Connect Gujarat
ગુજરાત

પાનોલીઃ ફાર્મા કંપનીમાં આગમાં બેનાં મોત, મૃતકોને 5-5 લાખની સહાયની જાહેરાત

પાનોલીઃ ફાર્મા કંપનીમાં આગમાં બેનાં મોત, મૃતકોને 5-5 લાખની સહાયની જાહેરાત
X

અંકલેશ્વર ડીપીએમસીને જાણ કરાતાં સ્થળ ઉપર પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો

અંકલેશ્વર નજીક આવેલી પાનોલી જીઆઈડીસી સ્થિત યુનિક ફાર્મા કંપનીમાં આજે સવારે ૭.૩૦ કલાકે અચાનક બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. જેના પગલે કંપનીમાં કામ કરી રહેલાં કામદારોમાં દોડધામ મચી હતી. ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરાતાં આગ ઉપર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.જો કે, એક કલાકમાં આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો. આ ઘટનામાં મનજીત યાદવ અને પ્રતિક પટેલ નામનાં બે કામદારનાં મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ચાર ઈજાગ્રસ્તોને જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.

પાનોલીની યુનિક ફાર્મા કંપનીમાં આગની ઘટનાને પગલે જીપીસીબી અને ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યારે ભરૂચનાં ડેપ્યુટી ડાયરેકટર ઓફ ઇન્ડ. સેફટી એન્ડ હેલ્થના વડા પી.એચ. પટેલ પણ સુરતથી કંપની ખાતે ઘટનાની તપાસ અર્થે પહોંચ્યા હતા.

ડીપીએમસીનાં ચીફ ઓફિસર વિજય આસરે જણાવ્યું હતું કે, સવારે 9.15ની વાગ્યાની આસપાસ ડીપીએમસીને પાનોલીની યુનિક કંપનીમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. જે બાદ અમારી ટીમ તરત ઘટના સ્થળે દોડી આવી હતી. તેમણે ફાયરને કંન્ટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો હતો. એક કલાકમાં આઈસોલેટ કરીને આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો.

કંપનીનાં જનરલ મેનેજર બી.એમ.સીતપરાએ જણાવ્યું હતું કે, આજે સવારે 7.30ની વચ્ચે રિએક્શનમાં પ્લાન્ટમાં ટેમ્પરેચર વધ્યું હતુ. મોટા ભાગે પ્રોડક્શનની ટીમ આવી ગઈ હતી. તેમણે કન્ટ્રોલ માટે પુરતા પ્રયત્નો કર્યા હતા. એક્શન લેતાં પહેલાં જ બ્લાસ્ટ થયો હતો. તે સમયે પ્લાન્ટની બહાર રહેલા લોકોને અસર થતાં 6 જેટલાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જે લોકોનાં મૃત્યુ થયા છે તેમનાં પરિવારજનોને કંપની દ્વારા રૂપિયા 5-5 લાખનું વળતર ચૂકવવામાં આવશે. જ્યારે ઈજાગ્રસ્તોને કંપનીના રૂલ્સ પ્રમાણે મળવાપાત્ર રકમ ચૂકવવામાં આવશે.

Next Story