Connect Gujarat
દેશ

જાણો, જેના માનમાં શિક્ષકદિન ઊજવાય છે તેવા ભારતના મહાન શિક્ષકની જીવન સફર

જાણો, જેના માનમાં શિક્ષકદિન ઊજવાય છે તેવા ભારતના મહાન શિક્ષકની જીવન સફર
X

ડૉ. રાધાકૃષ્ણનનો જન્મ ૫મી સપ્ટેમ્બર ૧૮૮૮ના રોજ ચેન્નાઈથી ૬૪ કિલોમીટર દૂર આવેલા તમિલનાડુના તિરુતની ગામમાં થયો હતો. ૧૯૦૮માં તેમણે એમ.એ.ની ડિગ્રી મેળવવા એક સંશોધન લેખ લખ્યો. જે સમયે તેમની વય ફક્ત ૨૦ વર્ષ હતી. જ્ઞાનપિપાસુ રાધાકૃષ્ણએ પોતાની તીવ્ર જિજ્ઞાસાઓને સંતોષવા હિન્દી, વેદ અને ઉપનિષદોનો અભ્યાસ કર્યો. વર્ષ ૧૯૧૬માં મદ્રાસ રેસિડન્સી કૉલેજમાં તેઓ સહાયક પ્રોફેસર તરીકે નિયુક્ત થયા. થોડાં વર્ષો તેમણે પ્રાધ્યાપક તરીકે પણ ફરજ બજાવી.વર્ષ ૧૯૦૯માં માત્ર ૨૧ વર્ષની નાની વયે તેમણે ચેન્નાઈની પ્રેસિડેન્ટ કૉલેજમાં જુનિયર લેક્ચરર તરીકે તત્ત્વજ્ઞાન ભણાવવાનું શરૂ કરી દીધું હતું.

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને ઘણી યુનિવર્સિટીઓએ માનદ્ ડિગ્રી આપી તેમનું સન્માન કર્યું. ૧૯૩૧થી ૧૯૩૬ દરમિયાન તેઓ આંધ્રપ્રદેશની વાલ્ટેયર યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર પદે રહ્યા. ૧૯૩૬થી ૧૯૫૨ સુધી તેમણે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી. ૧૯૩૯થી ૧૯૪૮ દરમિયાન બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ચાન્સેલર પદે અને ૧૯૩૫થી ૧૯૬૨ દરમિયાન દિલ્હી યુનિવર્સિટીના ચાન્સેલર રહ્યા.

જ્યારે ૧૯૪૦માં બ્રિટિશ એકેડમીમાં પ્રથમ ભારતીય તરીકે ચૂંટાયા. તેમજ ૧૯૪૮માં ભારતના પ્રતિનિધિ તરીકે યુનેસ્કોમાં સેવા આપી. સ્વતંત્રતા બાદ રશિયામાં ભારતીય રાજદૂત તરીકે ફરજ બજાવી અને સાબિત કરી આપ્યું કે એક શિક્ષણશાસ્ત્રી અને તત્ત્વચિંતક રાજનૈતિક ફરજો પણ સફળતાપૂર્વક અદા કરી શકે છે. ૧૯૫૨માં રશિયાથી પાછા ફર્યા બાદ તેમને ઉપરાષ્ટ્રપતિ ચૂંટવામાં આવ્યા.

તેમની સેવાઓ અને તેમના જ્ઞાનને સન્માનવા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે તેમને ભારતના સર્વોચ્ચ સન્માન ભારતરત્નથી નવાજવામાં આવ્યા. ૭૯ વર્ષની વયે તેઓ પોતાના વતન મદ્રાસ પરત ફર્યા અને તેમણે તેમના જીવનનાં છેલ્લાં વર્ષો મદ્રાસના માયલાપોરમાં વિતાવ્યાં. ૮૭ વર્ષની ઉંમરે ૧૭ સપ્ટેમ્બર, ૧૯૭૫ના રોજ તેમનું અવસાન થયું. તેમનો સરળ સ્વભાવ, દૃઢ વિચારો અને શિક્ષણક્ષેત્રે આપેલા યોગદાનને કારણે આજે પણ આપણે તેમને યાદ કરીએ છીએ અને તેમના જન્મદિન ૫ સપ્ટેમ્બરને દર વર્ષે શિક્ષક દિન તરીકે ઊજવીએ છે.

Next Story