Connect Gujarat
Featured

રાજયમાં યસ બેંકના એટીએમ ખાલીખમ, નાણા ઉપાડવા ગ્રાહકોની કતાર, લોકોની મુડી ખતરામાં

રાજયમાં યસ બેંકના એટીએમ ખાલીખમ, નાણા ઉપાડવા ગ્રાહકોની કતાર, લોકોની મુડી ખતરામાં
X

આર્થિક સંકડામણનો સામનો કરી રહેલી ખાનગી ક્ષેત્રની યસ બેંક તથા બેંકના એટીએમ ખાતે નાણા ઉપાડવા માટે ખાતેદારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. ઠેર ઠેર બેંકના એટીએમ ખાલીખમ થઇ ગયાં છે જયારે કેટલીય જગ્યાએ બેંકના કર્મચારીઓ અને ખાતેદારો વચ્ચે ઘર્ષણના બનાવો બન્યાં હતાં.

દેશમાં એકપછી એક બેંકો આર્થિક સંકડામણમાં જઇ રહી હોવાથી લોકોને તેમની પરસેવાની કમાણી ગુમાવવાનો વારો આવી રહયો છે. રિઝર્વ બેન્ક દ્વારા ગુરુવારે સંકટમાં ફસાયેલી ખાનગી ક્ષેત્રની યસ બેન્ક પર કલમ 36ac હેઠળ પ્રતિબંધ મૂકીને નાણા ઉપાડની મર્યાદા 50 હજાર કરી નાખી છે. રીઝર્વ બેંકના નિર્ણયની જાહેરાત બાદ ગુરૂવારે રાતથી જ બેંકના ખાતેદારો તેમના નાણા ઉપાડવા માટે બેંક તેમજ એટીએમ ખાતે દોડી ગયાં હતાં.

રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો રાજકોટમાં ગુરૂવારે રાત્રે 10 વાગ્યાથી યસ બેંકના એટીએમની બહાર લોકોની કતાર લાગવા માંડી હતી. એટીએમમાંથી 50 હજારના બદલે માત્ર 15 હજાર રૂપિયા જ ઉપડતાં હોવાની ફરિયાદ પણ ગ્રાહકોએ કરી હતી. શુક્રવારે સવારે બેંક ખુલતાની સાથે લોકોએ ધસારો કરતાં કર્મચારીઓ અને ગ્રાહકો વચ્ચે રકઝક પણ થઇ હતી. પરિસ્થિતિને કાબુમાં રાખવા બેંકની શાખાઓ અને એટીએમ પર પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો.

રાજકોટ ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત અને ભરૂચ સહિતના શહેરોમાં પણ નોટબંધી બાદ પ્રથમ વખત બેંક તેમજ એટીએમની બહાર લોકોની લાઇનો જોવા મળી હતી. ભરૂચના સેવાશ્રમ રોડ પર આવેલી યસ બેંકની શાખા ખાતે પણ ખાતેદારો તેમની મુડી સલામત છે કે નહિ તેની ચિંતામાં દોડી આવ્યાં હતાં.

Next Story