Connect Gujarat
Featured

વડોદરા: 35 કરોડના ખર્ચે સુરસાગર તળાવનું નવીનીકરણ, સીએમ રૂપાણીએ કર્યું લોકાર્પણ

વડોદરા: 35 કરોડના ખર્ચે સુરસાગર તળાવનું નવીનીકરણ, સીએમ રૂપાણીએ કર્યું લોકાર્પણ
X

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, દેવોના દેવ ભગવાન શિવે જગકલ્યાણ માટે સમુદ્ર મંથન દરમિયાન વિષપાન કરી અમૃત દેવોને અર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ ભગવાન શિવના ત્રિનેત્રની જેમ ભારત સામે કોઈ ઊંચી આંખ કરીને ન જોવે અને ભારત શક્તિશાળી બનવા સાથે વડાપ્રધાનનરેન્દ્ર મોદીના નવા ભારતના સંકલ્પને સાકાર કરી ભારત વિશ્વગુરુ બને તેવી મનોકામના વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહાશિવરાત્રીના પાવન પર્વે ન્યાય મંદિર ખાતે શિવની સવારી-શિવ યાત્રાનું ભક્તિભાવપૂર્વક સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીએ વડોદરા મહાનગરપાલિકા દ્વારા રૂ. ૩૫ કરોડના ખર્ચે નવપલ્લવિત થયેલ સુરસાગર તળાવનું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી, નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ રંજનબેન ભટ્ટની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું.

મુખ્યમંત્રીએ તળાવ ખાતે સર્વેશ્વર મહાદેવની વિરાટ પ્રતિમા સમક્ષ મહાઆરતી કરી શિવ પૂજન-અર્ચન કર્યું હતું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સુરસાગર તળાવનું બ્યુટીફીકેશન થતા શહેરમાં એક નવું નજરાણું ઉમેરાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરસાગર તળાવનું નામ સુરેશ્વર દેસાઇના નામ પરથી પડ્યું હતું. જે ચંદન તલાવડી તરીકે ઓળખાતું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભગવાન શંકર જળાભિષેક અને ફૂલથી પ્રસન્ન થઈ ભક્તજનો પર કૃપા કરે છે. મુખ્યમંત્રીએ મહાશિવરાત્રીના પાવન દિને જગત નિર્માતા બ્રહ્મા-વિષ્ણુ-મહેશની કૃપા સદા ગુજરાત વરસતી રહે તેમ જણાવી વડોદરાવાસીઓને મહાશિવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે વિરાટ શિવ પ્રતિમાના નિર્માતા નરેશ માથુરામનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સન્માન પત્ર અને મોમેન્ટો અર્પણ કરી બહુમાન કર્યું હતું. મહાઆરતીમાં સંસ્કારી નગરીના હજારો નગરજનો દીપ સાથે જોડાયા ત્યારે સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું. મેયર ડો. જીગિશાબેન શેઠે આભારવિધિ કરી હતી.

આ પ્રસંગે સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્યો જિતેન્દ્રભાઈ સુખડિયા, કેતન ઈનામદાર, મનીષાબેન વકીલ, સીમાબેન મોહિલે, મ્યુનિસિપલ કમિશનર નલીન ઉપાધ્યાય, કલેક્ટર શાલિની અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરી, મહાનગરપાલિકાના હોદ્દેદારો, નગરસેવકો, પદાધિકારીઓ, શિવ પરિવારના હોદ્દેદારો, સહિત વિશાળ સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા.

Next Story