Connect Gujarat
Featured

અમદાવાદ : મુખ્યમંત્રી વિજય રૂપાણીને થયો કોરોના, ચુંટણી પહેલા ભાજપને ફટકો

અમદાવાદ : મુખ્યમંત્રી વિજય રૂપાણીને થયો કોરોના, ચુંટણી પહેલા ભાજપને ફટકો
X

રાજયમાં લોકો કોરોના પ્રતિ બેદરકાર બની ગયાં છે અને ખાસ કરીને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીમાં જાણે કોરોના ગાયબ થઇ ગયો હોય તેવો માહોલ જોવા મળી રહયો છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના સંક્રમિત થયાં છે.

રાજયમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણી પહેલાં જ ભાજપ માટે માઠા સમાચાર આવ્યાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોનાથી સંક્રમિત થયાં છે. 21મી ફેબ્રુઆરીના રોજ થનારી મહાનગરપાલિકાની ચુંટણી માટે તેઓએ પ્રચારકાર્યનો પ્રારંભ કર્યો હતો. રવિવારે સાંજે વડોદરાની જાહેરસભામાં ચકકર આવતાં પડી ગયાં હતાં. તેમને સારવાર માટે અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે તેમનો કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો દરમિયાન સોમવારના રોજ તેનો રીપોર્ટ આવ્યો હતો.

રીપોર્ટમાં તેઓ કોરોના સંક્રમિત હોવાનું જણાયું છે. રાજયમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીઓનો ધમધમાટ ચાલી રહયો છે તેવામાં મુખ્યમંત્રીની તબિયત બગડવીએ ભાજપ માટે માઠા સમાચાર ગણી શકાય તેમ છે. મુખ્યમંત્રીની સાથે ભાજપના મહામંત્રી ભીખુ દલસાણિયા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડાનો રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીના ઓકિસજન લેવલ સહિતના તમામ રીપોર્ટ નોર્મલ છે. તબીબોના જણાવ્યાં મુજબ તેમના કોરોનાના લક્ષણો પણ હળવા છે. મુખ્યમંત્રી આગામી એક સપ્તાહ સુધી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેશે.

Next Story