Connect Gujarat
Featured

સુરતના : 5 વર્ષ અગાઉ થયેલ સંબંધીની હત્યાનો ભેદ ઉકેલાયો, મૃતદેહને ચણી દેવાયો હતો દિવાલમાં..!

સુરતના : 5 વર્ષ અગાઉ થયેલ સંબંધીની હત્યાનો ભેદ ઉકેલાયો, મૃતદેહને ચણી દેવાયો હતો દિવાલમાં..!
X

સુરતના પાંડેસરા વિસ્તારમાં વર્ષ 2015માં હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં આરોપીએ પોતાના સંબંધીની હત્યા કરી તેના મૃતદેહને મકાનની દિવાલમાં ચણી દીધો હતો, ત્યારે દિવાલમાં ચણી દેવાયેલા મૃતદેહના હાડપિંજરને પોલીસ, એક્જિક્યુટિવ મામલતદાર, એફએસએલની હાજરીમાં બહાર કાઢવામાં આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર, સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી આશાપુરી સોસાયટીના વિભાગ-3માં ગુનાહિત ઈતિહાસ ધરાવતા રાજુ બિહારીએ પોતાના સંબંધી શિવમ ઉર્ફે કિશનની હત્યા કરી હતી. હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ કોઈને આશંકા ન જાય તે માટે હત્યારાએ કિશનના મૃતદેહને દિવાલમાં ચણી દીધો હતો. જોકે બાતમીના આધારે પોલીસે ઘરના રસોડામાં ચણી દેવાયેલ દિવાલના પ્લાસ્ટરનું 6 શ્રમિકો દ્વારા 3 ફૂટ સુધી ખોદકામ કરાવ્યુ હતું. જેમાં લગભગ 2 કલાકની જહેમત બાદ મૃતક શિવમનું હાડપિંજર મળી આવ્યું હતું. દાદરની નીચે ખાલી જગ્યા પડી હતી તેમાં શિવમનો મૃતદેહ ચણી દેવામાં આવ્યો હતો. જોકે 5 વર્ષ બાદ કિશનના મૃતદેહને બહાર કાઢવા માટે પ્રયાસો હાથ ધરાયા હતા, ત્યારે કિશનનો મૃતદેહ મળ્યો હોવાની જાણ થતાં જ તેનું પરિવાર પણ આશાપુરી સોસાયટીમાં દોડી આવ્યું હતું.

સમગ્ર ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે, પોતાના જ સંબંધીની હત્યા કરનાર આરોપી રાજુ ભરૂચના એક કેસમાં જેલમાં જતો રહ્યો હતો. જોકે પેરોલ પર છૂટ્યા બાદ તે હાજર થયો નહોતો, ત્યારે બાતમીના આધારે પોલીસે પૂછપરછ કરતાં હત્યાનો સમગ્ર ભેદ ઉકેલાયો હતો. શિવમની હત્યા કરી તેના મૃતદેહને દીવાલમાં ચણી દેવામાં આવ્યો હતો. જેથી મામલતદાર અને પાંડેસરા પીઆઈ સહિત એફએસએલના અધિકારીઓને સાથે રાખીને મૃતદેહનો કબ્જો લઈ ફોરેન્સિકની હાજરીમાં પીએમ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જોકે રીઢા ગુનેગાર રાજુને હાલ પોલીસે ઝડપી પાડ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

Next Story