Connect Gujarat
Featured

મહાનગરપાલિકાના “મહારાજા” કોણ ?

મહાનગરપાલિકાના “મહારાજા” કોણ ?
X

ગુજરાતમાં જેની આતુરતા પુર્વક રાહ જોવામાં આવતી હતી તેવી મહા નગરપાલિકાઓની ચૂંટણી માટે રવિવારના રોજ મતદાન છુટાછવાયા બનાવોને બાદ કરતાં શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થયું છે. મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં સરેરાશ મતદાન 40 ટકાની આસપાસ થયું છે. ચૂંટણીને લઇ રાજકીય પક્ષો ભારે ઉત્સાહિત હતાં પણ મતદારોની નિરસતાએ રાજકીયપક્ષોને માથા ખંજવાળતા કરી નાંખ્યાં છે. મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં ઓછું મતદાન કોને ફળશે અને કોને નડશે તે મંગળવારના રોજ મતગણતરી બાદ ખબર પડશે. અમારા વિશેષ બુલેટીન મહા નગરપાલિકાઓમાં મહારાજા કોણમાં હું જય વ્યાસ આપનું સ્વાગત કરૂ છું..

રાજયમાં સૌથી વધારે મતદાન જામનગર મહાનગરપાલિકા માટે થયું છે. જામ નગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 2,50,269 પુરૂષ અને 23,8727 સ્ત્રી મળી કુલ 488996 મતદારો નોંધાયા હતા. આ પૈકી 1,43,463 અને 1,18837 મહિલા મળી કુલ 2,62,300 મતદારોએ મતદાન કર્યું હતું. મતદાન કરવામાં સત્રી કરતા પુરૂષ મતદારો વધુ નોંધાયા હતાં. જામનગર મહાનગરપાલિકાની વર્ષ 2020-21ની સામાન્ય ચૂંટણીમાં સરેરાશ 53.64 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે વર્ષ 2015ની ચૂંટણીમાં કુલ 56.77 ટકા મતદાન નોંધાયું હતું. બંને ચૂંટણીઓની સરખામણી કરવામાં આવે તો આ વર્ષે જામનગર મહાનગરપાલિકામાં મતદાનની ટકાવારીમાં 3.13 ટકાનો ઘટાડો નોંધાયો છે.

રાજયમાં કોરોનાના સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયાં છે ત્યારે તેની સીધી અસર મહાનગરપાલિકાની ચૂંટણીમાં જોવા મળી હતી. અમદાવાદ મહાનગરપાલિકા માટે રાજયમાં સૌથી ઓછું મતદાન થયું છે.

અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણી માટે રવિવારે યોજાયેલા મતદાનમાં માત્ર 42.53 ટકા લોકોએ મત આપ્યા હતા. આમ છેલ્લા 15 વર્ષમાં સૌથી ઓછું મતદાન નોંધાયું હતું. ઓછા મતદાને ભાજપ-કોંગ્રેસ બંનેની ચિંતા વધારી છે. આ પહેલાં 2005માં સૌથી ઓછું 30.39 ટકા મતદાન નોંધાયું હતું. 2010માં 44.12 ટકા અને 2015માં 46.51 ટકા મતદાન થયું હતું. ચૂંટણી પંચે વચન નહીં પાળી કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કર્યો હતો. મોટાભાગના મતદાન મથકો પર ગ્લોવ્ઝ અપાયા ન હતા તેમજ ટેમ્પરેચર ગન વગર લોકોને પ્રવેશ અપાયો હતો. આમ ચૂંટણી પંચે શહેરના લાખો મતદારોનું આરોગ્ય જોખમમાં મૂક્યું હતું. 2015ની ચૂંટણીમાં 46.51 ટકા મતદાન થયું હતું. તેમજ 192 બેઠકમાંથી ભાજપે 143 બેઠક પર જ્યારે કોંગ્રેસે 48 બેઠક પર જીત મેળવી હતી અને એક બેઠક અપક્ષને મળી હતી. અમદાવાદમાં ઓછુ મતદાન થતાં ગૃહમંત્રી અમિત શાહને મેદાનમાં આવવું પડયું હતું અને તેના કારણે છેલ્લા બે કલાકમાં મતદાનની ટકાવારીમાં વધારો થયો હતો.

હવે વાત કરીશું કાપડ નગરી સુરતમાં, સુરતમાં ભાજપને આ વખતે કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ ટકકર આપી રહી છે. સુરતના લોકો હવે પરિવર્તન ઇચ્છતા હોય તેમ ત્રીજા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીને મત આપ્યો હોય તેમ લાગી રહયું છે...

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં મતદારોમાં નિરસ માહોલ જોવા મળ્યો હતો. શહેરના 32.88 લાખ મતદારો પૈકી 17.72 લાખ મતદારો મતદાનથી દુર રહેતા સાંજ સુધીમાં 46.09 ટકા જેટલું નીચું મતદાન નોંધાયું હતું. જે ગત ચૂંટણી કરતા 6.16 ટકા વધું છે. સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડની 120 બેઠકો માટે સુરતના લાખો મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. હાલ આ ઉમેદવારોનું ભવિષ્ય ઇવીએમમાં કેદ થઇ ગયું છે. તા.23મીના મંગળ‌વારે મતગણતરી બાદ પરિણામ જાહેર કરાશે.

સંસ્કારી નગરી વડોદરામાં પણ મતદારોનો મિજાજ ઉમેદવારોને અકળાવી રહયો છે. ગત વર્ષની ચૂંટણીની સરખામણીમાં આ વખતની ચૂંટણીમાં મતદાનની ટકાવારીમાં કોઇ ખાસ ફેરફાર જોવા મળ્યો નથી.

વડોદરા મહાનગરપાલિકાની 76 બેઠક માટે કોરોના કાળની પહેલી ચૂંટણીમાં અંદાજે 47.99 ટકા મતદાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ સેવાઇ રહ્યો છે જો કે, પાલિકાની ગત ચૂંટણી જેટલું જ 48 ટકા મતદાન નોંધાતા કોરોના કાળ વચ્ચે પણ પાલિકાની ચૂંટણીમાં થતાં મતદાનની પેટર્ન યથાવત રહેવા પામી હતી. જો કે આ વખતની ચૂંટણીમાં મતદારનો મિજાજ કળવો બંને પક્ષો માટે કપરો બની રહ્યો છે. બંને પક્ષ દ્વારા જીતના દાવા કરાઇ રહ્યા છે. ત્યારે મંગળવારે મત ગણતરી હાથ ધરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી શરૂઆતના તબકકાથી જ વિવાદિત રહી છે. વાઘોડીયાના બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્રની ટીકીટ કપાતાં તેમણે ભાજપને રીતસરની ધમકી આપી હતી. આ ઉપરાંત વડોદરામાં ચુંટાયેલા પ્રતિનિધિઓએ તેમના મળતિયાઓને ટીકીટ અપાવવા માટે દોડધામ કરી મુકી હતી. કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા ભાજપે સંગઠનની આખી ફોજ ઉતારી દીધી હતી. હવે વડોદરાવાસીઓ મહાનગરપાલિકાની સત્તાનું સુકાન કોને સોંપે છે તે મંગળવારે મતગણતરી બાદ સ્પષ્ટ થઇ જશે.

ભાવેણા તરીકે ઓળખાતાં ભાવનગરમાં પણ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઇ હતી. ભાવનગર મહાનગરપાલિકામાં ઇ.સ.2015નીચૂંટણીમાં 47.49 ટકા મતદાન થયેલું તે આ વખતે 1.98 ટકા વધીને 49.47 ટકા થયું છે.

ભાવનગર મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો મહાનગરપાલિકાની 13 વોર્ડની 52 બેઠકોની ચૂંટણીમાં 211 ઉમેદવારો મેદાનમાં હતાં અને તેમના ભાવિ કકી કરવા માટે 5.25 લાખ જેટલા મતદારો નોંધાયેલાં હતાં. રવિવારે સાંજે મતદાન પૂર્ણ થતા ભાવનગર મહાનગરપાલિકામાં 49.47 ટકા મતદાન નોંધાયું હતુ જે ગત વખતના મતદાન 47.49 ટકા કરતા 1.98 ટકા વધુ છે. ભાવનગરમાં છેલ્લી 3 ચૂંટણીઓથી મતદાનની ટકાવારીમાં સતત વધારો થતો જાય છે. ભાવનગરમાં કોઇ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.

હવે વાત કરીશું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમ ટાઉન રાજકોટની... રાજકોટમાં ગત ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલન વખતે કોંગ્રેસે ભાજપને સારી ફાઇટ આપી હતી. આ વખતે મતદાનની ટકાવારીમાં ઝાઝો ફેર નથી. કોરોનાની સારવાર લઇને આવેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ મતદાન કરી મતદારોને અપીલ કરવાની ફરજ પડી હતી.

રાજકોટ મહાનગરપાલિકામાં રવિવારે સાંજે 8 વાગ્યાની સ્થિતિએ ચૂંટણીપંચે જાહેર કરેલા આંકડા મુજબ 50.75 ટકા મતદાન થયું છે અને 1093991 મતદારમાંથી 555159 લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. રાજકોટના 18 વોર્ડના 293 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થયું છે. 23 ફેબ્રુઆરીના રોજ પરિણામ છે. રાજકોટમાં આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ એડીચોટીનું જોર લગાવ્યું છે. રાજકોટમાં મતદાન બાદ હવે સટ્ટાબજારના ભાવો પણ સામે આવી ચુકયાં છે. સટ્ટોડીયાઓના મતે રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપને 43, કોંગ્રેસને 22 અને આમ આદમી પાર્ટીને 7 બેઠકો મળશે. જો કે મતદારોને કોને મત આપ્યાં છે તેના માટે આપણે થોડા કલાકો માટે ધીરજ ધરવી પડશે....

રાજયની સાતેય મહાનગરપાલિકાઓમાં મતદાનની ટકાવારી આપણે જોઇ પણ હવે આપણે સમજીએ કે મતદારોનો ઉત્સાહ કેમ નિરસ રહયો ...

ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે વિધાનસભાની આઠ બેઠકો માટે પેટાચુંટણી યોજાઇ હતી અને તેમાં પણ મતદાનની ટકાવારી નીચી રહી હતી. રાજયની છ મહાનગર પાલિકાઓમાં સરેરાશ 50 ટકા મતદાન ગણવામાં આવે તો દર 100 મતદારમાંથી 50 મતદારે તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. 50 ટકા લોકોએ પોતાનો મત આપવાનું મુનાસીબ સમજયું નથી. અને તેની પાછળ અનેક કારણો હોય શકે છે અને તેમાં પ્રથમ તો ભીડમાં જઇશું કોરોના થઇ જશે. અને બીજું સૌથી મોટુ કારણ છે મોંઘવારી.. દેશમાં મોંઘવારી કુદકેને ભુસકે વધી રહી છે. પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના ભાવમાં થતો વધારો ગરીબ અને મધ્યમવર્ગની આંતરડી કકલાવી રહયો છે તેવામાં મતદારોને આર્કષવા માટે ભાજપે પાણીની જેમ પૈસા વહાવ્યાં છે. આ વાત કદાચ ગરીબ અને મધ્યમવર્ગના મતદારોને ખટકી હોય અને તેઓ મતદાનથી અળગા રહયાં હોય તેમ લાગી રહયું છે. અન્ય પરિબળ પર નજર નાંખવામાં આવે તો ભાજપના પાર્લામેન્ટરી બોર્ડના નિયમો મુજબ અનેક જુના નેતાઓની ટીકીટ કાપી નાંખવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં મુદ્દાઓ પણ સ્થાનિક હોવા જોઇએ અને ઉમેદવાર પણ સ્થાનિક અને જાણીતો ચહેરો હોવો જોઇએ. ભાજપે નવા ચહેરાઓ ઉપર દાવ અજમાવ્યો પણ મતદારોએ તેમને સ્વીકારવાના બદલે મત નહિ આપવાનું પસંદ કર્યું હોય તેમ લાગી રહયું છે. આ ઉપરાંત માસ્ક અને હેલમેટનો દંડ સહિતના મુદ્દાઓ ગરીબ અને મધ્યમવર્ગના લોકોના મનમાં હતાં. જયારે ભાજપ વડાપ્રધાન મોદી અને તેમને કરેલાં કામોને લોકો સુધી પહોંચાડી ચૂંટણીની વૈતરણી પાર કરવા નીકળી હતી. પેજ પ્રમુખ અને પેજ સમિતિનો કોન્સેપટ નિષ્ફળ રહયો હોય તેમ મતદાનની પેર્ટન પરથી લાગી રહયું છે.

રાજયની મહાનગરપાલિકાઓના 500 કરતાં વધારે બેઠકો પર 2,000 કરતાં વધારે ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયાં છે. મંગળવાર તારીખ 23મીના રોજ સવારથી મતગણતરી હાથ ધરવામાં આવશે અને મતદારોનો ઝોક કોના તરફી રહયો છે તે ખબર પડી જશે. રાજકારણના આવા જ સચોટ વિશ્લેષણો માટે આપ જોતાં રહયો કનેકટ ગુજરાત, ત્યાં સુધી મને રજા આપશો....

Next Story