5 મી જુન વિશ્વ પર્યાવરણ દિને વાગરા ના સુવા ગામે કેમિકલ યુક્ત પાણી પીવાના કારણે અબોલ પશુ-પક્ષી ઓ ના મોત નીપજ્યા હતા

ભરૂચ જીલ્લા નાં વાગરા તાલુકાના સુવા ગામ પાસેથી પસાર થતી કેનાલનું પ્રદુષિત પાણી પીવાના કારણે અબોલ પશુ-પક્ષી ઓ ના મોત નીપજ્યા હતા,જે સંદર્ભે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ નિગમ દ્વારા આ અંગે તપાસ હાથ ધરી હતી.અને આ ઘટના માં OPEL કંપની પર શંકાની સોય ભોંકાતા જીપીસીબી એ કંપની ને પાણી અધિનિયમ 33-એ હેઠળ સૂચનાઓ આપી તેનું તાત્કાલિક અસર થી અમલ કરવા જણાવ્યું છે.

તા. 5મી જુનના વિશ્વ પર્યાવરણ દિને સુવા ગામની સીમમાં ગામના પશુપાલકોની ભેંસો મૃતહાલતમાં પડેલી મળી આવી હતી. અલગ અલગ વિસ્‍તારમાં એક પછી એક એમ કુલ 9 ભેંસોના મૃતદેહ મળતાં ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો. ઉપરાંત વિસ્તારમાં ચાતક, ટીટોડી સહિતના વિવિધ 25 થી વધુ પક્ષીઓ પણ મૃત હાલતમાં મળતાં રોષે ભરાયેલાં ગ્રામજનોએ કેનાલમાં નજીકમાં આવેલી OPEL કંપનીમાંથી કંપનીનું કેમિકલવેસ્ટ પાણી છોડવાને કારણે કેમિકલ યુક્‍ત પાણી પીવાથી ભેંસો તેમજ પક્ષીઓના મૃત્‍યુ થયા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોના ટોળાએ કંપની ગેટ સામે હલ્લો મચાવ્યો હતો.

બીજી તરફ ઘટના અંગે જીપીસીબીને જાણ કરવામાં આવતાં અધિકારીઓની એક ખાસ ટીમે તપાસ શરૂ કરી હતી. મૃતક પશુઓના પોસ્ટમોર્ટમ કરાવી તેમજ પાણીના સેમ્પલ મેળવી તેના પૃથ્થકરણ કરવાની કવાયત હાથ ધરી હતી.

જયારે વડોદરા થી જીપીસીબી વિજીલન્સની ટીમે પણ તપાસ હાથ ધરી આ ટીમમાં વિજીલન્સ ઓફિસર સી. એ. શાહ તથા ભરૂચ જીપીસીબીના પ્રાદેશિક અધિકારી ફાલ્ગુન મોદીએ OPEL (ઓએનજીસી પેટ્રો એડીશન લી) કંપનીમાં ઘનિષ્ઠ તપાસ હાથ ધરી ગાંધીનગર વડી કચેરી ખાતે સમગ્ર તપાસ રીપોર્ટ મોકલ્યો હતો.

જીપીસીબી ના પ્રાદેશિક અધિકારી ફાલ્ગુન મોદીએ કનેક્ટ ગુજરાત સાથે ની વાતચીતમાં જણાવ્યું હતું કે OPEL કંપની ને પાણી અધિનિયમ 33-એ હેઠળ જણાવવામાં આવ્યું છે કે ગંદુ પાણી સ્ટ્રોમ વોટર ડ્રેન માં ડીસ્ચાર્જ ન કરવું, કંપની માંથી ઔદ્યોગિક પાણી નીકળતું હોય તેને ઈટીપી માં ટ્રીટમેન્ટ કર્યા પછી ધારાધોરણ મુજબ જીઆઈડીસી ની અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ માં નિકાલ કરવો, લાંબા તેમજ ટુકા ગાળે શું પગલા લેવા તે અંગે નો એક્શન પ્લાન રીપોર્ટ જીપીસીબી ને આપવા સહિતની સૂચનાઓ આપવામાં આવી છે.

આ ઉપરાંત મૃત અબોલ પશુ-પક્ષી નાં પોસ્ટ મોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ જ મોત નું સાચું કારણ જાણી શકાશે તેમ પણ જીપીસીબી ના અધિકારી જણાવી રહ્યા છે.