Connect Gujarat
ગુજરાત

કાલથી શરૂ થનાર વિધાનસભાને અંદર-બહાર ઘેરવા વિપક્ષ આક્રમક

કાલથી શરૂ થનાર વિધાનસભાને અંદર-બહાર ઘેરવા વિપક્ષ આક્રમક
X

ખેડૂતો, પાણી, અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે સરકારને ગૃહમાં ઘેરશે કોંગ્રેસ

વિધાનસભામાં કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમાર સરકારના મંત્રીમંડળ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરશે આવતીકાલથી (૧૮ સપ્ટેમ્બર) ગુજરાત વિધાનસભાનું બે દિવસનું ચોમાસું સત્ર મળી રહ્યું છે. આ સત્રમાં વિરોધ પક્ષ દ્વારા ખેડૂતોના દેવાં માફી, બેરોજગારી અને મોંઘવારી મુદ્દે વિધાનસભાની અંદર અને બહાર સરકારને ઘેરવા માટેનો કાર્યક્રમ ઘડવામાં આવ્યો છે, ત્યારે આવતીકાલથી વિધાનસભા સત્રના 48 કલાક મુખ્યમંત્રી રૂપાણી અને તેમની સરકાર માટે અગ્નિ પરીક્ષા સમાન બની રહેશે.

આ બે દિવસના ટૂંકા સત્ર દરમિયાન સરકાર પોતાની વિકાસલક્ષી કામગીરીના વિધેયકો પસાર કરવાની યોજના બનાવી રહી છે, ત્યારે વિપક્ષના આક્રમક વલણ સામે ટકી રહેવા માટે તથા વિરોધ પક્ષના આરોપોને ખાળવા માટે રૂપાણી સરકારે પણ કેટલાક બોલકા મંત્રીઓ અને ધારાસભ્યોની ટીમ બનાવી છે.

ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર બાદ આવતીકાલથી બે દિવસનું ચોમાસું સત્ર મળી રહ્યું છે, આ સત્ર દરમિયાન વિરોધપક્ષ કોંગ્રેસ દ્વારા સરકારને વિવિધ મુદ્દે ઘેરવા માટે વ્યૂહરચન ઘડવામાં આવી છે. ખાસ કરીને ખેડૂતો, પાણી, બેરોજગારી, મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે સરકાર સામે ગંભીર આક્ષેપબાજીઓ અને સરકારને ભીંસમાં મુકવા પ્રયાસો કરવામાં આવશે. જેમાં વિધાનસભાની અંદર કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા સરકાર પર તડાપીટ બોલાવવામાં આવશે.

  • ગૃહ બહાર વિધાનસભા ઘેરાવો અને ખેડૂત આક્રોશ રેલી

તો બીજી તરફ વિધાનસભા બહાર ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ખેડૂત આક્રોશ રેલી અને વિધાનસભા ઘેરાવો કાર્યક્રમ હેઠળ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સરકારને વિધાનસભાની બહારથી પણ ઘેરવાનો પ્રયાસ કરશે, પરિણામે રૂપાણી સરકાર સામે વિધાનસભાની અંદર અને બહાર એમ બન્ને બાજુ વિપક્ષની આક્રમકતાને ખાળવા માટે વ્યૂહરચના બનાવવામાં આવી છે.

  • વિધાનસભા સત્ર ભારે તોફાની બની રહેશે

વિધાનસભાના બે દિવસીય ટૂંકા સત્ર દરમિયાન ગૃહમાં થનારી કામગીરી અંગેની ચર્ચા કરવા માટે કામકાજ સમિતિની બેઠક મળી હતી. જેમાં નક્કી થયા મુજબ, ૧૮-૧૯ એમ બે દિવસ માટે વિધાનસભા સત્ર ભારે તોફાની બની રહેશે. આ સત્ર દરમિયાન સરકાર દ્વારા કેટલાક અગત્યના બિલો રજૂ કરી તે અંગે ચર્ચા કરવામાં આવશે. બે દિવસની કામગીરીના એજન્ડા પ્રમાણે પ્રથમ દિવસ એટલે કે 18મીએ શોક દર્શક પ્રસ્તાવ રજૂ થશે અને ત્યાર બાદ ૧૯મીના રોજ બે બેઠક મળશે. જેમાં વિવિધ મંત્રીઓ દ્વારા અગત્યના વિધેયક રજૂ કરવામાં આવશે.

આ દરમિયાન આક્રમક બનેલા વિરોધ પક્ષ દ્વારા સરકાર સામે તડાપીટ બોલાવવા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર સરકારના મંત્રીમંડળ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરશે.

Next Story