Connect Gujarat
ગુજરાત

રાજ્યસભાની 19 બેઠકો માટે મતદાન શરૂ, ગુજરાતની ચાર બેઠક પર કસમકશ

રાજ્યસભાની 19 બેઠકો માટે મતદાન  શરૂ, ગુજરાતની ચાર બેઠક પર કસમકશ
X

દેશના 8 રાજ્યોમાં 19 રાજ્યસભા સીટો માટે આજે મતદાન થશે. આના માટે ચૂંટણી પંચે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. જણાવી દઇએ કે તમામ સીટો પર કોરોના વાયરસના કારણે દેશરમાં લૉકડાઉનને પગલે ચૂંટણી નહોતી થઇ શકી. રાજ્યસભાની આ ચૂંટણી આંધ્ર પ્રદેશની 4 સીટ, ગુજરાતની 4 સીટ, ઝારખંડની 2 સીટ, મધ્ય પ્રદેશની 3 સીટ પર થશે. આ તમામ સીટો માટે આજે સવારે 9 વાગ્યે મતદાન શરૂ થશે, જ્યારે સાંજે 4 વાગ્યા આ પ્રક્રિયા પૂરી કરી લેવામાં આવશે.

ગુજરાતની ચાર સહિત રાજ્યસભાની કુલ 19 બેઠકો માટે આજે મતદાન યોજાશે. ગુજરાતમાં ભાજપના ત્રણ અને કોંગ્રેસના બે ઉમેદવારો મેદાનમાં છે. પરંતુ આ ચૂંટણીમાં જંગ તો ભાજપના ત્રીજા અને અંતિમ ઉમેદવાર નરહરિ અમીન તથા કોંગ્રેસના બે ઉમેદવારો તથા વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી વચ્ચે છે. આ રીતે જોઇએ તો આ જંગમાં પ્રતિષ્ઠાનો દાવ મૂળે કોંગ્રેસી નેતાઓ વચ્ચે જ ખેલાશે. આજે ગાંધીનગરમાં સવારથી યોજાનારી ચૂંટણીમાં રાજ્યના 172 ધારાસભ્યો મતદાન કરશે અને સાંજે પરિણામ આવશે. હાલ રાજ્યસભામાં વિજય માટે મતની ફોર્મ્યુલા જોતા દરેક ઉમેદવારને જીતવા 35 મત જરૂરી છે. ભાજપના 103 મત છે અને સાથે એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાને પક્ષનો મેન્ડેટ કોંગ્રેસ તરફી મતદાન કરવાનો હોવા છતાં તે ભાજપના ઉમેદવારને મત આપશે તે લગભગ નક્કી છે. આમ ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનને જીતવા માટે માત્ર એક મત ખૂટે છે. આ તરફ કોંગ્રેસના 65 ધારાસભ્યો છે અને અપક્ષ જિજ્ઞેશ મેવાણીનો એક મત ગણીએ તો કુલ 66 મત થાય છે. જીતવા માટે બીજા ઉમેદવારને ચાર મત ખૂટે અને તે જોતાં જો બીટીપીના બન્ને મત પણ કોંગ્રેસને મળે તો ય જીતનો જામ થોડો દૂર આવીને ઢોળાઇ જાય.

Next Story