કારખાનેદાર પાસે જોબ વર્ક કરાવેલ હીરાના 50 કરોડ રૂપિયા પણ ફસાયા
જાપાનમાં હીરા વેચવા ગયેલા સુરત અને મુંબઇની સાઇ-હોલ્ડર કંપનીના એક કર્મચારી પાસેથી 100 કરોડના હીરા ગાયબ થયા હોવાની ચર્ચાએ બુધવારે સાંજથી શહેરની બંને હીરામાર્કેટમાં જોર પકડ્યું હતું. જેમાં સુરતના કારખાનેદાર પાસે તૈયાર કરાવેલા હીરાના 50 કરોડ પણ ફસાયા હોવાનું જાણવા મળ્યું હતું. આમ, કુલ માર્કેટના 150 કરોડ ફસાયા હોવાની ચર્ચા છે.
સુરત-મુંબઇનું મોટું નામ ધરાવતી એક ડાયમંડ સોઇટ હોલ્ડર કંપનીએ તેના કર્મચારીને રફ હીરાને તૈયાર કરાવવા સુરત મોકલ્યા બાદ તેને વેચાણ માટે જાપાન મોકલાયા હતા. મોડી સાંજથી ફરતાં થયેલા મેસેજ તેમજ મળેલી માહિતી મુજબ આ હીરા જાપાનમાં ગાયબ થઇ ગયાં હોવાની વાત બહાર આવતાં મહિધરપુરા અને વરાછા હીરાબજારમાં વેપારીઓનું ટોળું એકઠું થઈ ગયું હતું.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/08/unnamed-10-2.jpg)
હજુ એક દિવસ અગાઉ જ મહિધરપુરાની એક આંગડિયા પેઢી કાચી પડી હોવાનું બહાર આવ્યા બાદ હવે આ સમાચારે જોર પકડ્યું હતું. હીરા સાથે કર્મચારી પણ ગાયબ થઇ ગયો છે અને કર્મચારીએ જ આ હીરાની ઉચાપત કરી છે એવી બે વાતો બજારમાં ફરતી થઇ છે. ચર્ચા મુજબ આ કર્મચારીએ મહિધરપુરામાં હીરા જ્યાં તૈયાર કરાવ્યા તે કારખાનેદારના આશરે 50 કરોડ બાકી રાખ્યા છે. આમ કુલ 150 કરોડની ઉચાપત થયાની ચર્ચા છે.
આ અંગે સુરત ડાયમંડ એસોસિયેશન ના પ્રમુખ દિનેશ નાવડિયા એ જણાવ્યું છે કે આ કર્મચારીની મુંબઈ,ન્યુર્યોક, બેલ્જિયમ, દુબઈમાં ઓફિસ છે,આ અંગે બજારમાં મેસેજ ફરતા થયા છે, પરંતુ તે અંગે કોઈ ચોક્કસ માહિતી મળી નથી.
