Connect Gujarat
Featured

વલસાડ : સોળસુંબા ખાતે વન મંત્રીના હસ્તે વૃક્ષારોપણ સહિત પંચવટી વિકાસ કેન્દ્ર નું કરાયું ઉદ્ઘાટન

વલસાડ : સોળસુંબા ખાતે વન મંત્રીના હસ્તે વૃક્ષારોપણ સહિત પંચવટી વિકાસ કેન્દ્ર નું કરાયું ઉદ્ઘાટન
X

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ખાતે ખાસ અંગભૂત યોજના હેઠળ નિર્માણ થયેલા પંચવટી વિકાસ કેન્‍દ્રનું વન અને આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરના હસ્‍તે ઉદ્‌ઘાટન કરવામાં આવ્‍યું હતું. આ અવસરે મંત્રી સહિત મહાનુભાવોના હસ્‍તે વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે વનમંત્રીએ જણાવ્‍યું હતું કે, સાંસ્‍કૃતિક વન હેઠળ ધાર્મિક, સાંસ્‍કૃતિક સહિત અનેક વનો સમગ્ર રાજ્‍યમાં નિર્માણ કરવામાં આવ્‍યાં છે. વલસાડ જિલ્લાના નાનાપોંઢા ખાતે આમ્રવનનું નિર્માણ કરવામાં આવ્‍યું છે. સામાજિક વનીકરણ હેઠળ ખેડૂત, નર્સરી સહિત રીઝર્વ ફોરેસ્‍ટ દ્વારા લાખોની સંખ્‍યામાં રોપાઓ રોપવામાં આવે છે. સામાજિક વનીકરણ હેઠળની વિવિધ યોજનાઓનો લાભ આવવા માટે વન વિભાગના કર્મીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સરાહના કરી હતી.

વન વિભાગ દ્વારા થઇ રહેલી કામગીરીને બિરદાવતાં વનમંત્રીએ જણાવ્‍યું હતું કે, ખેડૂત દ્વારા નર્સરી બનાવવામાં આવે તો તેમને પણ રાજ્‍ય સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. પડતર જમીનમાં પણ વિભાગીય વનીકરણ થકી વધુમાં વધુ વૃક્ષો વાવવામાં સામાજિક વનીકરણ દ્વારા કામગીરી કરવામાં આવે છે. આદિજાતિ વિભાગ દ્વારા અગિયાર કરોડના ખર્ચે ફળાઉ રોપાનું વિતરણ કરવામાં આવનાર છે, જેનો સંબંધિત ખેડૂતો અને પ્રજાજનોને લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ કેન્‍દ્રની તમામ જવાબદારી ગંગાદેવી માતા સ્‍વ-સહાય જૂથ સોળસુંબા નિભાવશે. આ સ્‍વસહાય જૂથના ૧૫ સભ્‍યો નર્સરી બનાવવાની સાથે ગ્રૂપને આપવામાં આવેલા રસોઇના સાધનો ભાડે આપી તેમાંથી આજીવિકા વૃદ્ધિ કરશે.

સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષણ એસ.વી. કેદારીયાએ સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકારી જિલ્લામાં થયેલા વૃક્ષારોપણ અંગે જાણકારી આપી હતી. આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલ, સરપંચ અમિત પટેલ, એફ.સી.આઇ. સભ્‍ય હિતેશ સુરતી, અગ્રણી લાલાભાઇ, કનુ સોનપાલ, અનિલ જૈન સહિત મોટી સંખ્યામાં વન વિભાગના અધિકારી અને કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story