વડોદરા જીલ્લાના વરણામાં પોલીસ મથકની હદમાં આવેલા કેલનપુર આઉટપોસ્ટ મથકની હદમાંથી વરણામાં પોલીસે રૂપિયા ૪૨,૬૦૦ ના મુદ્દામાલ સાથે બે બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. જ્યારે એક શખ્સ ફરાર થવામાં સફળ રહ્યો હતો. પોલીસની દારૂની બદી સામે લાલ આંખને પગલે ગેરકાયદેસર દારૂનો વેપલો કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

પોલીસ સૂત્રીય માહિતી અનુસાર મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે દારૂની હેરાફેરી વધુ થતી હોવાના કારણે વરણામા પોલીસ મથકનો સ્ટાફ વોચમાં હતો પોલીસને મળેલી બાતમીના આધારે કપુરાઈ ગામના કુવાવાળા ફળિયામાં રહેતી બુટલેગર રમીલા ઉર્ફે પ્રેમિલા વિશાળ સેના પ્રજાપતિના ઘર પાસે પ્રોહીબીશન રેડ કરવા જતાં એક લાલ કલરની એક્ટિવા નંબર જી જે – ૦૬ – એલ એમ – ૬૯૪૨ ઉપર એક ઇસમ બેઠો હતો. જે પોલીસને જોઈ અંધારાનો લાભ લઇ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો પોલીસે એક્ટિવાની ડેકીમાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂના પાઉચ નંગ ૨૬ કિંમત રૂપિયા ૨,૬૦૦ તથા એક્ટિવા સ્કૂટર કિંમત રૂપિયા ૨૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૨૨,૬૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી ફરાર ઈસમની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.

જ્યારે અન્ય એક પ્રોહિબિશન રેડમાં ડભોઇથી વડોદરા તરફ જવાના રોડ ઉપર બે ઇસમો ઇંગ્લીશ દારૂનો જથ્થો લઈને આવતા હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી એક હિરો એચ એફ ડિલેક્સ મોટરસાયકલ નંબર જી જે – ૩૪ -ડી – ૨૫૮૭ લઈને આવતા બે ઇસમોને રોકી નામ ઠામ પુછતા તેઓએ પોતાના નામ જયેશ ગણપત તડવી રહે. ગઝલાવાટ (નળવાટ) તા. ક્વાંટ જિ. છોટાઉદેપુર તથા પાછળ બેસેલા જયેશ ચંદુ રાઠવા રહે. કાળકોજ તા. નસવાડી જી છોટાઉદેપુર જણાવતા તેઓ પાસે રહેલા કાળા કલરના થેલાની તલાસી લેતા કિંગફિશર સુપર સ્ટ્રોંગ બિયરના ટીન ૭૦ કુલ કિંમત 10,500 એક મોબાઇલ કિંમત રૂપિયા ૫૦૦ તેમજ મોટરસાયકલ કિંમત રૂપિયા ૨૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૩૧,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી જયેશ તડવી તથા જયેશ ચંદુ વસાવાની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. વરણામાં પોલીસે અટકાયત કરાયેલા ઇસમો વિરૂધ્ધ અને ફરાર ઈસમ વિરૂધ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY