Connect Gujarat
Featured

વલસાડ : કપરાડામાં મુખ્યમંત્રીની હાજરીમાં વન મંત્રીએ કર્યો “બફાટ”, જુઓ શું હતો ટોક ઓફ ધ ટાઉન મુદ્દો..!

વલસાડ : કપરાડામાં મુખ્યમંત્રીની હાજરીમાં વન મંત્રીએ કર્યો “બફાટ”, જુઓ શું હતો ટોક ઓફ ધ ટાઉન મુદ્દો..!
X

વલસાડ જિલ્લાની કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા સ્ટાર પ્રચારકોને ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે, ત્યારે આજે વલસાડ જીલ્લામાં ભાજપ તરફથી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધુરા સંભાળી હતી. જોકે જાહેર સભામાં રાજ્યના વન અને આદિજાતિ મંત્રીએ મુખ્યમંત્રીની હાજરીમાં મોટો બફાટ કરતાં મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જંગી જાહેરસભા સંબોધી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેર સભામાં રાજ્યના વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકર પણ ઉપસ્થિત હતા. જોકે પોતાના સંબોધનમાં રમણ પાટકરે મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં મોટો બફાટ કર્યો હતો. તેઓએ લોકોને સંબોધતા સ્વીકાર્યું હતું કે, અગાઉ જીતુભાઈ કોંગ્રેસમાં હતાં. લોકોને વચન આપી દેતા હતા કે કામ પુર્ણ થઈ જશે. પરંતુ તેમને રૂપિયા પૂરતા પ્રમાણમાં આપતા નહોતા. એટલે તેમના વચન અધૂરા રહી જતાં હતાં. જોકે, હવે તેઓ ભાજપમાં આવી ગયા છે. એટલે તેમના તમામ વચનો પૂરા થશે અને વિસ્તારનો વિકાસ પણ ખૂબ જ ઝડપથી થશે. આમ રાજ્યના વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકરે આડકતરી રીતે કોંગ્રેસના ધારાસભ્યોના મત વિસ્તારમાં ઓરમાયુ વર્તન રખાતું હોવાનો સ્વીકાર કર્યો હતો.

જોકે મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં જાહેર મંચ પરથી રાજ્યના મંત્રીએ કરેલા નિવેદનને કારણે ખળભળાટ મચી ગયો હતો, ત્યારે સભા બાદ જ્યારે મંત્રી રમણ પાટકરને આ અંગે પૂછવામાં આવતા તેઓએ મીડિયા સામે પણ તે વાતને વળગી ગયા હતા. તો બીજી તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ મંત્રી રમણ પાટકરના નિવેદનનો બચાવ કરવો પડ્યો હતો.

Next Story