Connect Gujarat
Featured

ગુજરાતની સમૃદ્ધિ પાછળ શાંતિ અને સલામતીની અહમ ભૂમિકા : ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા

ગુજરાતની સમૃદ્ધિ પાછળ શાંતિ અને સલામતીની અહમ ભૂમિકા : ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા
X

ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તેમના દાહોદ જિલ્લાના પ્રવાસના દિવસે રૂ. ૨૨ કરોડના ખર્ચથી નવનિર્મિત દાહોદ સબ જેલનું લોકાર્પણ અને ઝાલોદ ખાતે રૂ. એક કરોડના ખર્ચથી બનનારી નાયબ પોલીસ અધિક્ષકની કચેરીનું ભૂમિપૂજન કર્યું હતું. ઝાલોદ ખાતે યોજાયેલી એક નાની સભામાં જાડેજાએ ગુજરાતની સમૃદ્ધિ પાછળ અહીંની શાંતિ અને સલામતી મુખ્ય પરિબળ હોવાનું કહ્યું હતું. તેમણે અહીં યોજાયેલી સભામાં ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગુંડા તત્વોની સાન ઠેકાણે લાવવા અને અસમાજિક તત્વોને ઝેર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સમયથી સાથે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. ગુંડા તત્વો ગુજરાત છોડે, એ કાર્યમંત્ર સાથે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની નેતૃત્વની સરકારે ગુંડા નાબૂદી ધારો અમલ લાવ્યો છે.

તેમણે પોલીસની કાર્યનીતિ સ્પષ્ટ કરતા કહ્યું કે, ગુજરાતની શાંતિ, સુરક્ષા અને સલામતી જોખમમાં મૂકતા લોકોને નશ્યત કરવામાં કોઇ જ પ્રકારની પાછી પાની કરવામાં નહીં આવે.

જાડેજાએ ઉમેર્યું કે, ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ માટે જરૂર પડે ત્યાં કાયદાઓમાં સુધારા વધારા કરી પોલીસ તંત્રને વધુ સક્ષમ બનાવવામાં આવ્યું છે.

ઉક્ત બાબતની વધુ વિગતો આપતા તેમણે કહ્યું કે ગુજરાતમાં પાસા એક્ટને વધુ સશક્ત કરવામાં આવ્યો છે. જુગારના અડ્ડાઓ ચલાવતા તત્વોને સામે પણ હવે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહિલાઓના અછોડા તોડતા તત્વો કે ઇન્ટનેટ ઉપર કે અન્ય રીતે જાતીય સતામણી કરતા તત્વોને પણ તેમાં આવરી લેવામાં આવ્યા છે.

ગરીબોની જમીન પચાવી પાડતા લોકોને હવે છોડવામાં નહીં આવે, તેમ કહેતા ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. જેમાં કોઇની જમીન પચાવી પાડતા તત્વોને ૧૦થી ૧૪ વર્ષની સજા કરવાની અને તપાસ નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવાની જોગવાઇ કરવામાં આવી છે.

પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગુજરાત પોલીસને સ્માર્ટ સાથે શાર્પ બનાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્યના ૩૩ જિલ્લા, છ યાત્રાધામો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા મહત્વના સ્થળોને સીસીટીવી કેમેરાથી સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. ઇ-ગુજકોપ પ્રોજેક્ટ અંતર્ગત ૪૯૦૦ પોલીસ જવાનોને પોકેટ કોપ મોબાઇલ આપવામાં આવ્યા છે. ગુનેગારોને સજા થાય એ માટે આધુનિક ટેક્નલોજીથી પૂરાવાઓનું ફોરેન્સીક પૃથ્થકરણ કરવામાં આવે છે. આગામી દિવસોમાં ગુનાનું સારી રીતે દસ્તાવેજીકરણ કરવા માટે ૧૦ હજાર જવાનોને બોડીવોર્ન કેમેરા આપવામાં આવશે. આ કેમેરાથી પોલીસ જવાનોની વ્યહવારમાં પણ પરિવર્તન આવશે. તેમણે કોરોનાકાળમાં પોલીસ તંત્રની માનવતા મહેકી હોવાનું સગર્વ કહ્યું હતું.

ઝાલોદના બહુચર્ચિત સ્વ. હિરેન પટેલ હત્યા કેસમાં તેમણે એવી ધરપત દર્શાવી કે પોલીસ તંત્રએ આ કેસમાં મહદઅંશે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હજુ પણ તેમાં કોઇ સંડોવાયેલું હશે તો તેને છોડવામાં નહીં આવે

Next Story