Connect Gujarat
ગુજરાત

વાગરા: ONGCએ ગેરકાયદે જમીન પર કબ્જો કરતા ખેડૂતની આત્મવિલોપનની ચીમકી, તંત્ર દોડતું

વાગરા: ONGCએ ગેરકાયદે જમીન પર કબ્જો કરતા ખેડૂતની આત્મવિલોપનની ચીમકી, તંત્ર દોડતું
X

વાગરામાં ખાનગી માલિકી ની જમીનમાં ONGC એ ગેરકાયદે પ્રવેશ કરી સોલર પાવર પ્લાન્ટનું બાંધકામ કરાતા જમીન મલિક ખેડૂત દ્વારા દબાણ દૂર કરવા આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારતા તંત્ર માં દોડધામ

વાગરા નજીક ઓએનજીસી દ્ધારા સોલાર પ્લાન્ટ નાંખવામા આવી રહ્યો છે.ગરીબ ખેડૂત પોતાની આજીવિકા વાળી જમીન મેળવવા હાલ તો અનેક કચેરીઓમાં ધક્કા ખાઈ રહ્યો છે.ખોટી રીતે ખાનગી જમીન પર દબાણ કરાતા ખેડૂતે આત્મવિલોપન ની ચીમકી ઉચ્ચારતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.

વાગરા નગરના લાહોરી ગોડાઉન સ્થિત નવી નગરી વિસ્તારમાં વસવાટ કરતા માનસંગભાઈ લક્ષમણભાઈ પરમાર છૂટક મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.માનસંગભાઈનો સામાજિકરીતે પછાત જ્ઞાતિમાં સમાવેશ થાય છે.જેને પગલે ૨૦૧૩ ની સાલમાં રાજ્ય સરકારે ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ જીવન નિર્વાહ ચલાવવા માટે ૪૬ ગુંઠા જેટલી જમીન ફાળવી હતી.સરકારી આરામગૃહ નજીક આવેલ માનસંગ ભાઈની માલિકીની જમીનમાં તેમની પરવાનગી વિના તેઓની જાણ બહાર ઓ.એન.જી.સી.એ સોલાર પાવર પ્લાન્ટનું બાંધકામ કરી દેવામાં આવ્યુ છે.સાથે જ તેઓની જમીનમાં બિન અધિકૃત રીતે રસ્તા તેમજ ગટરનું નિર્માણ કરાયુ હતુ.સદર જગ્યામાં અન અધિકૃત રીતે કરાયેલ દબાણને હટાવવા માટે માનસંગ ભાઈએ વાગરા મામલતદાર ,વાગરા પોલીસ સ્ટેશન તેમજ ભરૂચ કલેકટર અને ડિસ્ટ્રીકટ કોર્ટના જજ સમક્ષ ઘા નાખી પોતાની જમીનમાં ONGC દ્વારા કરાયેલ ગેયકાયદે બાંધકામને દૂર કરવા ફરિયાદ કરી હતી.વધુમાં તેમણે તાકીદે દબાણ દૂર નહિ થાય તો આત્મ વિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.અને તેની સર્વે જવાબદારી સરકારની રહેશે તેવી લેખિત ફરિયાદ ઉચ્ચ કક્ષાએ કરવામાં આવતા વાગરા સહિત સમગ્ર ભરૂચ જિલ્લામાં ભારે ચકચાર મચી જવા પામી હતી.તો બીજી તરફ વહીવટી તંત્ર માં ભારે દોડધામ મચી જવા પામી હતી.આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વાગરા મામલતદારે અંકલેશ્વર સ્થિત ઓ.એન.જી.સી.ના એલ.ઓ.ક્યુ. વિભાગના જનરલ મેનેજરને તેઓ દ્વારા કરાયેલ દબાણને દૂર કરવા લેખિત સૂચના પણ આપવામાં આવી છે.તો બીજી તરફ વાગરા પોલીસે સલામતીના ભાગરૂપે માનસંગભાઈ નું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.અત્રે નોંધનીય છે કે ONGC દ્વારા હાલ પાંચ મેઘવોટ વીજ ઉત્પાદન માટે વાગરા નજીક ભરૂચ માર્ગ પર વિશાળ જગ્યામાં સોલાર પાવર પ્લાન્ટ ના નિર્માણની કાર્યવાહી પુરજોશમાં ચાલી રહી છે.હાલ તો ખેડૂત પોતાની આજીવિકાનું સાધન ઓએનજીસી દ્ધારા ગેરકાયદે કબ્જો કરી લેવાતા તેને પરત મેળવવા કચેરીઓના ધક્કા ખાઈ રહ્યો છે.

Next Story