Connect Gujarat
Featured

વલસાડ : ચીફ ઓબ્‍ઝર્વરની અધ્‍યક્ષતામાં યોજાઇ સમીક્ષા બેઠક, જિલ્લા-તાલુકાપંચાયતની ચૂંટણીની કામગીરી અંગે કરી ચર્ચા

વલસાડ : ચીફ ઓબ્‍ઝર્વરની અધ્‍યક્ષતામાં યોજાઇ સમીક્ષા બેઠક, જિલ્લા-તાલુકાપંચાયતની ચૂંટણીની કામગીરી અંગે કરી ચર્ચા
X

વલસાડ જિલ્લામાં જિલ્લા અને તાલુકા પંચાયતો તેમજ ઉમરગામ નગરપાલિકાની સામાન્‍ય ચૂંટણીઓ અને ધરમપુર નગરપાલિકાની એક ખાલી બેઠકની ચૂંટણી માટે તા. ૨૮/૨/૨૦૨૧ના રોજ મતદાન યોજાશે. આ ચૂંટણીઓ માટે નોમીનેશનની પ્રક્રિયા પૂર્ણ થતાં હવે પછી કરવાની થતી કામગીરી બાબતે માર્ગદર્શન આપવાના હેતુસર ચૂંટણી પંચ દ્વારા નિયુકત ચીફ ઓબ્‍ઝર્વરશ્રી મુનીર વોરાની અધ્‍યક્ષતામાં કલેક્‍ટર કચેરીના સભાખંડ ખાતે સમીક્ષા બેઠક મળી હતી.

સમગ્ર બેઠક દરમ્યાન જિલ્લાના તમામ તાલુકા મથકોએ ખાતેથી સંબંધિત ચૂંટણી અધિકારીઓ સાથે ઝૂમ એપથી વર્ચ્‍યુઅલી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. બેઠકને સંબોધતા ચીફ અબ્‍ઝર્વર મુનીર વોરાએ જણાવ્‍યું હતું કે, રાજ્‍ય ચૂંટણીપંચની માર્ગદર્શિકાનું ચુસ્‍તપણે પાલન કરી યોગ્‍ય માર્ગદર્શન મેળવી કામગીરી કરવાથી ચૂંટણી પ્રક્રિયા સરળતાથી પાર પાડી શકાશે. તમામ ચૂંટણી અધિકારીઓ એકબીજાના સંપર્કમાં રહી પોતાના અનુભવોની આપલે કરે તે જરૂરી હોવાનું પણ તેમણે જણાવ્‍યું હતું. તમામ મતદાન મથકોની યોગ્ય ચકાસણી કરી ત્‍યાં મતદાન મથકોએ રેમ્‍પ, લાઇટ સહિત અન્‍ય કોઇ સુવિધાઓ બાબતે ખૂટતી કડી હોય તો તે મતદાન પહેલાં જરૂરી વ્‍યવસ્‍થા કરવા, પોસ્‍ટલ મતદાનની વ્‍યવસ્‍થા, મતદાનના અંતિમ તબક્કામાં સાંજે પાંચ કલાકે મતદાન પૂર્ણ થવાનું હોય, ત્‍યારે લાઇનમાં ઊભેલા તમામ મતદારોએ નંબરની કાપલી આપવાની પૂર્વ તૈયારી કરી લેવા જણાવ્‍યું હતું. મતદાનના આગલા દિવસે મતદાન સામગ્રી સહિત પોલિંગ સ્‍ટાફને મતદાન મથકો સુધી પહોંચાડવા, ઇ.વી.એમ.ની પૂરતી ચકાસણી કરવા તેમજ મતદાન બાદ મત પેટીઓના રીસિવિંગ સેન્‍ટરો ઉપર પૂરતી વ્‍યવસ્‍થા રાખવા જણાવ્‍યું હતું. આ બેઠકમાં કલેક્‍ટર કચેરીના સભાખંડ ખાતે નિવાસી અધિક કલેક્‍ટર એન.એ.રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક મનોજ શર્મા, જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવા સહિત તમામ તાલુકા મથકોએ ડીજીટલ માધ્‍યમથી સંબંધિત મતવિસ્‍તારના જિલ્લા અને તાલુકા પંચાયત બેઠકોના ચૂંટણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story