Connect Gujarat
ગુજરાત

હાર્દિક પટેલે કહ્યું: CM રૂપાણીએ રાજીનામું આપ્યું છે, આગામી ચહેરો ક્ષત્રિય અથવા પાટીદાર

હાર્દિક પટેલે કહ્યું: CM રૂપાણીએ રાજીનામું આપ્યું છે, આગામી ચહેરો ક્ષત્રિય અથવા પાટીદાર
X

વિધાનસભાની ચૂંટણી સમયે માલવિયાનગર પોલીસમાં નોંધાયેલી ફરિયાદમાં નિવેદન નોંધાવવા આવ્યો હતો

રાજકોટ શહેરના નાના મૌવા સર્કલ ખાતે વિધાનસભા 2017ની ચૂંટણી પૂર્વે તારીખ 29 નવેમ્બરના રોજ મહાક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના પ્રણેતા હાર્દિક પટેલે સરકાર વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા હતા. આ સભા સ્થળની અને સભાની પણ મંજૂરી લેવામાં આવી ન હતી. જેથી આ અંગે જે તે વખતે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હોય હાર્દિક પટેલ બપોરે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં રજૂ થયો હતો.

પોલીસ મથકે આવેલા હાર્દિક પટેલનું નિવેદન નોંધી મુક્ત કરવામાં આવ્યો હતો. આ સમયે તેની સાથે મોટી સંખ્યામાં પટેલ સમાજના યુવાનો અને પાસ સમિતિના કન્વીનરો ઉપસ્થિત રહ્યા હતા. આ ગુનામાં અગાઉ જેના નામે મંજૂરી લેવા માટે અરજી કરવામાં આવી હતી તેવા કોંગ્રેસના તુષાર નંદાણીની ધરપકડ થઇ ચુકી છે.

આ સમયે પત્રકારો સાથેની વાતચીતમાં હાર્દિક પટેલે એવો ધડાકો કર્યો હતો કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું રાજીનામુ ગઈકાલે જ કેબિનેટમાં લઇ લેવામાં આવ્યું છે. આગામી 10 - 12 દિવસમાં જ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પાટીદાર અથવા ક્ષત્રિય ચહેરાને બેસાડવામાં આવશે.

આ ઉપરાંત ટેકાના ભાવે ખરીદેલી મગફળી બાબતે નાફેડના ચેરમેને કરેલા નિવેદન અંગે પણ તેણે જણાવ્યું હતું કે, આ બાબત ખુબ જ ગંભીર છે. સરકારે કુલડીમાં ગોડ ભાંગી કૌભાંડ આચર્યું છે. ત્યારે ખેડૂતોએ હવે જાગૃત બનવું જરૂરી છે. રાજકોટના માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ આવતા મોટી સંખ્યામાં ટેકેદારો એકઠા થયા હતા.

Next Story