Connect Gujarat
Featured

મહેસાણા : ઊંઝા APMC માં 15 કરોડનો ગરબડ ગોટાળો, ખેડૂતો-વેપારીઓનું ધરણાં પ્રદર્શન

મહેસાણા : ઊંઝા APMC માં 15 કરોડનો ગરબડ ગોટાળો, ખેડૂતો-વેપારીઓનું ધરણાં પ્રદર્શન
X

એશિયાના સૌથી મોટા માર્કેટયાર્ડ ગણાતા ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશ પટેલ અને સેક્રેટરી વિષ્ણુ પટેલ ઉપર સેસ વિભાગના કર્મચારી સૌમિલ પટેલે ૧પ કરોડના કૌભાંડનો આક્ષેપ કરતાં હવે ખેડૂતો-વેપારીઓના રૂપિયા ચાંઉ કરી જનાર સત્તાધીશોના વિરોધમાં ઠેર-ઠેર રોષ ભભૂકી ઊઠયો છે. આક્રોશિત વેપારીઓએ હવે સેસ કૌભાંડમાં ચર્ચિત ચેરમેન, સેક્રેટરી સિવાય ધારાસભ્ય આશા પટેલ વિરુદ્ધ માત્ર રજિસ્ટ્રારની જ તપાસ નહી પરંતુ સી.બી.આઈ. તપાસની માગ કરી છે.

મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતેના APMC માર્કેટમાં 15 કરોડ રૂપિયાના કૌભાંડના મુદ્દાએ ગરમી પકડી છે. ભ્રષ્ટાચાર મુદ્દે ખેડૂતો અને વેપારીઓ મેદાનમાં આવી ગયા છે. કૌભાંડીઓ સામે સખત કાર્યવાહી કરવાની માંગ સાથે વેપારીઓ દ્વારા શનિવારે એ.પી.એમ.સી. બંધ રાખી કૌભાંડ મુદ્દે ખેડૂતો, વેપારીઓ અને ડિરેક્ટરો વિરોધ પ્રદર્શન પર ઉતર્યા છે. વેપારીઓએ આજે એપીએમસી બંધનું એલાન કર્યું છે જેને નગરપાલિકાના પ્રતિનિધિ મીના પટેલ ડિરેક્ટર તથા ખેડૂત વિભાગના ડિરેક્ટર સંજય પટેલે પણ સમર્થન જાહેર કર્યું છે અને વેપારીઓની લડતમાં સંપૂર્ણ સહયોગ આપવાની જાહેરાત કરી હતી.

ઊંઝા એપીએમસીના વેપારી મત વિભાગના ડિરેક્ટર અરવિંદ પટેલે કહ્યું કે કૌભાંડ મામલે અમે લેખિતમાં જાણ કરી તપાસ કરવા માગણી કરી હતી. પરંતુ હજુ રજિસ્ટ્રાર દ્વારા તપાસની શરૂઆત થઈ નથી જેથી અમે ઉપવાસ અને ધરણાંનું આયોજન કર્યું છે. જેમાં યાર્ડના તમામ વેપારીઓ સમર્થન આપી રહ્યા છે. આક્ષેપ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ હેતુથી કરે પરંતુ પુરાવા સામે છે તો હવે સ્વતંત્ર એજન્સી તપાસ કરે અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ તેવી માંગણી કરી છે.

બીજીબાજુ આ આક્ષેપ કરનાર ક્લાર્ક સૌમિલ પટેલ સામે પણ હવે આરોપ લાગી રહયા છે અને એપીએમસી દ્વારા તેની સામે કાનૂની પગલાં લેવામાં આવી રહયા છે. સૌમિલ સામે એપીએમસીની વહીવટી પ્રકિયામાં દખલ કરવી અને અનિયમિતતાનો મુદ્દો ઉઠ્યો છે. એપીએમસી દ્વારા કૌભાંડના આરોપોને ફગાવી દેવામાં આવ્યા છે.

Next Story