વડોદરા : ફી નિયમનના કાયદાનું 4 શાળાએ કર્યું ઉલ્લંઘન, વધારાની ફી પરત કરવા એફ.આર.સી. સમિતિનો આદેશ

0

ગુજરાત સરકારના ફી નિયમનના કાયદાની પરવા કર્યા વગર વધારાની ફી વસુલનાર વડોદરા શહેરની 4 શાળાઓને એફ. આર.સી. સમિતિ દ્વારા વધારાની ફી પરત કરવાના આદેશ સાથે દંડની વસૂલાત કરાતા વાલીઓમાં ખુશી જોવા મળી છે.

ગુજરાત રાજ્યમાં શાળા સંચાલકો દ્વારા વાલીઓ પાસેથી ફીના નામે વધુ નાણાં ન ખંખેરાય તે માટે રાજ્ય સરકાર દ્વારા કડક નિયમો સાથે અમલવારી કરાવવામાં આવી રહી છે. તો સાથે જ શાળાઓ દ્વારા શિક્ષણના નામે લૂંટ ચલાવવામાં ન આવે તે હેતુસર દરેક જિલ્લામાં એફ.આર.સી. સમિતિની પણ રચના કરવામાં આવી છે, ત્યારે વડોદરાની પોદાર ઇન્ટરનેશનલ અને વર્લ્ડ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ પાસે વધારાની ફીની વસુલાત કરવામાં આવી હતી. જે અંગે વાલીઓ દ્વારા એફ.આર.સી. સમિતિ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર મામલે એફ. આર.સી. સમિતિ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.

તપાસના અંતે દંડની જોગવાઈ અને વધારાની વસુલ કરેલી ફી પરત કરવાનો હુકમ કરાયો હતો. જેમાં લેટ ફી, ટર્મ ફી અને શૈક્ષણિક ફીના નામે ઉઘરાવેલા કરોડો રૂપિયા વાલીઓને પરત આપવાનો આદેશ કરાયો હતો. જેમાં પોદ્દાર વર્લ્ડને રૂ. 2 લાખ અને પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે. જેને પગલે વાલીઓમાં ખુશી જોવા મળી રહી છે. જોકે હુકમ બાદ એફ.આર.સી. સમિતિના સભ્ય કેયુર રોકડ્યાએ ભાજપ પક્ષમાંથી નગરસેવકની ટિકિટ મળતા સમિતિમાંથી રાજીનામું આપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here