Connect Gujarat
Featured

વડોદરા : સોની પરિવારના સામુહિક આપઘાત પ્રકરણમાં બે જયોતિષની અટકાયત

વડોદરા : સોની પરિવારના સામુહિક આપઘાત પ્રકરણમાં બે જયોતિષની અટકાયત
X

વડોદરાનો સોની પરિવાર તમને યાદ હશે.. જમીનમાંથી સોના ભરેલાં કળશ મેળવવાની લાલચમાં 32 લાખ રૂપિયા ગુમાવ્યાં બાદ પરિવારના છ સભ્યોએ કોલ્ડડ્રીંકસમાં જંતુનાશક દવા ભેળવી પી લીધી હતી જેમાંથી પાંચ સભ્યોના મોત થઇ ચુકયાં છે. સામુહિક આપઘાત પ્રકરણમાં પોલીસે રાજસ્થાનના બે જયોતિષોની અટકાયત કરી છે.

વડોદરાના સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીમાં રહેતાં સોની પરિવારના છ સભ્યોએ ઝેરી દવા પી લીધી હતી. જેમાં ત્રણ સભ્યોના ઘટનાસ્થળે તથા બે સભ્યોના સારવાર દરમિયાન મોત થયાં હતાં. સોની પરિવારના મોભી નરેન્દ્રભાઇના પુત્ર ભાવિને પરિવારને કેમ સામુહિક આપઘાત કરવો પડયો તેની વિગતો જણાવી હતી. નરેન્દ્ર સોની જયોતિષોના સંપર્કમાં આવ્યાં હતાં. જયોતિષોએ તેમને જમીનમાંથી સોના અને ચાંદીના દાગીના ભરેલા કળશો કાઢી આપવાની લાલચ આપી હતી.

નરેન્દ્રભાઇના માથે દેવું હોવાથી દેવુ ચુકવવા તેમણે વધારે દેવું કરી નવ જેટલા જયોતિષોને 32 લાખ રૂપિયા જેટલી માતબર રકમ ચુકવી દીધી હતી. દેવાના ભાર હેઠળ દબાયેલાં નરેન્દ્ર સોનીએ પરિવારના અન્ય સભ્યોને આપઘાત માટે તૈયાર કર્યા હતાં. તેમણે પોતાના ચાર વર્ષના પૌત્રને ઝેરી દવા પીવડાવી હતી જયારે પરિવારના અન્ય સભ્યોએ જાતે જંતુનાશક દવા પી લીધી હતી. ઝેરી દવા પીધા બાદ બે કલાક સુધી તરફડીયા માર્યા બાદ પરિવારના સભ્યોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ આવે તે પહેલાં 3 સભ્યોના મોત થયાં હતાં જયારે 3ને સારવાર માટે ખસેડાયાં હતાં. અત્યાર સુધીમાં કુલ પાંચ લોકોના મોત થઇ ચુકયાં છે. વડોદરા પોલીસે ભાવિન સોનીના નિવેદનના આધારે 9 જયોતિષોએ સામે ગુનો નોંધ્યો છે. જેમાંથી બે જયોતિષને રાજસ્થાનના નાગોરથી ઝડપી લેવાયાં છે. કોરોના ટેસ્ટ કરાવ્યાં બાદ બંનેની ધરપકડ કરાશે.

Next Story
Share it