Connect Gujarat
Featured

વડોદરા: MLA મધુ શ્રીવાસ્તવના પુત્રની દાવેદારીનો વિવાદ,ચૂંટણી અધિકારીની ઓફિસમાં કરાઇ તોડફોડ

વડોદરા: MLA મધુ શ્રીવાસ્તવના પુત્રની દાવેદારીનો વિવાદ,ચૂંટણી અધિકારીની ઓફિસમાં કરાઇ તોડફોડ
X

વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવના સામે ઉમેદવારી ફોર્મની વાંધા અરજીની સુનાવણી દરમિયાન વડોદરા જિલ્લા પંચાયતમાં ચૂંટણી અધિકારીની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી. દીપક શ્રીવાસ્તવના સમર્થકોએ તોડફોડ કરી હોવાના આક્ષેપ થયા હતા.

વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીમાં આજે ફોર્મ ચકાસણીની પ્રક્રિયામાં વોર્ડ 15 ના ઉમેદવારોની ફોર્મ ચકાસણીમાં ભારે વિવાદ સર્જાયો હતો. ધારાસભ્ય પુત્ર દિપક શ્રીવાસ્તવે અપક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી. જેની સામે ભાજપના ઉમેદવાર આશિષ જોષી એ દિપક શ્રીવાસ્તવનું ઉમેદવારી ફોર્મ રદ કરવાની માંગ સાથે ચૂંટણી અધિકારી સમક્ષ અરજી કરી હતી. અરજીમાં દિપક શ્રીવાસ્તવને ત્રણ સંતાન હોય તેઓ ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરે છે તેવી રજુઆત કરવામાં આવી હતી.

રજુઆતમાં કાનૂની સલાહ સુચન બાદ બંને પક્ષે દલીલો સાંભળવામાં આવી હતી. હજી તો ત્રણ સંતાન બાબતની વાંધા અરજીમાં ચૂંટણી અધિકારી કોઈ નિર્ણય લે તે પહેલાં ભાજપના ઉમેદવાર આશિષ જોષી દ્વારા પાલિકામાં દિપક શ્રીવાસ્તવ દ્વારા ચાર મિલકતોનો મિલકત વેરો બાકી હોવાની વાંધા અરજી પુરાવા સહિત રજૂ કરી હતી.બીજી વાંધા અરજી રજૂ થતાની સાથે જ મધુ શ્રીવાસ્તવ અને દિપક શ્રીવાસ્તવના સમર્થકો એ ઓહાપોહ મચાવ્યો હતો. ચૂંટણી અધિકારીના કેબિનમાં ભાજપના ઉમેદવાર આશિષ જોશી જતાની સાથે જ તેઓને બહાર કાઢવાની માંગ સાથે ચૂંટણી અધિકારીને ગાળો ભાંડી હતી. અને ચૂંટણી અધિકારીના કેબિનના કાચની તોડફોડ કરી હતી.બનાવને પગલે પોલીસ કાફલો ચૂંટણી અધિકારીની કચેરી એ દોડી આવ્યો હતો અને ઉમેદવારોના તમામ સમર્થકો ને બહાર કાઢી ઓફિસ ખાલી કરાવી હતી.એક તરફ ત્રણ સંતાન બાબત ની અરજી નો ચુકાદો હજી આવ્યો નથી ત્યાં તો બીજી અરજી થતા ભાજપના બે જૂથ આમને સામને આવી ગયા છે અને ઉમેદવારી ફોર્મ અંગે શુ ચુકાદો આવે છે તેની રાહ જોવાઇ રહી છે.

Next Story