Connect Gujarat
Featured

વડોદરા : સદાય ધબકતી રહેતી સંસ્કારી નગરી બની સુમસાન, લોકોએ પાળ્યો જનતા કરફયુ

વડોદરા : સદાય ધબકતી રહેતી સંસ્કારી નગરી બની સુમસાન, લોકોએ પાળ્યો જનતા કરફયુ
X

કોરોના વાયરસ સામેની લડતના ભાગરૂપે રવિવારના રોજ આપવામાં આવેલા જનતા કરફયુના એલાનને વડોદરાવાસીઓનો અભુતપુર્વ પ્રતિસાદ સાંપડયો હતો. સદાય જીવંત અને ધબકતી રહેતી સંસ્કારી નગરી રવિવારે સુમસાન ભાસી હતી.

દીવસ અને રાત ધબકતા રહેતાં વડોદરા શહેરમાં રવિવારે નીરવ શાંતિ જોવા મળી હતી. વાહનો અને રાહદારીઓથી ઉભરાતા માર્ગો પર વાહનોની પાંખી હાજરી, ન ઘોંઘાટ અને ન હોર્નનો કોલાહલ.આ બધુ શકય બન્યું હતું રવિવારના રોજ.. વડાપ્રધાને રવિવારના રોજ લોકોને જનતા કરફયુ પાળવાની અપીલ કરી હતી. આ અપીલને વડોદરાવાસીઓએ એકજુથ બની વધાવી લીધી હતી. રવિવારે મોટાભાગના બરોડીયને ઘરમાં રહેવાનું પસંદ કર્યું હતું. દેશભરના મુસાફરોની હાજરીની સાક્ષી બનતું વડોદરા રેલવે સ્ટેશન પર સન્નાટો જોવા મળ્યો હતો. જનતા કરફ્યુના કારણે રેલવે સ્ટેશન ઉપરની ખાણી-પીણીના સ્ટોલો પણ બંધ રહ્યા હતા. રેલવે પ્લેટફોર્મ ઉપર માત્ર પોલીસ જવાનોજ બંદોબસ્ત કરતા નજરે પડ્યા હતાં. વડોદરાનું સેન્ટ્રલ બસ ડેપો ઉપર બસોના પૈંડા થંભી ગયા હતાં.

ન ફેરીયાઓનો અવાજ હતો કે ન હતી મુસાફરોની ચહલપહલ..આખી રાત શાકભાજીના વેપારીઓથી ધમધમતું ખંડેરાવ શાક માર્કેટ, સયાજીપુરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી માર્કેટ પણ બંધ રહયું હતું. રવિવારના દિવસે નવલખી મેદાન ક્રિકેટ રસીયાઓથી ઉભરાતું હોય છે. પરંતુ રવિવારે નવલખી મેદાન પણ લોકોની રાહ જોઇ રહયું હોય તેમ લાગતું હતું. કોરોના વાયરસને અટકાવવા વડોદરાવાસીઓના જુસ્સાને કનેકટ ગુજરાત પરિવાર બિરદાવે છે. જીવન જરૂરીયાતની વસ્તુઓની દુકાનો ખુલ્લી હોવાથી ત્યાં એકલ દોકલ માણસોની હાજરી વર્તાઇ હતી.

Next Story