Connect Gujarat
ગુજરાત

વડોદરા : મોટા ફોફડિયાના ગામે વીતી ગયેલા ચોમાસાનું વરસાદી પાણી તળાવમાં સચવાયું, સુજલામ સુફલામ્ પરિશ્રમનું પરિણામ

વડોદરા : મોટા ફોફડિયાના ગામે વીતી ગયેલા ચોમાસાનું વરસાદી પાણી તળાવમાં સચવાયું, સુજલામ સુફલામ્ પરિશ્રમનું પરિણામ
X

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના મોટા ફોફડીયાના લોકો પાસે અંદાજે એક હજાર જેટલાં ઢોર છે. તેમ છતાં, આ બળબળતા ઉનાળામાં, જ્યાં ઘણી જગ્યાએ ઘરવપરાશ માટે ચાર પાંચ ડોલ પાણી મેળવવું અઘરું પડે છે, ત્યારે આ ગામના લોકોને આટલા બધાં પશુઓને પાણી પીવડાવવાની કોઈ ચિંતા જ નથી. કારણ કે, સતત 3 વર્ષથી સુજલામ સુફલામ્ જળ સંચય યોજના હેઠળ ગામ તળાવને સુધારવાના પરિશ્રમને લીધે આ ગામના તળાવની તિજોરીમાં ભરઉનાળે વીતી ગયેલા ચોમાસાની જળ સંપદા છલોછલ છલકાય છે. બળબળતી બપોરે તરસ્યું પશુધન આ તળાવની પરબના પાણીથી માત્ર તરસ નથી છીપાવતું પણ લહેરથી નાહીને ગરમીમાં રાહત પણ મેળવે છે.

જળ શક્તિની કૃપાની આ ગામને ઓળખ કરાવનાર શક્તિકૃપા ચેરીટેબલ ટ્રસ્ટના સુકાની અને ગ્રામ અગ્રણી જીતુ પટેલે જણાવ્યુ હતું કે, સમગ્ર રાજ્યની સાથે હળવા થયેલા લોકડાઉનની મર્યાદા પાળીને અને કોરોના વિષયક તકેદારીઓનું પાલન કરીને ગામના મોટા તળાવને ઊંડું કરવા અને સુધારવાનું કામ આ વર્ષે રાજ્ય સરકારના સુજલામ સુફલામ્ જળ સંચય અભિયાન હેઠળ શરૂ કર્યું છે. અમારું ગામ લોક ભાગીદારીથી જ જળ સંચયના કામો કરે છે. રાજ્ય સરકારની જળ સંચય યોજનાથી ગ્રામ વિસ્તાર અને લોકોને ખૂબ લાભ થયો છે. જે હેઠળ ગામ તળાવો ઊંડા કરવા, કાંસ પહોળા અને સ્વચ્છ કરવા, કાંસ દ્વારા આવતા પાણીનો આવરો વધારવો જેવા કામોથી ગામોની વરસાદી જળના સંગ્રહની ક્ષમતા વધતાં પાણી બારેમાસ ઉપલબ્ધ થતું થયું છે. ગામમાં આ વર્ષે ગામના 40 એકરના ગામ તળાવને સુધારવા અને ઊંડું કરવાનું કામ ઉપાડ્યું છે એવી માહિતી આપતાં તેમણે જણાવ્યું કે, હાલમાં કોરોના વિષયક તકેદારીઓની જે ગાઈડ લાઈન છે તેનું પાલન કરીને કામ કરવામાં આવે છે. આ કામમાં જોડાયેલા વાહન ચાલકો, ક્લીનર, મશીન ઓપરેટર, ખેડૂતો બધાં જ માસ્ક પહેરીને કામ કરે, સેનીટાઇઝરનો ઉપયોગ કરે એ પ્રકારની તમામ તકેદારીઓનું પાલન કરીને કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે રાજ્ય સરકારનું જળ સંચય અભિયાન એ ચોમાસાને વધાવવાનું અને જળ ભંડાર વધારવાનું આયોજન છે. જેમાં જોડાઈને ગામને જળ સમૃદ્ધ કેવી રીતે બનાવી શકાય અને જમીનની ફળદ્રુપતા વધારવા સહિતના લાભો કેવી રીતે મેળવી શકાય તેનો સુંદર દાખલો વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના મોટા ફોફડીયા ગામે બેસાડ્યો છે.

Next Story