Connect Gujarat
Featured

વલસાડ : ડિજીટલ માધ્યમથી ખારવેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સુધી પહોચ્યું ભણતર

વલસાડ : ડિજીટલ માધ્યમથી ખારવેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સુધી પહોચ્યું  ભણતર
X

કોરોના વાઇરસને કારણે સર્જાયેલી મહામારીની વિકટ પરિસ્‍થિતિમાં શાળાઓમાં શિક્ષણ કાર્ય સંપુર્ણ રીતે બંધ છે, ત્‍યારે વિદ્યાર્થીઓના અભ્‍યાસ માટે સતત ચિંતિત રહેતા વલસાડ જિલ્લાના શિક્ષણ વિભાગે “વર્ક ફ્રોમ હોમ”ની સાથે સાથે “સ્‍ટડી ફ્રોમ હોમ”ની નીતિ અપનાવી છે.

ધરમપુર તાલુકાના ખારવેલ પ્રાથમિક શાળાના શિક્ષકાબહેન દ્વારા ઘરે રહી ધોરણ-૮ના બાળકો માટે સ્‍ટડી મટીરીયલ તૈયાર કરવામાં આવ્‍યું અને સ્‍માર્ટ ફોનની મદદથી વિદ્યાર્થીઓ સુધી પહોચાડવામાં આવ્‍યું છે. વિદ્યાર્થીઓ ઘરે બેસીને અભ્‍યાસ કરી શકે તેવા આશયથી શિક્ષણકાર્ય રાબેતા મુજબ શરૂ ન થાય ત્‍યાં સુધી વિદ્યાર્થીઓને ભણતરમાં તકલીફ ન પડે તે માટે એક મજબુત શિક્ષણના પાયાની સાથે વિદ્યાર્થીઓ આગળ વધે, આ હેતુસર વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ખારવેલ પ્રાથમિક શાળાના શિક્ષકા બહેન હર્ષા પરમાર દ્વારા જીએસઆરટીસી અને એસએસએના વિદ્યાર્થીઓ માટે અભ્‍યાસનું સ્‍ટડી મટીરીયલ તૈયાર કરવામાં આવ્‍યું છે. શાળાના શિક્ષિકા બહેન હર્ષા પરમાર દ્વારા રાજ્ય સરકારની કોઇ ગાઇડલાઇન મળવાની રાહ જોયા વગર પોતાની આગવી સુઝબુઝથી શાળાના અન્‍ય શિક્ષકો સાથે મળી વિદ્યાર્થીઓ માટે વ્હોટ્સ એપ પર ગૃપ બનાવી દેવામાં આવ્‍યું હતું. જેમાં વિદ્યાર્થીઓના વાલીઓને સામેલ કરવામાં આવ્‍યા હતા.

ખારવેલ પ્રાથમિક શાળામાં હર્ષાબેન ધોરણ-૮ (અ)ના વર્ગ શિક્ષક છે. તેમના વર્ગમાં કુલ-૩૪ વિદ્યાર્થીઓ છે. પરંતુ તંદ્દન ગરીબ પરિવારો જેઓ પાસે માંડ બે ટંક ભોજન છે, તેઓ પાસે સ્‍માર્ટફોન કયાંથી હોય..? ૧૮ જેટલા વિદ્યાર્થીઓના ઘરે સ્‍માર્ટફોન ન હોવાના કારણે તેઓ આ ગૃપમાં જોડાઇ શકયા ન હતા. આવા વિદ્યાર્થીઓ સુધી મટીરીયલ કઇ રીતે પહોંચાડવું, જે દુવિધામાં શાળાના અન્‍ય શિક્ષકો પણ આ પ્રયાસમાં જોડાયા હતા. શિક્ષકમિત્રો દ્વારા વિદ્યાર્થીઓના ગામના જાગૃત નાગરિકો તથા સગાવહાલાઓનો સંપર્ક કરવામાં આવ્‍યો. તેઓને આ બાબતની ગંભીરતા અંગે સમજુતી કેળવવામાં આવી. સારા કામમાં આવતી નિષ્‍ફળતા સફળતાના શિખર સુધી પહોચવામાં મદદરૂપ પગથીયા સમાન હોય છે, તેવી જ રીતે શિક્ષકોના પ્રયાસો ફળ્‍યા. વાંકલ ગામના જીવી ફળીયાના એક જાગૃત નાગરિક સુરેશ પટેલ પોતાના ફળીયાના આવા વિદ્યાર્થીઓની મદદ માટે આગળ આવ્‍યા. તેઓએ શિક્ષક બહેનને આ ગૃપમાં સામેલ કરવા કહ્યું અને પોતાના ફળીયાના આવા વિદ્યાર્થીઓ સુધી મટીરીયલ પહોંચાડવાની જવાબદારી પોતાના માથે લીધી. એક-એક પ્રશ્નની કડી ઉકેલતા ગયા અને આજે 25 વિદ્યાથીઓ સુધી સીધી રીતે તથા અન્‍ય વિદ્યાર્થીઓ સુધી આડકતરી રીતે ભણતર બીજ પહોચાડી રહ્યા છે. વલસાડ જિલ્લાના નાનકડા ગામના શિક્ષકો અને વિદ્યાર્થીઓ તેનું ઉત્તમ ઉદાહરણ બની ચૂક્યા છે.

Next Story