Connect Gujarat
ગુજરાત

વડોદરાઃ ડેપ્યુટી મેયરની કારે 3 વાહનોને અથાડ્યા, ઘૂસ્યા રોંગ સાઇડમાં

વડોદરાઃ ડેપ્યુટી મેયરની કારે 3 વાહનોને અથાડ્યા, ઘૂસ્યા રોંગ સાઇડમાં
X

રોંગ સાઇડ ડેપ્યુટી મેયરઃ લોકોનો રોષ જોતા ડેપ્યુટી મેયરે માફી માંગવી પડી

વડોદરાના વડસર બ્રિજ પાસેથી બુધવારે રાત્રે વડોદરાનાં ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણની સરકારી કાર રોંગ સાઇડમાં આવતાં ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બે બાઇક સવાર તેમની કારની પાછળ પણ અથડાતાં બે લોકોને ઇજા પહોંચી હતી. અકસ્માતના પગલે સ્થળ ઉપર લોકોનાં ટોળાએ ડેપ્યુટી મેયરને ઘેરી લઇ રોંગ સાઇડના મુદ્દે તેમનો ઉઘડો લીધો હતો.

અડધો કલાકથી વધારે ટ્રાફિક જામ થયા બાદ પોલીસની દરમિયાનગીરીથી મામલો થાળે પડ્યો હતો. રોંગ સાઇડ પર વાહન હંકારતા ચાલકો વિરૂદ્ધ ગુનો નોંધવાની પોલીસ કમિશ્નરની તાકીદ વચ્ચે ડેપ્યુટી મેયરે જાતે જ આવી ભૂલ કરતાં નગરજનો રોષે ભરાયા હતા.

વડોદરાના ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણની સરકારી કાર બુધવારે રાત્રે વડસર બ્રિજથી જીઆઇડીસી રોડ તરફ રોંગ સાઇડમાં જઈ રહી હતી. આ સમયે રોનક નામનો એક્ટિવા સવાર વડસરથી જીઆઇડીસી તરફ પોતાની રાઇટ સાઇડમાં યુ-ટર્ન મારી રહ્યો હતો. ગોપીનાથ શો-રૂમની સામે ડેપ્યુટી મેયરની રોંગ સાઇડમાં આવતી કારના કારણે બાઇક ચાલક એક્ટિવામાં અથડાઇ ગયો હતો. જેના કારણે એક્ટિવા નીચે પડી ગઇ હતી. આ સમયે આ બાઇકની પાછળ બીજી બાઇક પણ અથડાઇ ગઇ હતી. અકસ્માતમાં બે લોકોને ઇજા થતાં લોકોના ટોળા એકત્રિત થઇ ગયા હતાં.

લોકોએે રોંગ સાઇડ પર કાર લાવવાના મુદ્દે ડેપ્યુટી મેયરને આડે હાથ લીધા હતાં. કેટલાક લોકોએ અપશબ્દો પણ ઉચ્ચાર્યા હતાં. ડ્રાઇવરે રોંગ સાઇડમાં વાહન ચલાવ્યું તો તમે કેમ ના અટકાવ્યું. તમારી રોંગ સાઇડની ગાડીના કારણે ટ્રાફિક જામ થઇ ગયો છે. તેવા વેધક સવાલો કર્યા હતાં. તમે ડે.મેયર છો, વડોદરા શહેરના બીજા નાગરિક જ રોંગ સાઇડ ચલાવે તો સામાન્ય પબ્લિક રોંગ સાઇડ ચલાવશે જ તેમ કહી આક્રોશ વ્યક્ત કર્યો હતો. લોકોએ ડ્રાઇવરનું લાયસન્સ માગતા તે કલર ઝેરોક્ષ હોવાનું બહાર આવતા લોકો વધુ રોષે ભરાયા હતાં. ડેપ્યુટી મેયરે ડ્રાઇવરની ભૂલ થઇ છે તેમ કહી તેના વતી લોકોની માફી પણ માગવી પડી હતી. અકસ્માતના કારણે ટ્રાફિક જામ થઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી સ્થિતિ થાળે પાડી હતી.

Next Story
Share it