Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ૭૪મા રાજ્ય કક્ષાના વન મહોત્સવની કરાશે ઉજવણી...

પંચમહાલ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ૭૪મા રાજ્ય કક્ષાના વન મહોત્સવની કરાશે ઉજવણી...
X

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પંચમહાલ જિલ્લા ખાતે ૭૪મા રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવશે, ત્યારે મુખ્યમંત્રીના હસ્તે ૧.૧ હેકટર વિસ્તારમાં નિર્માણ પામેલા જેપુરા-વન કવચનું કરાશે લોકાર્પણ, ક્રોકોડાઇલ રેસ્ક્યુ સેન્ટર-પાવાગઢનું પણ ઈ-લોકાર્પણ કરવામાં આવનાર છે.

ભારત ઔષધી અને જડીબુટ્ટીઓની સમૃદ્ધિ ધરાવતો દેશ છે, જેમાં પાવાગઢ જેવી શક્તિપીઠ પર મા મહાકાળીએ અઢળક ઔષધિઓ ખજાના સ્વરૂપે આપણને ભેટ આપેલ છે, જેની માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ નોંધ લીધી અને વર્ષ ૨૦૧૧માં રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરી અને “વિરાસત વન” સંસ્કૃતિક વનની ભેટ આ પવિત્ર શક્તિપીઠના નાગરિકોને આપી હતી.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૭૪માં રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી પંચમહાલ જિલ્લામાં કરાશે. પાવાગઢથી માત્ર ૬ કિલોમીટરના અંતરે જેપુરા ખાતે વિરાસત વનની બાજુમાં ૧.૧ હેકટર વિસ્તારમાં ગોધરા સામાજીક વનીકરણ વિભાગ દ્વારા વૈજ્ઞાનિક ઢબે વન કવચનું નિર્માણ કરાયું છે. જેનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. મુખ્યમંત્રીની સાથે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ તથા વન કવચ સંકુલની મુલાકાત લેશે.

આ સાથે સભા સ્થળ ખાતે આગમન થશે, જ્યાં મુખ્યમંત્રી સભાને ઉદ્દબોધન કરશે. વન મહોત્સવ ખાતે મંત્રી મુળુ બેરા,મંત્રી ડૉ. કુબેર ડિંડોર, રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ, વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ સહિત જીલ્લાના સાંસદ સભ્ય, ધારાસભ્યઓ,અધિકારીઓ/પદાધિકારીઓ જોડાશે.

આ સાથે મુખ્યમંત્રીના હસ્તે દ્વારકા ખાતે નિર્માણ પામનાર સાંસ્કૃતિક વન-હરસિધ્ધિ વનનું ઈ-ખાતમુર્હુત કરાશે, દીપડા ગણતરી પુસ્તિકાનું વિમોચન, ક્રોકોડાઇલ રેસ્ક્યુ સેન્ટર-પાવાગઢ અને ક્રાકજ એનિમલ કેર સેન્ટર-પાલીતાણાનું ઈ-લોકાર્પણ, નડાબેટ-બનાસકાંઠા ખાતે વરું સોફ્ટ રિલીઝ સેન્ટરનું ઈ-લોકાર્પણ તથા સહભાગી વન વ્યવસ્થા મંડળીઓને સહાય ચેક વિતરણ કરાશે.

Next Story