Connect Gujarat
દુનિયા

કાઠમંડુથી દિલ્હી આવી રહેલાં વિમાનનું પણ અપહરણ થયું હતું, 24 ડીસેમ્બર 1999માં બની હતી ઘટના

કાઠમંડુથી દિલ્હી આવી રહેલાં વિમાનનું પણ અપહરણ થયું હતું, 24 ડીસેમ્બર 1999માં બની હતી ઘટના
X

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ યુક્રેનના વિમાનના અપહરણના સમાચાર સામે આવી રહયાં છે. 22 વર્ષ પહેલાં પણ અફઘાનિસ્તાન વિમાન અપહરણ સાથે જોડાયું હતું. આતંકવાદીઓએ મૌલાના અઝહર મસુદને જેલમાંથી છોડાવવા માટે એર ઇન્ડિયાના વિમાનનું અપહરણ કરી તેને કંદહાર ખાતે લઇ ગયાં હતાં.

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના એરપોર્ટ પર યુક્રેનના વિમાનનું અપહરણ કરી તેને ઇરાન તરફ લઇ જવામાં આવ્યું છે. વિમાન અપહરણની આ ઘટનાએ 24મી ડીસેમ્બર 1999ના રોજ એર ઇન્ડિયાના વિમાનના અપહરણની ઘટનાની યાદ અપાવી રહી છે. એર ઇન્ડિયાની ફલાઇટ નંબર આઇસી 814 તારીખ 24મી ડીસેમ્બર 1999ના રોજ કાઠમંડુથી દિલ્હી આવવા માટે નીકળી હતી. આ વિમાનમાં 176 મુસાફરો અને પાયલોટ સહિત 15 ક્રુ મેમ્બર સવાર હતાં. આ વિમાન જયારે ભારતીય હવાઇ ક્ષેત્રમાં પ્રવેશ્યું ત્યારે એક બુકાનીધારી શખ્સ ઊભો થયો અને કોકપીટમાં ઘૂસી ગયો. તેણે પાઇલટને ધમકી આપી કે તે વિમાનને લખનઉના બદલે લાહોર તરફ નહીં લઈ જાય તો વિમાનને બૉમ્બથી ઉડાવી દેવાશે.તેની સાથે જ બીજા ચાર બુકાનીધારી પણ ઊભા થયા અને તેમણે વિમાનના જુદાજુદા ભાગમાં મોરચો સંભાળી લીધો હતો.

વિમાનના કેપ્ટન દેવી શરણે લખનઉના બદલે વિમાનને લાહોર તરફ વાળ્યું હતું પરંતુ લાહોર પહોંચવા માટે વિમાનમાં ઈંધણ ઓછું હતું. તેથી વિમાનને અમૃતસર ઉતારવામાં આવ્યું હતું. પણ ભારતીય સૈન્ય કાર્યવાહી કરશે તેવા ડરથી ઇંધણ ભરાવ્યાં વિના જ વિમાનને ફરીથી ઉડાન ભરાવવાની પાયલોટને ફરજ પાડવામાં આવી હતી. શરૂઆતમાં પાકિસ્તાને વિમાનને લાહોર ઍરપૉર્ટ પર ઊતરવાની મંજૂરી ન આપી અને એરપોર્ટની લાઇટો બંધ કરી દીધી.

પરંતુ ઈંધણ ભરવા માટે લાહોર ઍરપૉર્ટ પર ઊતરવા સિવાય બીજો કોઈ ઉપાય ન હતો. તેથી વિમાનને લાહોર ઍરપૉર્ટ પર ઊતરવાની મંજૂરી આપવામાં આવી હતી. ઈંધણ ભર્યા બાદ પાકિસ્તાને વિમાનના પાઇલટને તાત્કાલિક લાહોર ઍરપૉર્ટ છોડવા માટે કહ્યું. લાહોર પછી વિમાન દુબઈ પહોંચ્યું હતું. જ્યાં અપહરણકર્તાઓએ 27 પ્રવાસીઓને વિમાનમાંથી ઊતરવાની છૂટ આપી હતી. ત્યારપછી વિમાનને અફઘાનિસ્તાનના કંદહાર એરપોર્ટ ખાતે લઇ જવામાં આવ્યું હતું. કાશ્મીરની જેલમાં કેદ રહેલાં આતંકવાદી મૌલાના અઝહર મસુદ સહિત ત્રણ અન્ય આતંકવાદીઓને લઇ તત્કાલિન વિદેશમંત્રી કંદહાર પહોંચ્યાં હતાં. ત્રણ આતંકવાદીઓને મુકત કરાયાં બાદ વિમાનને અપહરણકારોએ મુકત કર્યું હતું.

Next Story