Connect Gujarat
Featured

વલસાડ : ખેતી વિષયક વીજ જોડાણોને કિસાન સૂર્યોદય યોજના થકી મળશે દિવસ દરમ્યાન સાતત્ય પૂર્ણ વીજપુરવઠો

વલસાડ : ખેતી વિષયક વીજ જોડાણોને કિસાન સૂર્યોદય યોજના થકી મળશે દિવસ દરમ્યાન સાતત્ય પૂર્ણ વીજપુરવઠો
X

વલસાડ જિલ્લાના વલસાડ તાલુકાના 12 ગામોના કિસાનોને દિવસે વીજળી આપતી મહત્ત્વાકાંક્ષી કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ સહકાર, રમતગમત વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્‍તે કરવામાં આવ્‍યો હતો.

સહકાર રાજયમંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્‍યું હતું કે, ખેડૂતોને ખેતીવાડીમાં પિયત માટે દિવસે વીજળી આપવાની માંગણીને સંતોષવા ખેડૂતોને દિવસે વિજળી પૂરી પાડવા ગુજરાત સરકાર દ્વારા એક નવીન અભિગમ અપનાવી કિસાન સૂર્યોદય યોજના અમલમાં મુકવામાં આવી છે. જે યોજના હેઠળ કૃષિ ક્ષેત્રે દિવસ દરમ્‍યાન સવારે 5થી રાત્રિના 9 વાગ્‍યા દરમ્યાન દિવસે વીજ પુરવઠો આપવામાં આવશે. આ યોજના થકી ખેડૂતોને દિવસે ખેતીવાડી સિંચાઈ માટે વીજ પુરવઠો મળવાથી રાતના ઉજાગરા, વન્‍યજીવ જંતુના ભય અને કડકડતી ઠંડી તથા ચોમાસામાં પડતી મુશ્‍કેલીઓથી કાયમ માટે મુક્‍તિ મળશે.

રાજ્‍ય સરકારે ખેડૂતોની દરકાર કરી અનેકવિધ કૃષિલક્ષી યોજનાઓ અમલી બનાવી છે. કૃષિ મહોત્‍સવના કારણે ખેડૂતોમાં જાગૃતિ આવતાં કૃષિ ઉત્‍પાદનમાં અનેકગણો વધારો થયો છે. ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ થકી વિના વ્‍યાજે લોન સહાય આપે છે. ખેડૂત આર્થિક રીતે પગભર થાય તે માટે કિસાન સન્‍માનનિધિ હેઠળ વર્ષે છ હજારની સહાય આપે છે. રાજ્‍ય સરકાર સાત પગલાં ખેડૂત કલ્‍યાણના યોજના હેઠળ સાત જેટલી યોજનાઓના અમલીકરણ કરી ખેડૂતો માટે સહાયરૂપ બની છે. કોરોના મહામારીમાં આત્‍મનિર્ભર યોજના થકી ઓછા વ્‍યાજ દરની વગર જામીને લૉન સહાય આપી છે. સખી મંડળની બહેનોને પણ વગર જામીને એક લાખ સુધીની લૉન આપવામાં આવી છે. જ્‍યોતિગ્રામ યોજના હેઠળ દરેક ઘરમાં 24 કલાક વીજળી આપવામાં આવે છે. વલસાડ તાલુકામાં 66 કે.વી. ગુંદલાવ સબ-સ્‍ટેશનમાંથી નીકળતા 02 ફીડરોના, 12 ગામોના 828 ખેડુતોને લાભાન્‍વિત કરતી કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરાયો છે. જેમાં ગુંદલાવ, મુળી, પાલણ, ઓવાડા, ઠક્કરવાડા, ગોરવાડા, ઘડોઇ, લીલાપોર, વેજલપોર, ધમડાચી ભદેલી અને હિંગરાજ ગામનો સમાવેશ થાય છે. બાકી રહેલા ગામોનો પણ તબક્કાવાર આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે.

આ અવસરે સાંસદ ડૉ. કે.સી.પટેલ, પારડી ધારાસભ્‍ય કનુ દેસાઈ, વલસાડ ધારાસભ્‍ય ભરત પટેલ, ધરમપુર ધારાસભ્‍ય અરવિંદ પટેલ દ્વ્સરા પ્રાસંગિક ઉદબોધનમાં રાજ્‍ય સરકારની વિકાસગાથાની રૂપરેખા આપવામાં આવી હતી. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિક્ષક ઇજનેર જી.બી. પટેલે સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા અને વલસાડ તાલુકામાં ડી.જી.વી.સી.એલ.ની સિદ્ધિઓની જાણકારી આપી હતી. આ અવસરે વલસાડ કલેક્‍ટર આર.આર.રાવલ, ડીજીવીસીએલ વલસાડના અધિક્ષક ઇજનેર વિજીલન્‍સ પી.જી.પટેલ તેમજ કોર્પોરેટ જી.ડી.ભૈયા, જેટકો નવસારીના અધિક્ષક ઇજનેર અભય દેસાઇ, ખેડૂતો, ગ્રામજનો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ ડીજીવીસીએલ વલસાડના એ.કે.પટેલે કરી હતી.

Next Story