શિયાળાની ફુલગુલાબી ઠંડીમાં લિજ્જતદાર ઉંબાડિયાની મોજ માણતા સ્વાદનાં શોખીનો

New Update
શિયાળાની ફુલગુલાબી ઠંડીમાં લિજ્જતદાર ઉંબાડિયાની મોજ માણતા સ્વાદનાં શોખીનો

શિયાળાની ફૂલગુલાબી ઠંડીએ ભારે જમાવટ કરી છે. ત્યારે નવસારી - વલસાડ જિલ્લામાં અત્યાર સુધી પ્રચલિત ગરમા ગરમ મસાલેદાર ઉંબાડિયાએ અંકલેશ્વરનાં સ્વાદ શોખીનોને પણ ટેસ્ટ લગાડ્યો છે.

અંકલેશ્વરનાં ગડખોલ પાટીયા પાસે ઠંડીની શીતલહેર સાથે શરીરને હૂંફ મળી રહે તે માટે સ્વાદ શોખીનો ઉંબાડિયાની જયાફત ઉઠાવી રહ્યા છે. ઉંબાડિયામાં લીલીછમ પાપડી, શક્કરીયા, બટાટાને લીલા મસાલામાં ભેળવવામાં આવે છે.

આ બધી શાકભાજીને એક માટલામાં ભરી દેવામાં આવે છે. તેની ઉપરના ભાગે કલાર નામની વનસ્પતિ મૂકી માટલાનું મોં બંધ કરી દેવામાં આવે છે. પછી આ રીતે તૈયાર થયેલા માટલાને ઉંધું મૂકી તેની ફરતે છાણા ગોઠવીને તેને સળગાવવામાં આવે છે. બાહ્ય ગરમીનાં કારણે માટલામાં મૂકવામાં આવેલા કંદ, બટાટા, શક્કરીયા, પાપડી બફાઈ જાય છે. આમ ઉંબાડિયું તૈયાર થાય છે. આ રીતે ઉંબાડિયું તૈયાર થતા 30 મિનિટ જેટલો સમય લાગે છે.

અંકલેશ્વર જુના નેશનલ હાઇવે નંબર 8 પરથી પસાર થતા વાહન ચાલકો ગડખોલ પાટીયા પાસે ઉભા રહીને ટેસ્ટફૂલ ઉંબાડિયાની લિજજત માણે છે.

Latest Stories