Connect Gujarat
Featured

વડોદરા :શ્રાવણના પ્રથમ સોમવારે જાણો સાવલીના ભીમનાથ મહાદેવનું મહાત્મય

વડોદરા :શ્રાવણના પ્રથમ સોમવારે જાણો સાવલીના ભીમનાથ મહાદેવનું મહાત્મય
X

ભારતીય સનાતન ધર્મ સંસ્કૃતિમાં ભક્તિના માસ તરીકે શ્રાવણનો અનેરો મહિમા છે. શ્રાવણ મહિનો અને શિવની આરાધના એ તો એક સિક્કાની બે બાજુ જેવા ગણાય છે.વડોદરા જિલ્લાના સાવલી માં પણ અતિ પ્રાચીન મનાતી ભીમનાથ દાદાની જગ્યા આવેલી છે જ્યાં પ્રસિદ્ધિનો મોહ કે ખેવના થી બિલકુલ અલિપ્ત રહીને સાવલીના સ્વામીજી એ જ જેમની એકમાત્ર ઓળખ રહી એવા નિર્લિપ્ત સંતે સતત 32 વર્ષ સુધી સંત દ્વારા વિવિધ પ્રકારે લોક સેવાનો અને સમાજ ઘડતરનો ઉજ્જવળ દાખલો બેસાડ્યો.સત્ય સંકલ્પના દાતા ભગવાન એ એમનું જીવન સૂત્ર અને એમણે સમાજસેવાના કાર્યો માત્ર પ્રભુના પીઠબળ ને શ્રદ્ધા નો સ્ત્રોત બનાવી સાકાર કર્યા.આ સંત એટલા તો નિસ્પૃહ હતા કે આજે પણ એમનું નામ કે ગામ કોઈ જાણતું નથી પરંતુ આ જગ્યામાં એમની જીવંત ચેતનાની અનુભૂતિ થયા વગર રહેતી નથી.

આ સંત પર્યાવરણના એટલા પ્રેમી હતાં કે એમની પ્રેરણાથી થયેલા નિર્માણમાં વૃક્ષોને અકબંધ રાખી બાંધકામ કેવી રીતે થઈ શકે એનો દાખલો આજે પણ જોઈ શકાય છે. સાવલી સ્થિત શ્રી ભીમનાથ મહાદેવ મંદિરની જગ્યા અતિ પ્રાચિન છે, અને તે સુપ્રસિધ્ધ છે. આwશરે ત્રણસો પચાસ વર્ષ પૂર્વે સિધ્ધ પુરૂષ પ.પૂ.ગેબીનાથ દાદાએ આ સ્થળે જીવંત સમાધિ લીધી ત્યારથી આ પાવનભૂમિ ભાવિકો માટે ઉર્જા સ્ત્રોત બન્યું છે. સાવલી સ્થિત ભગવાન આશુતોષનું આ મંદિર આદ્ય જગદગુરૂ શંકરાચાર્યના સમય પહેલાંનું છે.

સમયની સાથે મંદિર જીર્ણશીર્ણ થઇ ગયું હતુ અને આ સ્થળે ઉકરડો પાવનભૂમિની પવિત્રતામાં બાધારૂપ બનતો હતો. પુરાતન શ્રી ભીમનાથ મહાદેવના જિર્ણોધ્ધારનું કાર્ય વિક્રમ સંવત ૨૦૪૬ ઋષિમંચમી તા.૭-૯-૧૯૫૯ થી શરૂ કરી વિક્રમ સંવત-૨૦૪૬ના અષાઢ સુદ પૂર્ણિમાના શુભ દિને પૂર્ણ કરવામાં આવ્યું છે. દેહધારી દિવ્ય સંતે સાવલીની આ પાવનભૂમિ પર વૃક્ષોને રોપ્યા અને ઉછેર્યા, સ્થળને નંદનવન બનાવી દીધું. ઝોળી અને કમંડળ સાથે આવેલા આ સંત એ “સાવલીના સ્વામી” તરીકે ઓળખાય છે. સાવલીના સ્વામી કહેતા “સત્ય સંકલ્પના દાતા ભગવાન છે”. સ્વામીએ અનેક ભગીરથ કાર્યો પાર પાડીને અનેક પ્રેરણાઓ પૂરી પાડવાની સાથે લોકોમાં આત્મશક્તિઓને ઉજાગર કરવાની શ્રધ્ધા જગાવી હતી.

ભીમનાથ મહાદેવના જીર્ણોધ્ધાર પછી સૌ પ્રથમ રાણિયામાં શિવજી અને પદમલામાં રણછોડરાયજીના મંદિર બનાવ્યા. ડાકોરધામે શંકરાચાર્યજીના મઠમાં આવેલ કમળમંદિર-રણોલીનું નર્મદેશ્વર મહાદેવનું મંદિંર સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો છે. મહર્ષિ વિશ્વામિત્રની તપોભૂમિ ગણાતી હાલોલ પાસેની ધાબાડુંગરીને વૃક્ષોથી હરિયાળી બનાવી દીધી. ૧૯૭૭માં દુર્ગા માતાની સ્થાપના કરી શાક્તિ ઉપાસનાની પ્રારંભ કર્યો.

વિશાળ પ્રાર્થનાખંડ, આરોગ્યધામ અને અન્નપૂર્ણાભવન સહિતના કામો થયા. આરોગ્યધામ થકી છેવાડાના પ્રજાજનોને આરોગ્ય સેવાઓ મળતી થઇ. સાવલીના સ્વામીએ ૧૯૮૪માં અદ્દભૂત ગેબી ગુફાનું નિર્માણ કરી તેમાં કેદારેશ્વર મહાદેવની પ્રાણપ્રતિષ્ઠા અને ત્યારબાદ ચાર માતાજી શ્રી મહાકાળી, શ્રી અંબાજી, શ્રી મહાલક્ષ્મીજી તથા શ્રી સરસ્વતીજીની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી.

ભૃગુઋષિની તપોભૂમિ ભરૂચ નજીક બિહામણાં કોતરોને સમથળ બનાવી ૧૯૮૨માં પ.પૂ.સ્વામીજીએ નીલકંઠેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી. નર્મદા પરિક્રમાવાસીઓ માટે નિવાસ અને ભોજનની સુવિધાવાળું અન્નપૂર્ણાભવન, ધ્યાન મંદિર અતિથિગૃહનું નિર્માણ કરવામાં આવ્યું જે ભાવિકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. સાવલીની સ્મશાનભૂમિનો જીર્ણોધ્ધાર કરી તેને જ્ઞાનભૂમિનું નામાભિમાન કર્યુ. પૂ.સ્વામીએ હરરાયજી મહાપ્રભુજીની બેઠક, સાચી અંબાનું ભવ્ય અને રમણીય સ્થાન, સપ્તર્ષિઓની પ્રતિષ્ઠા અને ગંગાપૂજનનો ભવ્ય કાર્યકમો યોજ્યા હતા, જે ભાવિકોમાં ચિર સ્મરણીય છે.

લોક કલ્યાણની ભાવનાથી શિક્ષણ, સંસ્કાર અને આરોગ્ય વિષયક પ્રવૃત્તિઓ દ્વારા કન્યા વિદ્યાલય ઉપાસના મંદિર, આર્ટસ અને કોમર્સ કોલેજ તથા ગંગોત્રી શાળાનું આયોજન પૂ.સ્વામીજીની સંભાળથી શક્ય બન્યા હતા. આટલું જ નહિ નૃત્ય અને નાટ્ય જેવા સંસ્કારની પરંપરાને ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચાડવા માટે ૧૯૮૦ થી સંગીત પ્રચારિણી સભાની સ્થાપના પણ પૂ.સ્વામીજીએ કરી હતી. સામાન્ય સ્થિતિના લોકોને પણ તબીબી સારવાર મળ રહે તે માટે સાવલી, હાલોલ તેમજ નીલકંઠેશ્વર ધામમાં કેમ્પ યોજવામાં આવતા.

આ કેમ્પનો લાભ હજારો નાગરિકોએ મેળવ્યો. કેટલાય રોગીઓ પીડામુક્ત બન્યા હતા. સર્વે તબીબી સાધનોથી સુસજજ જમનોત્રી સામુહિક આરોગ્ય કેન્દ્ર દીન દુ:ખીઓ માટે આશીર્વાદરૂપ છે. વર્ષ ૧૯૮૭-૮૮ના સમયે ભીષણ દુષ્કાળ હતો તે સમયે પશુપતિ કેટલ કેમ્પ બનાસકાંઠા અને કચ્છ વિસ્તારમાંથી હજારો પશુઓને આશ્રય આપીને પશુઓને જીવનદાન આપવામાં આવ્યું છે. વર્ષ ૧૯૮૬ અને વર્ષ ૧૯૮૯માં ભરાયેલા કુંભમેળામાં ભાવિકોને દર્શન અને સ્નાનનો લાભ મળે તે માટે તેમણે અદ્દભૂત અને અવિસ્મરણીય આયોજન કર્યુ હતુ.

વર્ષ-૧૯૯૧ના સપ્ટેમ્બરમાં નાસિક ખાતે કુંભમેળો ભરાયો હતો. સ્વામીજી કુંભમેળામાં જતાં હતા ત્યારે નાસિક પાસે આવેલ પંચવટી પાસે તેઓ બ્રહ્મલીન થયા હતા. તેમના પાર્થિવ દેહને ભાવિકોની ઉપસ્થિતિમાં કુરાનની આયાતો અને વેદમંત્રો સાથે સમાધિ આપવામાં આવી હતી. સોળ દિવસ બાદ યોજવામાં આવેલા ભંડારામાં હજારો ભાવિકો, સંતો અને મહાત્માઓએ ઉપસ્થિત રહીને પૂ.સ્વામીજીને શ્રધ્ધાંજલી આપી હતી. સંવત ૨૦૫૨ની શિવરાત્રિના પાવન પર્વે પ.પૂ. ગેબીનાથદાદા અને પ.પૂ.સ્વામીજીની સમાધિનું વાસ્તુ પૂજન કરી સમાધિમંદિંર પર શિવલીંગની સ્થાપના કરવામાં આવી. આ પ્રસંગે હજારો ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.

સતત બત્રીસ વર્ષ સુધી સાવલીને પોતાની કર્મભૂમિ બનાવી લોકકલ્યાણની આવી અને સ્વયંભૂ પ્રવૃત્તિઓ તેઓએ કરી હતી. આમ છતાંય તેઓ કોણ હતા? ક્યાંથી આવ્યા હતા તેની કોઈને ખબર નથી. આટલા બધા કાર્યો કરવા છતાંય શ્રેષ્ઠ કાર્યો કર્યાના નિમિત્તમાત્ર હોવાનું તેઓ માનતા.

મંદિરના જિર્ણોદ્ધારનું કાર્ય કોઈપણ જાતના ફંડ ફાળા સિવાય સ્વંય સદાશિવે પોતે પૂર્ણ કરી છે. આ શિવાલય કોઈની માલિકીનું નથી કે પરંપરાગત રીતે તેના પર કોઈનો વારસાઈ હક નથી. તેના માલિક સ્વંય સદાશિવ પોતે છે, તેવું માનવામાં આવે છે. શ્રી ભીમનાથ મહાદેવના પ્રાંગણમાં આવેલ પૂજય શ્રી ગેબીનાથદાદાની જીવંત સમાધિને લીધે મંદિરના કોઈપણ ભાગમાં પૂજારી કે સેવક અગર અન્ય વ્યકિત ઘર ગૃહસ્થી સાથે રહી શકતા નથી. મંદિરના સભા મંડપનો ઉપયોગ ફકત ધાર્મિક કાર્યક્રમો માટે થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, સાવલી સ્થિત શ્રી ભીમનાથ દાદાની સેવાના નિયમાનુસાર થાય તે માટે તેમજ મંદિરની મિલકતોની સારસંભાળ અને દેખરેખ માટે એક સાર્વજનિક ધાર્મિક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે. આ ટ્રસ્ટ મંદિરનો કોઈપણ ભાગ કોઈપણ વ્યક્તિ કે સંસ્થાને ભાડેપટ્ટેથી કે કોઇપણ પટાથી કે વિના મૂલ્યે કાયમી ધોરણે રહેવા કે વાપરવા આપી શકાશે નહિ. સાવલી ના ભીમનાથ દાદા પૂજ્ય છે તો સ્વામીજી સ્મરણીય અને વંદનીય છે. માત્ર શ્રાવણમાં નહિ આ ભૂમિ બારમાસી તીર્થભૂમિ છે.

Next Story