે દિવાળી માણી શક્યા. અનેક દીપકોના પ્રકાશથી એક નવી આશાના કિરણો રેલાયા અને દર્દ અને દવાખાનું ભુલાઈ ને દિવાળી જ મનમાં રમતી રહી. ઉજવણી દરમિયાન મીઠાઈ પણ વહેંચવામાં આવી જેની મીઠાશથી રોગની કડવાશ ઓસરી ગઈ.

Next Story