Connect Gujarat
ગુજરાત

દાહોદ : મતદાન દરમિયાન બૂથ કેપ્ચરિંગની ઘટનાથી ચકચાર, વિડિયો વાયરલ

ગઈકાલે ગુજરાતની તમામ લોકસભા બેઠકો પર મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું,

X

ગઈકાલે ગુજરાતની તમામ લોકસભા બેઠકો પર મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું, પરંતુ દાહોદ લોકસભા બેઠક પર શાંતિપૂર્ણ મતદાન વચ્ચે બૂથ કેપ્ચરની ઘટના બની હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. દાહોદ લોકસભા બેઠક વિસ્તારના મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બુથ કેપ્ચરીંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં ભાજપના નેતાના પુત્રએ બૂથ કબજે કર્યું હતું. તેના ઉપર, તેણે સમગ્ર બૂથ કેપ્ચરિંગની ઘટનાને સોશિયલ મીડિયા પર લાઇવ સ્ટ્રીમ કરી હતી. વિજય ભાભોર સંતરામપુરના ગોથીબ તાલુકા પંચાયતના પૂર્વ તાલુકા પ્રમુખ રમેશ ભાભોરના પુત્ર છે. પોલીસે આ કેસમાં બે લોકોની અટકાયત કરી છે અને ફરિયાદ નોંધવાનો પ્રયાસ કરી રહી છે.

દાહોદ લોકસભા બેઠકમાં ભાજપના નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથમાં ઘુસીને ઈવીએમ કબજે કર્યું હતું. વિજય ભાભોરે પણ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર સમગ્ર ઘટનાનું લાઈવ સ્ટ્રીમિંગ કર્યું હતું. એટલું જ નહીં, એવી પણ ચર્ચા છે કે વિજય ભાભોએ અન્ય લોકો સાથે મળીને ભાજપના ઉમેદવારને નકલી વોટિંગ કરાવ્યું છે. વીડિયોમાં તે કહેતા જોવા મળે છે કે 'EVM આપણાં બાપનું છે.'

દાહોદમાં બૂથ કેપ્ચરિંગની ફરિયાદ અંગે ચૂંટણી પંચે રિપોર્ટ મંગાવ્યો છે. ચૂંટણી પંચે જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી રિપોર્ટ મંગાવ્યો હતો. હવે ચૂંટણી પંચ રિપોર્ટના આધારે નિર્ણય લેશે. આ અંગે મહિસાગર જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, એફઆઈઆરની કાર્યવાહી ચાલુ છે. પોલીસે વિજય ભાભોર અને મનોજની અટકાયત કરી છે. આ ઘટના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બની હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Next Story