Connect Gujarat
Featured

વલસાડ : છેવાડાના ગામડાઓમાં છે કુદરતી સૌંદર્યનો અખૂટ ખજાનો, કુદરતે પોતાનો જાદુ વિખેર્યો

વલસાડ : છેવાડાના ગામડાઓમાં છે કુદરતી સૌંદર્યનો અખૂટ ખજાનો, કુદરતે પોતાનો જાદુ વિખેર્યો
X

પ્રકૃતિ પ્રેમીઓ માટે આમ જોવા જઇએ તો દરેક મોસમ ફરવાની મોસમ હોય છે. વરસાદની ઋતુમાં દરેક વ્‍યકિતને કુદરતનું સૌંદર્ય માણવાની ઇચ્‍છા થાય છે, ત્યારે વલસાડ જિલ્લામાં એવા ઘણાં પર્યટન સ્‍થળો છે, જયાં કુદરતે પોતાનો જાદુ વિખેર્યો છે. એવા ગામો છે જયાં પ્રવાસીઓની ભીડ નથી, ફકત પ્રદુષણ મુકત કુદરતી વાતાવરણ અને શાંતિની અનુભુતિ છે.

ગુજરાત રાજયના છેવાડાનો જિલ્લો-વલસાડ, વલસાડ જિલ્લામાં વિલ્‍સન હીલ, બરૂમાળ કે પારનેરા ડુંગર વગેરે વિશે તો વલસાડ ગુજરાતભરમાં પ્રખ્‍યાત છે. પરંતુ સજનીબરડા, વાઘવળ કે કપરાડાના છેવાડાના અન્‍ય ગામોમાં નયનરમ્‍ય કુદરતી દ્રશ્‍યો જોવા મળે છે. કુદરતી સાપસીડી સમાન ઘાટના વળાંકવાળા રસ્‍તાઓ ચઢતાં પેટમાં ગુદગુદી ચોક્કસ થાય. પણ ડુંગર ઉપર પહોંચીને ત્‍યાંનો અજારો જુઓ તો મન તરોતાજા થઇ જાય છે. ફેકટરીઓના ધુમાડાની જગ્‍યાએ અવનવા આકાર લેતા સફેદ અને કાળા વાદળો જોવા મળે છે. આ મોસમમાં ઇન્‍દ્રધનુષ્‍ય જોવા મળવું એક મુસાફરીની બોનસ સમાન છે. સોનેરી કિરણ ધરાવતો ઉગતો સૂર્ય હોય કે પછી કેસરીયો સાંજનો સૂર્ય હોય બન્ને દ્રશ્‍યો મનમોહક છે, જે ગામ અને ગામના લોકોમાં રહેલી શાંતી તથા જીવનની સ્‍થિરતાથી આપણો પરિચય કરાવે છે. આસપાસના જંગલોમાં ભ્રમણ કરતા તાજગી ભર્યા વાતાવરણમાં શરીરની પાંચેય ઇન્‍દ્રિયો જાગૃત થઇ જાય છે. જેના થકી કયારેય ધ્‍યાન ન આપ્‍યું હોય તેવી બાબતો જેમ કે, જંગલના નાના-મોટા જીવ જંતુઓ, અવનવા રંગબેરંગી પુષ્‍પો, પક્ષીઓનો કિલકિલાટ પર તમારૂં ધ્‍યાન જાય છ

વલસાડથી ધરમપુર ૩૦ કિમી થાય છે. ધરમપુરમાં આવેલુ વિજ્ઞાન કેન્‍દ્ર ગુજરાતમાં સૌથી જુનું અને જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર તરીકેનું સૌ પ્રથમ કેન્‍દ્ર છે. તેની જ બાજુમાં લેડી વિલસન મ્‍યુઝીયમ આવેલું છે. ધરમપુરથી ૭ કિ.મી દુર બરૂમાળ ભાવભાવેશ્વર મહાદેવના મંદીર છે. ત્‍યાંથી આગળ જતા ઘાટવાળા રસ્‍તાઓ આવે છે. ઘાટ પુર થતા પીપરોણી ગામે વાઘવળ રસ્‍તે જાઓ તો વરૂણ દેવ મંદીરના દર્શન કરવાનું ન ભુલાય. આ મંદિર કોઇ ભવ્‍ય ઇમારતો દ્વારા બનાવવામાં નથી આવ્‍યું. પરંતુ શાંત વાતાવરણમાં જેમ સમાધી લગાવીને ઋષિઓ ધ્‍યાન મુદ્રામાં બેઠા હોય તેમ એક ઝુંપડી નીચે વરસાદના દેવ બીરજમાન છે. અહીંથી સનસેટ પણ ખુબ જ આકર્ષક લાગે છે. જયાં સુધી નજર જાય ત્‍યાં સુધી ડુંગરોની હારમાળા દેખાય છે. આ હારમાળા સાથે વાત કરતા વાદળો, વાદળો સાથે ધીમે ધીમે વાતો પવન તનમનમાં અજબ સ્‍ફુર્તી ભરી દે છે. પરંતુ હાલ કોરોના વાયરસની મહામારીમાં ભીડભાડ વાળી જગ્‍યાઓ ઉપર જવાનું ટાળવું જરૂરી છે, એટલે હાલ આ વિસ્‍તારોમાં પ્રવાસીઓ માટે પ્રતિબંધ પણ મૂકવામાં આવ્‍યો છે.

Next Story