Connect Gujarat
ગુજરાત

વડોદરાઃ તબીબની બેદરકારીથી દર્દીનું મોત થયાનો પરિવારનો આક્ષેપ, મચાવ્યો હોબાળો

વડોદરાઃ તબીબની બેદરકારીથી દર્દીનું મોત થયાનો પરિવારનો આક્ષેપ, મચાવ્યો હોબાળો
X

પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોનો આજીવન ખર્ચ હોસ્પિટલ ઉપાડે તેવી માંગ કરી

વડોદરાની વિન્સ હોસ્પિટલમાં દર્દીને રજા આપવાના દિવસે જ મૃત્યુ થયું હતું. જેથી પરિવારજનોએ હોસ્પિટલના ડોકટરોની બેદરકારીથી મોત થયું હોવાનું જણાવી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી ભારે હોબાળો મચાવ્યો હતો.

વડોદરાના છાણી વિસ્તારમાં રહેતા પ્રફુલ પટેલ સ્ટીલ ટ્રેડીંગનો વ્યવસાય કરે છે. બે દિવસ પહેલાં તેમને ચક્કર આવતાં પડી ગયા હતા. જેને લઈને પરિવારજનો નજીકની હોસ્પિટલમાં લઇ ગતા હતા. ત્યાં ડોકટરોએ તેમની માથાની નસ બ્લોક થઇ હોવાનું જણાવ્યું હતું. બાદમાં અલકાપુરી સ્થિત વિન્સ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં નસ બ્લોક હોય તેવા સંજોગોમાં દર્દીને આપવામાં આવતું ખાસ ઈન્જેકશન બ્લોક થયાને ૪.૩૦ કલાકમાં આપવાનું ડોકટરે જણાવ્યું હતું.

જોકે વિન્સ હોસ્પિટલમાં લાવ્યાના ૩ કલાક બાદ ડોકટરોએ ઇન્જેક્શન આપ્યું હતું. ત્યાર બાદ તેમને મગજની નસનું બ્લોકેજ અને પીઠના ભાગે દુઃખાવો કાયમ રહેશે તેમ ડોકટરોએ જણાવ્યું હતું. આજે બે દિવસ બાદ સવારે તેમને ૧૦ વાગ્યે રજા આપવાની હોવાનું પરિવારજનોને જણાવ્યું હતું. પરંતુ અચાનક સવારે પરિવાર પર ફોન આવ્યો હતો કે પ્રફુલ પટેલનું મૃત્યુ નીપજ્યું છે. જે સાંભળીને પરિવારના માથે જાણે આભ તૂટી પડ્યું હતું. બનાવને પગલે પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. તેમના મોભી તો બોલતા ચાલતા હોવાનું અને અચાનક તેમનું મૃત્યુ કેવી રીતે થયું તેની પૂછપરછ કરતા ડોકટરોએ તેમને પોતાને પણ મોતનું કારણ ખબર ન હોવાનું જણાવતા પરિવારજનોએ વિન્સ હોસ્પીટલ ખાતે હોબાળો મચાવ્યો હતો.

પરિવારજનોએ જીદ કરી હતી કે, જ્યાં સુધી પ્રફુલ પટેલના મૃત્યુનું કારણ જાણવા નહિં મળે ત્યાં સુધી તેઓ મૃતદેહ નહિં સ્વીકારે. જેથી હોસ્પિટલ કેમ્પસમાં મામલો ગરમાયો હતો. પરિવારજનોએ માંગ કરી હતી કે બેદરકારી દાખવનાર ડોકટર અથવા હોસ્પિટલ પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોનો આજીવન ખર્ચો ઉપાડે. બનાવને પગલે સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોચી હતી. અને સ્થતિ વણસે નહિ તેની તકેદારી રાખી હતી.

Next Story