Connect Gujarat
Featured

વલસાડ : ખારવેલ ખાતે 15 ફૂટ ઊંચા રુદ્રાક્ષ મહાશિવલિંગ દર્શનના પ્રારંભ સાથે શિવ મહાપુરાણ કથાનો કરાયો શુભારંભ

વલસાડ : ખારવેલ ખાતે 15 ફૂટ ઊંચા રુદ્રાક્ષ મહાશિવલિંગ દર્શનના પ્રારંભ સાથે શિવ મહાપુરાણ કથાનો કરાયો શુભારંભ
X

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાનાના ખારવેલ ખાતે મહાશિવરાત્રી મહોત્‍સવ સમિતિના તત્‍વાધાનમાં મહાશિવરાત્રી મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ મહોત્‍સવમાં 9 લાખ રુદ્રાક્ષ દ્વારા નિર્મિત સવા 15 ફુટ ઉંચા રુદ્રાક્ષ મહાશિવલિંગ દર્શન, 11 કુંડી મહારુદ્ર યજ્ઞ, રુદ્રાભિષેકનું દિવ્‍ય આયોજન તા. 4થી 12 માર્ચ, 2021 દરમિયાન શ્રી કૃષ્‍ણ પરમાત્‍માના સાંનિધ્‍યમાં કરવામાં આવ્‍યું છે. પ્રતિદિન બપોરે 3થી 6 જીવને શિવ તરફ ગતિ કરાવતી મોક્ષદાયીની ભક્‍તિમય શિવ મહાપુરાણ કથા રુદ્રાક્ષ વિશેષજ્ઞ, ચાર વખત લિમકા બુક ઓફ રેકોર્ડ્‍સમાં સન્‍માનિત શિવ કથાકાર બટુક વ્‍યાસ પોતાની ભક્‍તિમય શૈલીમાં શિવ મહાપુરાણ કથાનું રસપાન કરાવશે.

ખારવેલ ખાતે શિવ મહાપુરાણ કથા દરમિયાન આ સવા 15 ફૂટ ઊંચા રુદ્રાક્ષ મહાશિવલિંગને ભાગવતાતાર્ય પૂજ્‍ય શરદ વ્‍યાસના વરદ હસ્‍તે અનાવરણ કરી શિવભક્‍તોના દર્શાનાર્થે ખુલ્લું મૂકવામાં આવ્‍યું હતું. રુદ્રાક્ષ શિવલિંગજીના અનાવરણ થતાં જ હર હર મહાદેવનાં નાદ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠયું હતું. દિવસીય કાર્યક્રમમાં પ્રતિદિન સવારે રુદ્રાભિષેક, 11 કુંડી મહારુદ્ર યજ્ઞ સવારે 9થી 12, અને સાંજે 108 દિવડાની ભવ્‍ય રુદ્રાક્ષ મહાશિવલિંગ મહાઆરતી જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કોવિડ-19ની ગાઈડલાઈન પ્રમાણે કરવામાં આવ્‍યુ છે.

આ અવસરે શિવ કથાકાર બટુક વ્‍યાસે જણાવ્‍યું હતું કે, છેલ્લા 34 વર્ષથી મહાશિવરાત્રી અનુષ્‍ઠાન થઈ રહયું છે. જેની વિશેષતા એ રહી છે કે પ્રતિ વર્ષ નિર્માણ કરવામાં આવતા રુદ્રાક્ષનાં શિવલિંગની યાત્રા 11 ઇંચના રુદ્રાક્ષ શિવલિંગજીથી થઇ હતી, જે યાત્રા આજે સવા 35 ફુટ સુધી પહોંચી હતી. યાત્રા દરમિયાન રુદ્રાક્ષનાં શિવલિંગને 4 વખત લિમકા બુક ઓફ રેકોર્ડ્‍સમા સ્‍થાન પ્રાપ્‍ત થયું છે. આ વર્ષે સવા પંદર ફૂટના રુદ્રાક્ષ મહાશિવલિંગ બનાવી દર્શનાર્થે મુકવામાં આવ્‍યું છે સમગ્ર રુદ્રાક્ષ શિવગાથા ધરમપુર અને ગુજરાત માટે ગૌરવની વાત છે. રુદ્રાક્ષનું મહત્‍વ સમજાવતાં તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, મહાશિવરાત્રીના પવિત્રકાળમાં શ્રદ્ધાળુઓ મહત્તમ શિવ દર્શન થાય તેવો ભાવ રાખતા હોય છે. રંગ અવધૂત મહારાજનાં કથાનુસાર અભિષેક માટે શિવલિંગજી પ્રાપ્‍ત ન હોય તો તેવા સંજોગોમાં રુદ્રાક્ષ પર રુદ્રસુક્‍તથી અભિષેક કરવામાં આવે તો એ શિવલિંગાર્ચન માનવામા આવે છે. પ્રત્‍યેક રુદ્રાક્ષ સ્‍વયં શિવ જ છે. 9 લાખ રુદ્રાક્ષના શિવલિંગ દર્શન અભિષેક અર્થાત 9 લાખ શિવ દર્શન-અભિષેકનું ફળ મેળવવા સૌ ભક્‍તજનોને કોવિડ ગાઈડલાઇન અનુસરી દર્શનનો લ્‍હાવો લેવા જણાવાયું છે. આ અવસરે ખારવેલ સરપંચ રેખા પટેલ, ભાગવતાચાર્ય પૂજ્‍ય પંકજ વ્‍યાસ, ભરત વ્‍યાસ, બાબુ જાની, હેમંત કંસારા, અમિત વ્‍યાસ, જતિન પટેલ, કેતન પટેલ, એ.ડી.પટેલ તથા તથા સમિતિના સૌ કાર્યકર્તા અને શ્રદ્ધાળુઓ ઉપસ્‍થિત રહયા હતા.

Next Story