Connect Gujarat
સમાચાર

વલસાડ : રોજગારી ઉત્‍પન્ન કરવાનો અનોખો પ્રયાસ, વરવઠ ખાતે “અકીરા મિયાવાકી” પદ્ધતિથી કરાયું વનીકરણ

વલસાડ : રોજગારી ઉત્‍પન્ન કરવાનો અનોખો પ્રયાસ, વરવઠ ખાતે “અકીરા મિયાવાકી” પદ્ધતિથી કરાયું વનીકરણ
X

સદવિચાર સાથે જયારે કોઇ પણ કાર્ય કરવામાં આવે છે, ત્‍યારે તેમાં સફળતા નિતિ હોય છે. ગુજરાત સરકાર દ્વારા ગ્રામજનોને રોજગારી મળવાની સાથે-સાથે પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવાની દિશામાં કામ કરી રહી છે. જેમાં વલસાડ જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી, વન વિભાગ અને ગ્રામજનો મળી એક અભિયાનરૂપે ઝુંબેશ ચલાવી રહ્યા છે. જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી દ્વારા મહાત્‍મા ગાંધી રાષ્‍ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના હેઠળ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વરવઠ ગામે “અકીરા મિયાવાકી” પદ્ધતિથી વનીકરણ કરવામાં આવ્‍યું છે.

વરવઠ ગામના મંદિર ફળિયા પાસેના વિસ્‍તારમાં ૫૮×૨૦ મીટરની જગ્‍યામાં ૧૫૦૦ રોપા રોપવામાં આવ્‍યા છે. જેથી ગામના લોકોને રોજગારી મળવાની સાથે પર્યાવરણની જાળવણીના ભાગરૂપે વૃક્ષ ઉછેર થાય તેવા સદ્‌વિચાર સાથે આ કાર્ય કરવામાં આવ્‍યું છે. ગુજરાત સરકાર દ્વારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના હેઠળ માનવ અને પર્યાવરણ બન્નેના ફાયદાના રૂપે મનરેગા યોજના હેઠળ ઘનીષ્‍ઠ વૃક્ષારોપણની કામગીરી જોડવામાં આવી છે. મનરેગા યોજના હેઠળ વૃક્ષારોપણ કરી ત્રણ વર્ષ સુધી તેની માવજત કરવા ગામજનોને રોજગારી પુરી પાડવામાં આવશે. જેમાં ૧૦૫૩ માનવદિન રોજગારી ઉત્‍પન્ન કરવામાં આવશે. આ કાર્યમાં વન વિભાગની નર્સરીમાંથી વિના મુલ્‍યે રોપાઓ પુરા પાડવામાં આવ્‍યા છે. આ કાર્યમાં અંદાજીત ૩ લાખનો ખર્ચ સરકાર કરશે, જેમાંથી ૩૦ ટકા રકમ મનરેગાના રોજમદારોને મળશે.

વરવઠ ગામના સરપંચ સંગીતા ગાયકવાડ જણાવે છે કે, અમારા ગામમાં વધુમાં વધુ વૃક્ષો હોય તેવી તમામ ગ્રામજનોની આશા હતી. આ આશાને રોજગારી સાથે જોડવાથી પર્યાવરણ જાળવણી માટે અમારી લાગણીઓ વધારી દ્રઢ બની છે. જેના માટે અમે જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી વલસાડ અને વન વિભાગના આભારી છીએ. ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા સિવાય ધરમપુર તાલુકાના ગડી ગામમાં પણ આ પદ્ધતિથી વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું છે. પર્યાવરણનું જતન કરવા માટે વૃક્ષારોપણ જરુરી છે. ચોમાસાની ઋતુમાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરી આપણે પૃથ્‍વી ઉપર વાતાવરણની સમતુલા જાળવવા મદદરૂપ બની શકીએ છીએ. વધુ વૃક્ષો સહજતાથી ઉગી શકે તે હેતુથી વિવિધ પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. જેમાંથી જાપાનીઝ પધ્‍ધતી “અકીરા મિયાવાકી” દ્વારા રોપા વાવી વન વિસ્‍તારની ઘનીષ્‍ટતા વધારવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્‍યા છે.

Next Story