Connect Gujarat
દેશ

જાણો શિક્ષણની ગઈકાલ, આજ અને આવતીકાલ

જાણો શિક્ષણની ગઈકાલ, આજ અને આવતીકાલ
X

શિક્ષણની આજ

સમાજ પરિવર્તન શીલ છે. સમાજ બદલતાં સમાજમાં મૂલ્યો પણ બદલાવા લાગ્યા અને મૂલ્યો બદલાતાં કાળક્રમે પ્રાચીન ગુરુપ્રથા તૂટતી ગઈ અને સમયની સાથે શિક્ષણની પ્રથામાં પણ આમૂલ પરિવર્તન આવતું ગયું. મધ્યકાલીન યુગમાં ગુરુકુળોનું સ્થાન પાઠશાળાઓએ લીધું. આમ પાઠશાળાઓ દ્વારા શિક્ષણ આપવાની પ્રથા ચાલુ થઈ, પરંતુ વિદ્યાર્થીઓ માટેના રહેવાનાં તથા અભ્યાસનાં સ્થળો અલગ થયા. ત્યાર બાદ ધીરે ધીરે અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થતાં હાલની શિક્ષણ પ્રથા અસ્તિત્વમાં આવી.

પહેલાં વિદ્યાર્થીએ સતત ગુરુ યાનેકી શિક્ષકનાં સાંનિધ્યમાં રહેવું પડતું, પણ આજે સમય બદલાયો છે. ગુરુ-શિષ્ય પરંપરા અને આશ્રમો હવે રહ્યા નથી. આધુનિક શાળાઓ બની છે, વડનાં ઓટલાં નીચે બેસી વિદ્યાભ્યાસ કરાવતાં ગુરુઓને સ્થાને હવે એ.સી. ક્લાસમાં બેસી ગ્રીનબોર્ડ અથવા કમ્પ્યૂટર એલ.ઈ.ડી. સ્ક્રીન પર સિલેબસ ચલાવતાં શિક્ષકો આવ્યા છે. પરિણામ સ્વરૂપે મોટા મોટા શહેરોથી માંડી, નાનાં નાનાં ગામડા અને કસ્બાઓ સુધી શાળાઓનો વ્યાપ વધ્યો.

ક્ષેત્ર વિશાળ બન્યું અને શિક્ષક પણ વિશાળ અને વિરાટ બન્યો. દરેક સમયે શિક્ષણમાં નવા નવા પ્રયોગો થતા હોય છે. દરેક જમાનાની માંગ એવી હોય કે, શિક્ષણમાં આમૂલ પરિવર્તન કરવું જ પડે. એ પરિવર્તન થાય છે શિક્ષક દ્વારા શિક્ષક બદલાયો એટલે શિક્ષણ બદલાયું છે.શિક્ષણ પરિવર્તન પામે તો જ સમાજ પરિવર્તન પામે અને એ માટે શિક્ષકનું પરિવર્તન સૌથી પહેલી જ‚રિયાત છે.

શિક્ષણની આજની સંકલ્પના તો સર્વાંગી વિકાસ, જન્મગત શક્તિઓનું પ્રગટીકરણ, વ્યક્તિમત્તાની અભિવ્યક્તિ, રોટલો રળવો અને કોળિયો મીઠો બનાવવો, શ્રેષ્ઠ જે કાંઈ છે તેને બહાર લાવવું-જેવી છે. તેથી જ તો ગાંધીજીએ કહ્યું છે : "બાળક અથવા મનુષ્યના શરીર, મન અને આત્મામાં, શ્રેષ્ઠ જે કાંઈ છે તે બધું બહાર આણવું એને હું શિક્ષણ કહું છું અને જે તે આણી શકે એ જ સાચો શિક્ષક.

તો આપણા મનિષી જે. કૃષ્ણમૂર્તિ કહે છે : ‘સમગ્ર જીવન જીવી શકે એવી સુસંવાદી વ્યક્તિઓ પેદા કરવી એ શિક્ષકનું સર્વોત્તમ કાર્ય છે.’ આ થઈ શિક્ષણની ગઈકાલ અને આજ. શિક્ષણની આવતીકાલનાં એંધાણ આપણને કેટલાયે વિચારકોના ચિંતનમાંથી મળે છે.

શિક્ષણની આવતીકાલ

ગઈકાલના અને આજના શિક્ષણ ઉપર અનેક પ્રહારો થઈ રહ્યા છે. આજની શાળા મહાશાળાઓને કતલખાનાં કહેનારા વિચારકો છે. તો એવરેન્ટ રેમર જેવા ‘સ્કૂલ ઈઝ ડેડ’... ‘શાળાઓ તો મરી પરવારી છે.’ એવી બાંગ પોકારે છે. ઈવાન ઈલિચ જેવા ચિંતક તો ‘ડિસ્કૂલિંગ સોસાયટી’, ‘શાળાવિહીન સમાજ’ની હિમાયત કરે છે.

કારણ ? કારણ કે શિક્ષણ અને શિક્ષક બંનેને લાંછન લાગે તેવી ઘટનાઓ સમાજમાં અવાર-નવાર બની રહે છે. વિદ્યા દાનમાં આપવાની ચીજ છે, પણ આજનાં કેટલાંક શિક્ષકો રીતસરની હાટડી માંડીને બેઠા છે. મુઠ્ઠીભર આવા શિક્ષકોએ ‘ગુરુ’ની છબીને ખંડિત કરી છે. તેના કારણે આજનાં શિક્ષક અને શિક્ષણ પ્રથાનો વિરોધ થઈ રહ્યો છે. આવી કલંક‚પ પ્રવૃત્તિઓ અને સ્વાર્થ ત્યજીને શિક્ષકે પોતાનું મૂલ્ય વધારવું પડશે. તેણે સંસ્કારી, આધુનિક, પરોપકારી બનવું પડશે. આજનો શિક્ષક ગોખણીયો બન્યો છે, જ્ઞાનનો અભાવ છે. તે બધામાં બદલાવ આવશ્યક છે. આવતીકાલનાં વિદ્યાર્થી સાથે કામ કરવું હશે તો શિક્ષકે જ્ઞાન સમૃદ્ધ બનવું પડશે.

આજે દર સાત-આઠ વર્ષે જ્ઞાન બમણું થઈ રહ્યું છે. જ્ઞાનના આ કલ્પનાતિત વિસ્ફોટોને પહોંચી વળવા આજની શાળાઓ પાસે કોઈ જ આયોજન નથી. આવતીકાલે માત્ર શાળા સમય દરમિયાન જ્ઞાન કે માહિતી ભર્યા જ કરવી તેનું મહત્ત્વ જરાયે નહીં હોય. આવતીકાલે વિદ્યાર્થીને સતત અધ્યયન કરતો રાખવો પડશે, તેને અધ્યયન કરતા રહેવું પડશે.

એટલે તો આદ્રે મોરવાએ કહ્યું છે : ‘પુસ્તકાલય એ નિશાળ અને વિદ્યાપીઠનું એક આવશ્યક સાથી છે. હું તો એટલે સુધી કહીશ કે કેળવણી એ તો પુસ્તકાલયોના દરવાજાની ચાવી છે.’ એટલે શિક્ષકે પહેલા પુસ્તકાલય સુધી જવું પડશે અને પછી વિદ્યાર્થીઓને લઈ જવા પડશે. જ્ઞાન મેળવવાની ચાવી શીખવવી પડશે. ડૉ. ગુણવંત શાહ કહે છે : ‘શાળાની પ્રાર્થના-સભા શાળાનું હૃદય છે અને શાળાનું પુસ્તકાલય શાળાનું કાળજું છે.’ આવતીકાલે એ બંનેનું સંવર્ધન જ‚રી બનશે અને તેનું સંવર્ધન કરે તેવો શિક્ષક જરૂરી છે.

આવતીકાલે જ્ઞાનનો વિસ્ફોટ થશે, જ્ઞાન માત્ર પુસ્તકાલયોમાંથી જ નહીં આપી શકાય, પણ ટેલિવિઝન, રેડિયો, સમાચાર પત્રો જેવાં માધ્યમોને વર્ગમાં લાવવા પડશે. જ્ઞાન વધારે પ્રમાણમાં વ્યક્તિગત આપવું પડશે. કેળવણી જીવન પયર્ર્ંત બની રહેશે. વિદ્યાર્થીઓ જાતે શીખી શકે તેવા કમ્પ્યુટર કાર્યક્રમ આવી ચૂક્યા હશે. ઈન્ટરનેટ કાર્યક્રમો જ્ઞાનનાં દ્વાર ખખડાવી રહ્યા હશે. ચોપડીઓ ઉપરાંત નેટવર્ક અને તેના ઉપર આધારિત હાઈપર્મિડિયા, ઈલેકટ્રોનિક બૂક, ઈલેક્ટ્રોનિક મેલ, ટેલિકોન્ફરન્સ અને ગ્લોબલ ક્લાસ‚મ જેવાં ઉપકરણો શિક્ષણની સેવામાં રોમાંચક ભૂમિકા ભજવશે. આવનારા દિવસોમાં વિડીયો કોન્ફરન્સથી શિક્ષણ આપવાનું પણ પ્રભાવી બનશે. દેશના સારામાં સારા શિક્ષકો વિડીયો કોન્ફરન્સનાં માધ્યમ દ્વારા એક જ સમયે દેશના જુદા-જુદા સ્થાને વિદ્યાર્થીઓને એજ્યુકેટ કરશે.

આ રીતે માસ એજ્યુકેશનનું પ્રમાણ વધશે. હવેના વિદ્યાર્થીઓ ખભે વજનદાર દફતર કે હાથમાં ચોપડાઓનાં થોકડાંઓને બદલે ટેબલેટ કે અન્ય કોઈ આધુનિક ઉપકરણ સાથે આવશે. શિક્ષકે એ માટે પોતાને ઘડવો પડશે. આવા સંજોગોમાં શિક્ષકે વધારે સજ્જ આધુનિક અને ટેક્નોલોજીના જ્ઞાનથી સમૃદ્ધ થવું પડશે.

આવતી કાલે શિક્ષણ આપવાને બદલે શિક્ષણ મેળવવા માટેનું પર્યાવરણ મહત્ત્વનું બનશે. તેથી તો આઈન્સ્ટાઈનની વાત સાચી પડશે. તેમણે કહ્યું છે કે, ‘હું કદી શીખવતો નથી. હું તો એવા સંજોગો પેદા કરું છું, જેમાં વિદ્યાર્થી શીખે.’ એટલે કે આવતીકાલની શાળાઓ અને તેના વર્ગખંડો આજના છે, તેવા નહીં જ ચાલે. કદાચ દીવાલ વિનાની અને શિક્ષક વિનાની શાળાઓ અસ્તિત્વમાં આવશે. વિદ્યાર્થીએ જ્ઞાન પાસે જવાને બદલે જ્ઞાન ‚મઝુમ કરતું વિદ્યાર્થી પાસે આવશે. શિક્ષણ માટે વિદ્યાર્થીઓનું વિતરણ થવાને બદલે વિદ્યાર્થીઓને શિક્ષણનું વિતરણ થશે પણ તેમ છતાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તો શિક્ષક જોઈશે જ. શિક્ષકે એ માટે તૈયાર રહેવું પડશે.

શિક્ષકના સ્વરૂપો ઉત્તરોત્તર બદલાયા છે. એ આપણો જોયું. ધોતી, ખેસ અને માળા ધારણ કરેલ ગુરૂથી માંડી, બંડી અને થેલાવાળા માસ્તર, ત્યારબાદ પેન્ટ-શર્ટ પહેરેલાં શિક્ષકને આજકાલ ટાઈ-શૂટ-બૂટથી સજ્જ શિક્ષક આપણને જોવા મળે છે, પણ જે ઝડપે ટેક્નોલોજીનો પ્રભાવ વધી રહ્યો છે. એ જોતા આવતીકાલે રોબો-ટીચર ભણાવતા હોય તો નવાઈ નહીં ?

ચોંકવાની જરૂર નથી આ દિવસો દૂર હોય તેવું જરાય નથી. આજે આર્ટિફિશિયલ ઇન્ટેલીજેન્સની બોલબાલા વધી છે. તાજેતરમાં જ આર્ટિફિશિયલ ઇન્ટેલીજેન્સે એક અત્યંત બુદ્ધિશાળી માનવને ચેસમાં હરાવ્યા. આ જોતા રોબો-ક્લાસ એન્ડ રોબો ટીચર પણ શક્ય છે, પણ તેમ છતાં એટલું તો કહી શકાય કે ‘શિક્ષક’ યાને કી ‘ગુરુ’ની જરૂર પડશે. ભાઈ ! આ રોબો-ટીચરને બનાવવાય કોઈ માનવ-ટીચર તો જોઈશે ને ? યેસ ! તો પછી તૈયાર થઈ જાવ આધુનિક જમાનાના આધુનિક ટીચર બનવા.

Next Story