સૌરાષ્ટ્રમાં આજે પણ મેઘમહેર ચાલુ રહ્યો હતો. જેમાં દ્વારકાના ખંભાળિયામાં 4 કલાકમાં આઠ ઇંચ વરસાદ ખાબકતા ચારેકોર પાણી ભરાઇ ગયા હતા. ભારે વરસાદના પગલે નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઇ ગયા હતા અને સડકો પર પણ વરસાદના પાણી ફરી વળ્યા હતા.
ખંભાળિયા સિવાય દ્વારકા, મીઠાપુર, સુરકરાડી અને આરંભડામાં પણ વરસાદના ઝાપટાં પડ્યા હતા. દેવભૂમિ દ્વારકામાં સવારે વરસાદ શરૂ થયા બાદ ત્રણ કલાકમાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો.
મોસમનો પ્રથમ વરસાદ થવાથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં લોકોને મૂશ્કલીઓનો સામનો કરવો પડ્યો હતો.
તે સિવાય જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી અને જામનગરમાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો.
રાજ્યમાં દાંતીવાડા, દાંતા, ધોળકા, નડિયાદ, બોરસદ, માતર, ડભોઇ, તારાપુર, ખંભાત, જોડિયા, કરજણ, બોડેલી, કાલોલ, ભાણવડ, કાલાવડ, બાબરા, જેસર, ધોધા, ગારિયાધર, વાગરા, બારડોલી, શિહર, ઓલપાડ, માંડવી, જલાલપોર, ચીખલી, વલસાડ, ધરમપુર અને નવસારીમાં પણ મેઘરાજાની મહેર થતા રાજ્યનો મોસમનો કુલ વરસાદ 29.56 ટકા નોંધાયો હતો.
